Sat Aug 15 2026

Logo

ભૂતપૂર્વ ક્રિકેટરે ગંભીર માટે આપી સલાહ, ટીમ મૅનેજમેન્ટને ટકોર કરી કે `ટેસ્ટ ટીમમાં સાતથી આઠ સિનિયર ખેલાડી હોવા જ જોઈએ'

2026-08-05 21:01:58
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી રમવા મળશે એવી ઘણા મહિનાઓ સુધી રાહ જોયા બાદ તાજેતરમાં જ નિવૃત્તિ લઈ લેનાર ભૂતપૂર્વ કૅપ્ટન અને ભરોસાપાત્ર બૅટ્સમૅન અજિંક્ય રહાણેએ હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir)ના વડપણ હેઠળના ટીમ મૅનેજમેન્ટને એક પૉડકાસ્ટ પરની મુલાકાત મારફત અરજ કરી છે કે `ટેસ્ટ ક્રિકેટમાં ભારતને ગૌરવના દિવસો પાછા અપાવવા માટે તમે ટેસ્ટ ટીમ માટે સિનિયર ટેસ્ટ ખેલાડીઓની ગણતરી કરો અને એ રીતે તેમનું માન જાળવો એ જરૂરી છે.'

ગૌતમ ગંભીરના કોચિંગમાં વાઇટ-બૉલ ફૉર્મેટની (વન-ડે તથા ટી-20ની) દ્વિપક્ષી શ્રેણી તેમ જ ટૂર્નામેન્ટોમાં ભારતીય ટીમનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે, પરંતુ તેના જ કોચિંગમાં લાંબા ગાળાના ફૉર્મેટમાં (ટેસ્ટ ક્રિકેટમાં) ભારતીય ટીમે જે ખરાબ પર્ફોર્મ કર્યું છે એવું અગાઉ કોઈએ ધાર્યું પણ નહીં હોય. આ વિષયમાં રહાણે (Rahane)નું માનવું છે કે `ટેસ્ટ ટીમમાં સિનિયર ખેલાડીઓની બહુ ઓછી હાજરી છે એટલે જ આપણે ટેસ્ટમાં સારું નથી રમી શકતા.

ટીમ મૅનેજમેન્ટે ઓછા અનુભવી ખેલાડીઓ પર જ બધો મદાર રાખવાને બદલે જો અનુભવી અને પીઢ પ્લેયર્સ પર ભરોસો રાખ્યો હોત તો મૅચોના પરિણામો જુદા હોત. ટેસ્ટમાં સંગીન પરિણામ લાવવા ટીમમાં સાતથી આઠ સિનિયર ખેલાડીઓ અને બે-ત્રણ યુવાન ટૅલન્ટેડ પ્લેયર્સ હોવા જરૂરી છે. જોકે હાલની ટેસ્ટ ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ એક રીતે નવા છે. ટીમમાં ભાગ્યે જ સિનિયર ખેલાડી છે. બીજું, ટેસ્ટ-ક્રિકેટના ચાહકો મારી દૃષ્ટિએ ખરા ક્રિકેટ લવર્સ છે.'

ગણતરીના મહિનાઓમાં પાંચ દિગ્ગજ ખેલાડીઓએ ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરી છે અને એમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચન્દ્રન અશ્વિન, ચેતેશ્વર પુજારા અને ખુદ અજિંક્ય રહાણેનો સમાવેશ છે. આ દિગ્ગજોની નિવૃત્તિઓને લીધે ટેસ્ટ ટીમ નબળી પડી ગઈ છે. ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી પરાજય થયા પછી સાઉથ આફ્રિકા વિરુદ્ધ 0-2થી હાર જોવી પડી હતી. ઑસ્ટ્રેલિયામાં ભારતીયો 1-3થી હારી ગયા હતા.

રોહિત, વિરાટ અને અશ્વિને અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, જ્યારે પુજારા તથા રહાણેએ લાંબા સમયથી અવગણના થતાં છેવટે રિટાયરમેન્ટ લઈ લીધું છે. પરિવર્તન તો ક્રિકેટનો નિયમ છે અને દરેક ટીમ માટે એ તબક્કો આવે જ છે, પણ એ પરિવર્તન કેવી રીતે આવે છે અને ટીમ મૅનેજમેન્ટ એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે એ સૌથી મહત્ત્વની વાત છે.

રહાણેનું માનવું છે કે `મને આપણી ટેસ્ટ ક્રિકેટ વિશે ખૂબ ચિંતા છે. મેં છેલ્લાં બે-ત્રણ વર્ષમાં જોયું છે કે ઘણા ટેસ્ટ ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા હોવાથી ટેસ્ટ ટીમમાં સિનિયર ખેલાડીઓનું માન જળવાવું જોઈએ.'