Wed Aug 26 2026

Logo

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં સુધાર, GRAP-2ના પ્રતિબંધો હટાવી લેવાયા...

2026-02-18 20:07:05
Author: Chandrakant Kanoja
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં સુધાર, GRAP-2ના પ્રતિબંધો હટાવી લેવાયા...

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો  છે. જેના કારણે હવાની ગુણવત્તામાં સુધાર થયો છે. જેમાં લીધે  ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ સ્ટેજ 2 પ્રદૂષણ વિરોધી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. પ્રદૂષણનું સ્તર ઘટ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં બગડતા AQI સ્તરને કારણે  GRAP સ્ટેજ-2  19 ઓક્ટોબર 2025 ના રોજ લાદવામાં આવ્યો હતો.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, દિલ્હીનો સરેરાશ દૈનિક AQI ખરાબ શ્રેણીમાં 214 નોંધવામાં આવ્યો હતો.જે સ્પષ્ટપણે હવાની ગુણવત્તામાં સુધારો થવાનો સંકેત આપે છે.

બુધવારે સવારે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ 

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં વધારો થયા બાદ બુધવારે સવારે અક્ષરધામ, મોતી બાગ, કર્તવ્ય પથ, સફદરજંગ અને પાલમ સહિત રાજધાનીના અનેક સ્થળોએ હળવો વરસાદ  પડ્યો હતો. તેમજ  આકાશ વાદળછાયું રહ્યું હતું. જ્યારે  એનસીઆરના અન્ય શહેરોમાં પણ હળવો વરસાદ પડ્યો હતો.  હવામાનમાં ફેરફાર છતાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે દિલ્હીના હવામાનમાં ફેરફારની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ બુધવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે દિલ્હીના હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. આ અંગે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યો છે. સવારથી ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. બપોરે ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તેમજ  30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.