Sat Aug 29 2026

Logo

અમદાવાદમાં 5 વર્ષમાં આ પોશ વિસ્તારમાં પડ્યા સૌથી વધારે ભુવા

2026-03-23 12:00:00
Author: Mayur Patel
અમદાવાદમાં 5 વર્ષમાં આ પોશ વિસ્તારમાં પડ્યા સૌથી વધારે ભુવા

અમદાવાદઃ શહેરમાં ચોમાસા સિવાય પણ ભુવા પડવાની ઘટના સામે આવે છે. શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 5 ઝોનમાં 322 ભુવા પડ્યા હોવાની વિગત સામે આવી છે. જેના રિપેરિંગ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશને 19 કરોડ ખર્ચ કર્યો છે. હાલ કોર્પોરેશન દ્વારા ભુવા ન પડે તે માટે જૂની ગટરલાઈનને રિહેબ કરવાની કામગીરી શરૂ કરી છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે ભુવા પડ્યા છે.  જૂની જર્જરિત થયેલી ગટર લાઈન, વારંવાર કરવામાં આવતાં ખોદાણના કારણે ભુવા પડી રહ્યા છે. આ ગટર લાઈનોને રિહેબ કરવામાં આવી રહી છે. 132 ફૂટ રિંગ રોડ, પ્રભાત ચોક અને વેજલપુર એસપી ઓફિસ રોડ પર ગટર રિહેબની કામગીરી અંતિમ તબક્કામાં છે. 

કોટ વિસ્તાર અને મધ્ય ઝોનમાં ગટર લાઈનો અતિ જૂની હોવાથી ત્યાં લાઈનો બદલવાની કામગીરી શરૂ છે.  પશ્ચિમ ઝોનમાં 147 ભુવા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 77 ભુવા, પૂર્વ ઝોનમાં 38 ભુવા, ઉત્તર ઝોનમાં 22 ભુવા અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 48 ભુવા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરાના વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ મહેસાણાનગર સર્કલ પાસે આશરે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો. રસ્તાની વચ્ચોવચ પડેલા આ ભુવાના કારણે અકસ્માતની ભીતિ ઊભી થઈ  હતી. પૂર્વ મહિલા કોંગ્રેસ કાઉન્સિલરે જણાવ્યું હતું કે, આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરી હોવા છતાં વહેલીતકે કોઈ સમારકામ કે સુરક્ષા માટે બેરીકેડ મુકવાની કામગીરી હાથ ધરાઈ નથી. જેના કારણે તંત્રની બેદરકારી સામે આવી હતી. સ્થળ પર સતત વાહનવ્યવહાર ચાલુ હોવાથી સ્થાનિકોએ પોતાના સ્તરે આડશ મૂકી સુરક્ષાની વ્યવસ્થા ઉભી કરી હતી.