Fri Sep 04 2026

Logo

"મેરી મોત કી વજહ યહ દોનો હૈ..." વોટ્સએપ સ્ટેટસમાં આરોપીઓના ફોટા મૂકી અમદાવાદના યુવકનો આપઘાત

2026-08-04 19:47:17
Author: Devayat Khatana
"મેરી મોત કી વજહ યહ દોનો હૈ..." વોટ્સએપ સ્ટેટસમાં આરોપીઓના ફોટા મૂકી અમદાવાદના યુવકનો આપઘાત

representative image


અમદાવાદ: આપઘાત એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, તેમ છતાં સમાજમાં બની રહેલા આત્મહત્યાના બનાવો એ સમાજ માટે ચિંતાનો વિષય છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેમાં પિતા-પુત્રના ત્રાસથી કંટાળીને 28 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આપઘાત પહેલા આ યુવકે પોતાના મોબાઈલ પર આરોપીઓનો ફોટો મૂકીને વોટ્સએપ સ્ટેટસમાં "મેરી મોત કી વજહ યહ દોનો હૈ" લખીને સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. આ મામલે મૃતકના નાના ભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર, ફરિયાદી તેજપાલસિંહ પુરોહિત અને તેનો મૃતક ભાઈ સુરેશસિંહ ઉજાલા સર્કલ પાસે લારી ચલાવીને મોબાઈલ એસેસરીઝનો વેપાર કરતા હતા. ગત ઓક્ટોબર 2025માં સુરેશસિંહે તેના મિત્ર રાહુલ પ્રજાપતિ અને તેના પિતા કાળુ પ્રજાપતિ સાથે મળીને ભાગીદારીમાં 'સાંવરીયા મોબાઈલ મની ટ્રાન્સફર' નામની દુકાન શરૂ કરી હતી. થોડા સમય બાદ આરોપી પિતા-પુત્રએ સુરેશને દુકાનમાં આવવાની ના પાડી નફાના પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને ઊલટાનું દુકાન બનાવવા પાછળ થયેલા ખર્ચના પૈસા માંગીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ અવારનવાર લારી પર આવીને સુરેશ સાથે બોલાચાલી કરી લારી ઉઠાવી લેવાની ધમકી પણ આપી હતી.  

આ માનસિક ત્રાસથી કંટાળી જઈને ગઇકાલે સુરેશસિંહે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ મોબાઈલ ચેક કરતા સુરેશે વહેલી સવારે 4:18 વાગ્યે કાળુભાઈ પ્રજાપતિના ફોટા સાથે એક વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે આ બંને મારી મોતના જવાબદાર છે અને તેમણે મારું બધું બરબાદ કરી દીધું છે. સરખેજ પોલીસે આ મામલે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 108 અને 54 હેઠળ દુષ્પ્રેરણનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.