અમદાવાદ: આજે અમદાવાદથી ગાંધીનગર તરફ મેટ્રોની મુસાફરી કરતાં મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે, કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આજે એટલે કે 31 માર્ચના રોજ કાર્યકારી કારણોસર અમદાવાદ-ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવાઓ આંશિક રીતે ખોરવાશે.
આજે સવારે 09:30 થી 11:00 વાગ્યા દરમિયાન કોટેશ્વર રોડથી GNLU વચ્ચે મેટ્રો સેવાઓ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન APMC થી મહાત્મા મંદિર/ગિફ્ટ સિટી જતી ટ્રેનો (સવારે 08:59, 09:11, 09:23 અને 09:48) માત્ર કોટેશ્વર રોડ સુધી જ દોડશે. તેવી જ રીતે, મહાત્મા મંદિરથી APMC માટે ઉપડતી ટ્રેનો (સવારે 09:13, 09:37 અને 10:01) માત્ર GNLU મેટ્રો સ્ટેશન સુધી જ ચલાવવામાં આવશે, જ્યારે ગિફ્ટ સિટીથી APMC જતી સવારની 10:18 વાગ્યાની ટ્રેન રદ કરવામાં આવી છે.

વધુમાં, તે જ દિવસે બીજા તબક્કામાં ઈન્ફોસિટીથી મહાત્મા મંદિર સેક્શન વચ્ચે સવારે 11:30 થી 12:15 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ સ્થગિત રહેશે. આ ફેરફારને કારણે APMC થી મહાત્મા મંદિર માટે ઉપડતી સવારની 10:36 અને 10:59 વાગ્યાની ટ્રેનો માત્ર ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન સુધી જ જશે. આ ઉપરાંત, મહાત્મા મંદિરથી APMC તરફ આવતી સવારની 11:38 અને બપોરની 12:03 વાગ્યાની ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે રદ રહેશે. મુસાફરોને આ સમયગાળા દરમિયાન થનારી અસુવિધાને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે.
જો કે આ આંશિક ફેરફારો સિવાય અન્ય રૂટ પર સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. GMRC ના જણાવ્યા અનુસાર, APMC થી કોટેશ્વર રોડ અને વસ્ત્રાલ ગામ થી થલતેજ ગામ કોરિડોર પર મેટ્રો ટ્રેનો તેમના નિયમિત સમયપત્રક મુજબ જ દોડશે. આ ટૂંકા ગાળાના વિક્ષેપ બાદ તમામ સેવાઓ ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.