Wed Jun 17 2026

Logo

ભારત-પાકિસ્તાન મેચ પહેલા એડ રેટ્સના ભાવમાં તોતિંગ ઉછાળો, એરલાઈન્સોએ વધાર્યું ભાડું

colombo   2026-02-14 13:27:00
Author: Mayurkumar Patel
Article Image

કોલંબોઃ ટી20 વર્લ્ડકપ 2026માં એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનનો આવતીકાલે મુકાબલો થશે. કોલંબોમાં રમાનારી આ મેચ પહેલાં જાહેરખબરના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત શહેરની હોટલો અને ફ્લાઈટ્સના ભાવ આકાશને આંબી ગયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હાઈ વોલ્ટેજ મેચ માટે 10 સેકંટનો ટીવી એડ સ્લોટ 30-40 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વર્લ્ડ કપની મેચમાં આ રેટ 20 થી 25 લાખ રૂપિયા હોય છે. અંતિમ સમયે એડ સ્લોટ્સની કિંમતમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. મેચ દરમિયાન દરેક સેકંડનો સ્લોટ વેચવામાં આવશે. તેનાથી બ્રોડકાસ્ટરને તગડી આવક થશે. 

એડ માટે ઓટોમોબાઈલ, એફએમસીજી, ફાયનાન્સ, ઈન્શ્યોરન્સ અને રિયલ એસ્ટેટ કંપનીઓ એડ સ્પેસ માટે સૌથી વધુ રસ દાખવી રહી છે. માર્કેટિંગ એક્સપર્ટના કહેવા પ્રમાણે, ભારત-પાકિસ્તાન મેચના એડ રેટ્સની તુલના સોના-ચાંદીની કિંમત કરતા પણ અનેક ગણી વધારે છે.

ભારત-પાકિસ્તાન મુકાબલાને લઈ કોલંબો જતા ફેંસની સંખ્યા પણ વધી છે. એરલાઈન્સોએ ભાડું પણ વધારી દીધું છે. હોટલ બુકિંગમાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો થયો છે. કોલંબોમાં હાલ હોટલ બુકિંગમાં 65 ટકાનો વધારો થયો છે.  ભારતના મોટા શહેરોમાંથી ક્રિકેટ ફેંસ હોટલ બુક કરી રહ્યા છે. શહેરની મધ્યમાં ફોર અને ફાઈવ સ્ટાર હોટલની ડિમાન્ડ સૌથી વધારે છે. જ્યારે પ્રીમિયમ હોટલોના રૂમ ભાડા સામાન્ય સીઝનની તુલનામાં 25 ટકા વધી ગયા છે. 

બંને દેશોનો એકબીજા સામે ટી20 વર્લ્ડ કપમાં કેવો છે રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ આઠ મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે સાત મેચોમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન ટીમને માત્ર એક મેચમાં જીત મળી છે. 2021 ટી20 વર્લ્ડ કપનો એક રોમાંચક મુકાબલો 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 151 રન બનાવવામાં સફળ રહી હતી. ત્રીજા ક્રમે બેટિંગ કરતા કેપ્ટન વિરાટ કોહલી સર્વોચ્ચ સ્કોરર રહ્યા હતા, જેમણે 49 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય પાંચમા ક્રમે બેટિંગ કરતા ઋષભ પંતે 30 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી જીત માટે મળેલા 152 રનના લક્ષ્યને પાકિસ્તાન ટીમે 17.5 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો. ઇનિંગની શરૂઆત કરતા મોહમ્મદ રિઝવાને 55 બોલમાં અણનમ 79 રન, જ્યારે કેપ્ટન બાબર આઝમે 52 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. પરિણામે ટીમ 10 વિકેટના મોટા અંતરથી જીત મેળવવામાં સફળ રહી હતી. જોકે, આ જીતને બાદ કરતાં પાકિસ્તાન ટીમ ભારત સામે ક્યારેય જીત મેળવી શકી નથી.