Sun Sep 06 2026

Logo

કરુર ભાગદોડ કેસમાં અભિનેતા વિજયની મુશ્કેલી વધી, સીબીઆઇએ  પૂછપરછ માટે સમન્સ પાઠવ્યો

2026-03-09 16:26:00
Author: Chandrakant Kanoja
કરુર ભાગદોડ કેસમાં અભિનેતા વિજયની મુશ્કેલી વધી, સીબીઆઇએ  પૂછપરછ માટે સમન્સ પાઠવ્યો

નવી દિલ્હી : તમિલનાડુના કરુરના થયેલા ભાગદોડ કેસમાં અભિનેતા અને ટીવીકેના વડા વિજયની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સીબીઆઇએ ફરી એક વાર અભિનેતા વિજયને મંગળવારે  પૂછપરછ માટે સમન્સ પાઠવ્યો છે. અભિનેતા વિજય આ પૂર્વે 12 અને 19 જાન્યુઆરીએ પૂછપરછ કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરુરમાં તેમની રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 41 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ ઘાયલ થયા હતા.

સીબીઆઇ આ કેસમાં તમામ પુરાવા એકત્ર કરી રહી છે

આ કેસની  તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઇને સોંપવામાં આવી છે.  સીબીઆઇ આ કેસમાં તમામ પુરાવા એકત્ર કરી રહી છે. જેના પરથી આ ઘટનાના કારણો અને તથ્યો જાણી શકાય. ગત વર્ષે ઓક્ટોબરમાં, સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડિરેક્ટરને આ કેસની તપાસ માટે એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. સીબીઆઈ તપાસની દેખરેખ રાખવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીના નેતૃત્વમાં એક સુપરવાઇઝરી કમિટી પણ બનાવવામાં આવી હતી.

તપાસ પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવો જોઈએ

સુપ્રીમ કોર્ટની બેન્ચે ભાર મૂક્યો હતો કે કરુર ભાગદોડથી દેશભરના નાગરિકો પર ઊંડી અસર પડી છે.તેમજ  પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોના મૂળભૂત અધિકારોનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે ફોજદારી ન્યાય પ્રણાલી અને તપાસ પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવો જોઈએ.