Wed Sep 23 2026

Logo

ACB ની મોટી કાર્યવાહી, પાલડી સબ પોસ્ટ ઓફિસના મહિલા સબ પોસ્ટ માસ્ટર લાંચ રંગે હાથે ઝડપાયા

2026-09-19 21:01:00
Author: Vimal Prajapati
ACB ની મોટી કાર્યવાહી, પાલડી સબ પોસ્ટ ઓફિસના મહિલા સબ પોસ્ટ માસ્ટર લાંચ રંગે હાથે ઝડપાયા

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીવી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ACB એ ભ્રષ્ટાચાર સામે વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને સરકારી અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદની પાલડી સબ પોસ્ટ ઓફિસમાં કાર્યરત મહિલા સબ પોસ્ટ માસ્ટર રૂપિયા 10,000 ની લાંચ સ્વીકારતા એ.સી.બી.ના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાલો વિગતે જાણીએ...

આરોપીએ પહેસા ફરિયાદ પાસે 30,000 રૂપિયા માંગ્યાં હતા

આ સમગ્ર કેસમાં એસીબી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સબ પોસ્ટ ઓફિસ પાલડી ખાતેથી સબ પોસ્ટ માસ્ટર પલ્લવી કિરણકુમાર ઉપાધ્યાયની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. કેસની વાત કરવામાં આવે તો, આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીનો ટ્રાન્સફર ઓર્ડર એનડીસી પાર્સલ કચેરી ખાતે ન કરવા માટે આરોપી સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાયે શરૂઆતમાં રૂપિયા 30,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવાની જગ્યાએ એસીબીને જાણ કરી

ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી રકઝકના અંતે રૂપિયા 10,000 ની રકમ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સીધો અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ તથા તેમની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસીબીની ટીમે દરોડો પાડીને આરોપીને રંગે હાથે ધરપકડ કરી

આજે પાલડી સબ પોસ્ટ ઓફિસ ખાતે ફરિયાદી પાસેથી આરોપી પલ્લવી ઉપાધ્યાયે નક્કી કર્યા મુજબ રૂપિયા 10,000 ની લાંચની રકમ સ્થળ પર સ્વીકારી હતી. તે જ સમયે અગાઉથી ગોઠવાયેલી એસીબીની ટીમે દરોડો પાડીને આરોપીને લાંચની રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, આરોપી પાસેથી 10,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.