Wed Jul 29 2026

Logo

તેલગી નકલી સ્ટેમ્પ કૌભાંડ: કોઈ બોધપાઠ શીખ્યું નથી

2026-07-29 09:04:20
Author: Praful Shah
Article Image

પ્રફુલ શાહ

અબ્દુલ કરીમ તેલગી

નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ પાછળના મુખ્ય ભેજું એવો અબ્દુલ કરીમ તેલગી સહિત ઘણાને તકસીરવાર ઠેરવીને કાયદા અને ન્યાય વ્યવસ્થાએ સજા અને દંડ કર્યા હતા. આ સ્કેમ અનેક દૃષ્ટિકોણથી અતિશય મુશ્કેલ અને ખૂબ અનોખું હતું. 

આ સમગ્ર ગોટાળાની મોડસ ઓપરેન્ડી અને એના મુખ્ય પાત્ર તેલગી માટે લાંબો સમય લોકોને કુતૂહલ રહ્યું. એટલે તો ન્યાયિક ખટલો પૂરો થવા અને મેઇન ગુનેગારના જેલમાં મોત બાદ પણ લોકોની દિલચસ્પી જરાકેય ઓછી ન થઇ, બલ્કે વધતી રહી. આ કારણસર અબ્દુલ કરીમ તેલગી પર પુસ્તક લખાયું, ફિલ્મો બની, સાથોસાથ ડોક્યુમેન્ટરી શ્રેણી અને વેબ સિરીઝ પણ. 

નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ અને અબ્દુલ કરીમ તેલગીના ચિત્રણમાં 2023માં આવેલી ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ સૌથી લોકપ્રિય નિવડી. નવી પેઢીને તેલગી અને તેમના કૌભાંડ વિશે ફરીથી જાણવાની તક મળી. આ સિરીઝે અસરકારક રીતે બતાવ્યું કે કેવી રીતે એક સામાન્ય માણસે સમગ્ર સિસ્ટમની ખામીઓનો લાભ લઈને વિશાળ ગેરકાયદે સામ્રાજ્ય ઊભું કર્યું હતું. આ વેબ સિરીઝ સાથે નામાંકિત ફિલ્મ સર્જક હંસલ મહેતાનું નામ સંકળાયેલું હતું એ પણ મોટું આકર્ષણ હતું. આનું દિગ્દર્શન તુષાર હિરાનંદાનીએ કર્યું હતું અને નિર્માતા નામાંકિત નિર્માણ સંસ્થા નિર્માણ એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં તેલગીનો ટાઇટલ રોલ ગગન દેવ રિયારે ભજવ્યો હતો. આ વેબ સિરીઝ પત્રકાર સંજય સિંહના પુસ્તક ‘તેલગી સ્કેમ: રીપોર્ટર’સ કઈ ડાયરી’ પર આધારિત હતી. 

2020માં ’સ્ટેમ્પ પેપર’ નામની હિન્દી વેબ સિરીઝ બની, જે ઉલ્લુ એપ દ્વારા રજૂ કરવામાં આવી હતી.  સ્ટેમ્પ કૌભાંડ પર આધારિત આ સિરીઝમાં જાણીતા અભિનેતા રોહિત રોયે તેલગીની ભૂમિકા ભજવી હતી.

2009માં રીલિઝ થયેલી ‘મુદ્રાંક: ધ સ્ટેમ્પ’ હિન્દી ભાષાની થ્રિલર ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન શાકિર શેખે કર્યું હતું. સ્ટેમ્પ પેપર કૌભાંડ પર આધારિત આ ફિલ્મમાં કૈલાશ માનવ નામના કલાકારે અબ્દુલ કરીમ તેલગીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં મિલિંદ ગુણાજી, નિર્મલ પાંડે અને રાખી સાવંત જેવા કલાકારો હતા પણ આ ફિલ્મ પ્રેક્ષકો કે વિવેચકોના મન જીતી શકી નહોતી. આની એક ખાસિયત હતી કે આમાં તેલગી કાંડની પુણેના બુંદ નગર પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલી તપાસ પર ફોકસ કરાયું હતું. 

આ ઉપરાંત ‘મની માફિયા’ નામક ડોક્યુમેન્ટરી સિરીઝનો પ્રથમ એપિસોડ તેલગીના બનાવટી સ્ટેમ્પ પેપર કૌભાંડ વિશે હતો. આ ડોક્યુમેન્ટરી શ્રેણીમાં ભારતમાં થયેલાં આઠ કૌભાંડોને વિગતવાર આવરી લેવાયાં હતાં. 

ખરા અર્થમાં તેલગીની કથા માત્ર એક ગુનેગારની વાર્તા નથી. સામાજિક, આર્થિક અને નૈતિક દૃષ્ટિએ તેનું કૌભાંડ ભારતના ઇતિહાસના સૌથી મોટા આર્થિક ગુનાઓમાંનું એક છે. જ્યારે વ્યક્તિગત લાલચને ભ્રષ્ટ તંત્રનો સાથ મળે, ત્યારે આખી વ્યવસ્થા ભયંકર જોખમમાં આવી શકે છે. આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકના સરકાર અને કાયદાકીય વ્યવસ્થા પરના વિશ્વાસને ઘસારો પહોંચે છે. સમાજમાં ખોટો સંદેશ જાય છે કે પૈસા અને સત્તાના બળે લાંબા સમય સુધી કાયદાથી બચી શકાય છે.

આ ઘટનાએ ફરી બતાવ્યું કે ગુનાખોરી વ્યક્તિગત નહીં, પરંતુ સંગઠિત સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જરા વિચારો કે તેલગીએ પોતાના અનોખા બુદ્ધિ, આયોજન અને વ્યવસ્થાપન કૌશલ્યનો ઉપયોગ સમાજહિતને માટે કર્યો હોત તો? પણ પ્રતિભા જ્યારે નૈતિકતા વિના હોય ત્યારે તે વહેલા મોડું અવશ્ય વિનાશનું કારણ બને, બને ને બને જ છે.

તેલગી કૌભાંડ ભારત માટે એક મોટો પાઠ બની શક્યું હોત કે માત્ર કડક કાયદા પૂરતા નથી; પારદર્શિતા, ટેક્નોલોજી, જવાબદારી અને નૈતિક મૂલ્યોનું પાલન પણ એટલું જ અનિવાર્ય છે. ચોક્કસપણે સ્ટેમ્પ પેપર કૌભાંડના બોધપાઠ કોઇ શીખ્યું નથી. એના પુરાવા શોધવા કે આપવાની જરૂર નથી. મગજ અને આંખ ખુલ્લા રાખો તો પોતમેળે ગંદવાડ ને ભ્રષ્ટાચાર દેખાશો.        

  (સંપૂર્ણ)