Sat Sep 05 2026

Logo

અમદાવાદમાં ઊંચકાશે તાપમાનનો પારો, જાણો મહારાષ્ટ્રમાં ક્યાં આપવામાં આવ્યું યલો એલર્ટ

2026-03-04 09:08:32
Author: Mayur Patel
અમદાવાદમાં ઊંચકાશે તાપમાનનો પારો, જાણો મહારાષ્ટ્રમાં ક્યાં આપવામાં આવ્યું યલો એલર્ટ

અમદાવાદઃ  રાજ્યમાંથી શિયાળાની સત્તાવાર વિદાય થઈ ચુકી છે, હવે ગરમીના દિવસો શરૂ થયા છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. તાપમાનમાં પણ આગામી 7 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. 4 માર્ચથી 6 માર્ચ દિવસ-2 થી દિવસ-4 દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે લોકોને ભારે અકળામણ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાતમાં ગઇકાલે સૂર્યનો પ્રકોપ જોવા મળ્યો હતો. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 37 કે તેથી ઉપર નોંધાયું હતું. અમદાવાદ, રાજકોટ અને ડીસામાં ગરમીનો પારો 38 ડિગ્રી પર પહોંચ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર 48 કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં આકરી ગરમી વર્તાશે. આજથી ત્રણ દિવસ એટલે કે 4થી 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું હવામાન જોવા મળશે.

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

મહારાષ્ટ્રના મહત્તમ તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે અને હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ, માર્ચ મહિનાની સાથે આ વર્ષે ઉનાળો પણ વધુ ગરમ અને તીવ્ર રહેશે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં તાપમાનનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 4 અને 5 માર્ચના રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈની સાથે ઠાણે, પાલઘર અને રાયગઢ વિસ્તારોમાં ગરમી અને ભેજના પ્રમાણમાં મોટો વધારો થયો છે.

દેશના અન્ય રાજયોના હવામાન પર નજર

હવામાન વિભાગ મુજબ, 4 માર્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. 6 માર્ચથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેનાથી અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાન વધશે, જ્યારે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં હાલ હવામાન સૂકું રહેશે પરંતુ કેટલી જગ્યાએ સાંજે વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાનમાં પણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. પૂર્વોત્તરમાં સિક્કિમ, મેઘાલય, આસામ, ત્રિપુરામાં વરસાદનું એલર્ટ છે, અહીંયા વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.