Wed Aug 19 2026

Logo

August 2026 New Rules: પહેલી ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે આ નિયમો! જાણી લેશો તો ફાયદામાં રહેશો

2026-07-31 14:54:25
Author: Darshana Visaria
Article Image

નવો મહિનો શરૂ થતાં જ આપણા ખિસ્સા અને રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થતો હોય છે. આ વખતે પણ પહેલી ઓગસ્ટ 2026થી દેશભરમાં લાગુ થનારા પાંચ મોટા ફેરફારો સીધા તમારા બજેટ અને રોજિંદા કામકાજ પર અસર કરશે. જો તમે સમયસર આ ફેરફારો વિશે જાણી લો, તો ભવિષ્યમાં આર્થિક કે વ્યવહારિક મુશ્કેલીઓથી બચી શકો છો. ચાલો વિગતવાર જાણીએ કે પહેલી ઓગસ્ટથી કયા પાંચ મોટા નિયમો બદલાઈ રહ્યા છે. ચાલો જોઈએ કયા છે આ નિયમો અને તમારા ખિસ્સા પર આની શું અસર જોવા મળશે. 

LPG સિલિન્ડરના નવા ભાવ:

દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોના આધારે કોમર્શિયલ અને ઘરગથ્થુ (Domestic) ગેસ સિલિન્ડરના ભાવમાં સમીક્ષા કરવામાં આવી છે, જે સીધી તમારા રસોડાના બજેટને અસર કરશે.

તત્કાલ રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં સુધારો:

ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે. હવે સ્ટેશન કાઉન્ટર પર ટોકન આપવાનો સમય તત્કાલ બુકિંગના સમય સાથે મેચ કરવામાં આવશે, જેથી મુસાફરોને લાંબી અને અલગ-અલગ લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મોટી રાહત મળશે.

આઈટીઆર ફાઈલિંગ અને લેટ ફી:

નાણાકીય વર્ષ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) ફાઈલ કરવાની નિયમિત સમયમર્યાદા 31મી જુલાઈએ પૂરી થઈ ગઈ છે. જે કરદાતાઓએ 31મી જુલાઈ સુધી આઈટીઆર ફાઈલ નથી કર્યું, તેમને હવે આવતીકાલથી એટલે કે પહેલી ઓગસ્ટથી નિર્ધારિત લેટ ફી (દંડ) અને વ્યાજ સાથે રિટર્ન ફાઈલ કરવું પડશે.

બેંક ચાર્જિસ અને CKYC 2.0નો અમલ:

દેશની ઘણી અગ્રણી બેંકોએ પોતાના સર્વિસ ચાર્જીસ અને એસએમએસ (SMS) એલર્ટ ફીમાં ફેરફાર કર્યો છે. આ ઉપરાંત, સેન્ટ્રલ કેવાયસી માટે 'સી-કેવાયસી 2.0' (CKYC 2.0) સિસ્ટમ લાગુ થવાથી બેંકમાં નવું ખાતું ખોલાવતી વખતે વારંવાર કેવાયસી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની પરેશાનીમાંથી છુટકારો મળશે.

GST અને ઈ-વે બિલના નવા નિયમો:

વેપારીઓ માટે બિઝનેસ અને ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ તથા પારદર્શક બનાવવા માટે ઈ-ઇનવોઇસિંગ અને ઈ-વે બિલ સિસ્ટમમાં 'શિપ-ટુ' જીએસટી સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર વેપારી લેવડદેવડ અને ટેક્સ ફાઇલિંગ પર પડશે.

પહેલી ઓગસ્ટથી લાગુ થયેલા આ ફેરફારો તમારા માસિક પ્લાનિંગને સીધા અસર કરી શકે છે, તેથી સમયસર આ બાબતોની નોંધ રાખવી હિતાવહ છે.