નવી દિલ્હી: દેશી રાજ્યોની રીતો, રહેણી કરણી વગેરે આપણાં માટે રસનો વિષય રહ્યો છે, ત્યારે મધ્યપ્રદેશમાં ચાલી રહેલા 'જ્ઞાન ભારત મિશન' અંતર્ગત ભારતીય પુરાતત્વ વિભાગને એક અત્યંત દુર્લભ અને ઐતિહાસિક દસ્તાવેજ હાથ લાગ્યો છે. જેમાં દેશી રાજ્યોના સમયનો ચિતાર આપતો એક મહત્વનો દસ્તાવેજ હાથ લાગ્યો છે.
મળતી વિગતો અનુસાર, મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાની જાવરા રિયાસતમાંથી મળી આવેલો આ શાહી દસ્તાવેજ આશરે દોઢસો વર્ષ જૂનો છે અને તેનો સીધો સંબંધ વર્ષ 1877ના દિલ્હી દરબાર સાથે છે. લિથોગ્રાફી તકનીકથી તૈયાર કરાયેલા અને દેવનાગરી તેમજ ઉર્દૂ-ફારસી મિશ્રિત ભાષામાં લખાયેલા આ રેકોર્ડમાં બ્રિટિશ હકૂમતની રાજકીય, લશ્કરી અને આર્થિક નીતિઓનો વિસ્તૃત ચિતાર આપવામાં આવ્યો છે. ઇતિહાસકારોના મતે, આ દસ્તાવેજ અંગ્રેજોની વહીવટી કાર્યપ્રણાલી અને તે સમયની રિયાસતો સાથેના તેમના સંબંધોને ઊંડાણપૂર્વક સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ દસ્તાવેજમાંથી સૌથી રસપ્રદ વિગત તોપોની સલામી અંગેની પ્રાપ્ત થઈ છે. અંગ્રેજ સરકાર ભારતીય રિયાસતોની પ્રતિષ્ઠા અને તાકાતનું આકલન તેમને અપાતી તોપોની સલામી પરથી કરતી હતી. જેમાં નેપાળ, વડોદરા અને ગ્વાલિયર જેવી રિયાસતોને સર્વોચ્ચ '21 તોપોની સલામી'નું સન્માન પ્રાપ્ત હતું, જ્યારે ભોપાલ, ત્રાવણકોર અને કોલ્હાપુરને 19 તોપોની સલામી અપાતી હતી.
આ ઉપરાંત, 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ અંગ્રેજોએ અપનાવેલી ઈનામ અને દંડની નીતિનો પણ તેમાં ઉલ્લેખ છે. બ્રિટિશરોને સાથ આપનાર વડોદરા રિયાસતનો લાખો રૂપિયાનો કર માફ કરવામાં આવ્યો હતો અને ગ્વાલિયર તેમજ કોલ્હાપુરને વિશ્વાસુ સહયોગી ગણાવવામાં આવ્યા હતા. મસ્કત અને કાબુલ જેવા વિસ્તારો પર પણ અંગ્રેજોની વ્યૂહાત્મક નજર હોવાનો ઉલ્લેખ તેમાં સ્પષ્ટ જોવા મળે છે.
રાજકીય અને લશ્કરી માહિતી ઉપરાંત, આ ઐતિહાસિક રેકોર્ડમાં વિવિધ રિયાસતોની આર્થિક ક્ષમતા અને પ્રાકૃતિક સંસાધનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે, નેપાળમાં લોખંડ, સોનું, ચાંદી અને ગંધક જેવા ખનિજો હોવાની નોંધ છે, તો જમ્મુ-કાશ્મીરમાં કેસર અને બિલ્લૌર જેવા બહુમૂલ્ય સંસાધનોનો ચિતાર આપવામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર, જ્ઞાન ભારત મિશન થકી આવી અનેક દુર્લભ પાંડુલિપિઓ સામે આવી રહી છે, જે ભારતીય ઇતિહાસના અજાણ્યા પાસાઓને ઉજાગર કરી રહી છે. ભવિષ્યની પેઢી માટે આ અમૂલ્ય વારસાને સુરક્ષિત રાખવાના હેતુથી હવે આ તમામ ઐતિહાસિક દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપમાં સાચવવાની કામગીરી પણ ઝડપભેર હાથ ધરવામાં આવી છે.