ભુજ: કચ્છમાં જૂન માસ બાદ જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી વરસાદ ખેંચાતાં રાજ્ય સરકારે પશુપાલકોની વહારે આવી ખાસ કિસ્સામાં રૂ. ૨ના રાહતદરે ઘાસ વિતરણ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ૩૧ જુલાઈ સુધીમાં કચ્છ જિલ્લાના ૧૬૦ ગામોના ૧૮,૨૬૫ જેટલા ઘાસકાર્ડ ધારક પશુપાલકોને કુલ ૧૧,૫૦,૪૭૨ કિલો રાહતદરના ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.
સરકારી યોજના મુજબ પશુપાલકોને ૫ પશુ દીઠ રોજનું ૪ કિલો ઘાસ મેળવવા માટે તલાટી સમક્ષ ફોર્મ ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ આગામી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી મળવાપાત્ર છે. વહીવટી તંત્રના સત્તાવાર આંકડા અનુસાર જિલ્લામાં ૧૮,૨૬૫ ઘાસકાર્ડ થકી ૭૨,૩૩૧ પશુઓ માટે ઘાસ અપાયું છે અને તંત્ર પાસે હજુ પણ ૧૬,૧૬,૩૧૩ કિલો ઘાસનો જથ્થો અનામત ઉપલબ્ધ છે.
જોકે, સરકારી કામગીરીની ધીમી ગતિને કારણે ફોર્મ ભરવાથી લઈને તલાટીના સર્વે સુધીની પ્રક્રિયામાં ૮થી ૧૦ દિવસનો સમય નીકળી ગયો હતો. આ વિલંબ દરમિયાન વાગડ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક અને વાવણીલાયક સારો વરસાદ નોંધાતાં પશુપાલકોની ઘાસ માટેની આતુરતા ઘટી ગઈ હતી.
વરસાદી માહોલ જામતાં જ કેટલીક જગ્યાએથી ઘાસકાર્ડ માટે અરજીઓ આવતી બંધ થઈ ગઈ હતી. સત્તાવાર વિગતો મુજબ અબડાસા, ભચાઉ, લખપત અને અંજાર તાલુકામાંથી ઘાસકાર્ડ માટે એક પણ અરજી નોંધાઈ ન હતી. બીજી તરફ, જિલ્લામાં સૌથી વધુ ભુજ તાલુકામાં ૫,૯૨૭ ઘાસકાર્ડ બનાવીને ૪,૦૯,૨૩૨ કિલો ઘાસનું વિતરણ કરાયું હતું, જ્યારે રાપર તાલુકામાં ૫,૨૧,૯૨૦ કિલો ઘાસ પશુપાલકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
ઉત્સવ વૈદ્ય