Fri Sep 04 2026

Logo

1000 મિસાઇલ લોક્ડ એન્ડ લોડેડ,  ટ્રંપે અચાનક કેમ આપી ઇરાનને બરબાદ કરવાની ધમકી?

Wasington   2026-07-11 12:12:00
Author: Mumbai Samachar Team
1000 મિસાઇલ લોક્ડ એન્ડ લોડેડ,  ટ્રંપે અચાનક કેમ આપી ઇરાનને બરબાદ કરવાની ધમકી?

વૉશિંગ્ટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ખતરનાક વળાંક પર આવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન તેમને મારી નાખવા માંગે છે. હવે ટ્રમ્પની એક ચેતવણીએ દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે કહ્યું છે કે ઈરાન પર અમેરિકાની 1000 મિસાઈલો "લૉક્ડ એન્ડ લોડેડ" (તૈયાર) છે અને ઈરાન તેમના નિશાના પર છે. તેમણે ઉમેર્યું કે જો તેમની હત્યા અથવા તો હત્યાનો પ્રયાસ થશે, તો તરત જ હજારો વધુ મિસાઈલો દાગવામાં આવશે.

ટ્રમ્પે ઈરાનને આપી ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પે આ ધમકીભરી પોસ્ટ ટ્રુથ સોશિયલ (Truth Social) પર શેર કરી છે. તેમણે લખ્યું, "ઈરાન પર 1000 મિસાઈલો લોક અને લોડ કરીને નિશાન સાધવામાં આવ્યું છે. જો ઈરાની સરકારે દુનિયાભરમાં આપેલી પોતાની એ ધમકી પર અમલ કર્યો- જેમાં તેણે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ (એટલે કે મારા પર) ની હત્યા કરવાની કે હત્યાનો પ્રયાસ કરવાની વાત કહી છે- તો તરત જ હજારો વધુ મિસાઈલો છોડવામાં આવશે."

ટ્રમ્પે કહ્યું કે તેમણે આ અંગે આદેશો આપી દીધા છે. અમેરિકી સેના ઈરાનના તમામ વિસ્તારોને સંપૂર્ણપણે તબાહ અને બરબાદ કરવા માટે તૈયાર અને સક્ષમ છે. આ તૈયારી એક વર્ષ માટે છે, જેને આગળ પણ વધારી શકાય છે.

ઈરાન પર ઈતિહાસનો સૌથી ભીષણ બોમ્બમારો થશે- ટ્રમ્પ

આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ શુક્રવારે (10 જુલાઈ) 'ધ ન્યૂયોર્ક પોસ્ટ' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "હું ઘણા લાંબા સમયથી તેમની લિસ્ટમાં છું. અમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ." ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો ઈરાન તેમની હત્યા કરવામાં સફળ થાય છે, તો તેમણે અગાઉથી જ એવી સૈન્ય કાર્યવાહીના નિર્દેશ આપી રાખ્યા છે, જેવી દુનિયાએ પહેલા ક્યારેય જોઈ નહીં હોય. ઈરાન પર ઈતિહાસનો સૌથી ભીષણ બોમ્બમારો થશે.

અમેરિકા પર ભરોસો નથી- ગાલિબાફ

ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા ગયા મહિને હસ્તાક્ષર કરાયેલા સમજૂતી પત્ર (MoU) પરથી પાછું હટશે, તો ઈરાન પોતાની રક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

તેમણે જણાવ્યું કે તાજેતરમાં થયેલી શાંતિ વાર્તા દરમિયાન તેમણે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની સામે સીધા જ શબ્દોમાં આ વાત મૂકી દીધી હતી કે ઈરાનને વોશિંગ્ટન પર ભરોસો નથી. મારું માનવું છે કે અમેરિકા સાથે ટેબલ પર વાતચીત કરવાનો હક માત્ર એ જ દેશને છે, જે યુદ્ધના મેદાનમાં ઉતરવા માટે 24 કલાક તૈયાર હોય. અમે અમારી સુરક્ષા અને વ્યૂહાત્મક તૈયારીઓમાં ક્યારેય કોઈ ઢીલ નથી મૂકી. જેવું અમેરિકા આ સમજૂતી પરથી પોતાના ડગ પાછા ખેંચશે, અમે અમારી સાર્વભૌમત્વ અને ઈરાની નાગરિકોના અધિકારોની રક્ષા માટે પૂરી તાકાત સાથે વળતો પ્રહાર કરીશું.