મનોરંજનનું મેઘધનુષ - ઉમેશ ત્રિવેદી
‘ધુરંધર-ટૂ’ ફિલ્મ ગુરુવાર 19 માર્ચે રજૂ થઈ અને રવિવાર, 22 માર્ચ સુધીમાં આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં ‘પેઈડ પ્રિવ્યૂ’ સહિત રૂપિયા 450 કરોડથી વધારે કમાણી કરીને હિન્દી ફિલ્મ માટે એક અનન્ય વિક્રમ સજર્યો છે. ફિલ્મમાં દિગ્દર્શક આદિત્ય ધરની ખૂબ જ પ્રતિભાશાળી પત્ની યામી ગૌતમ માત્ર એક જ દૃશ્યમાં મહેમાન કલાકાર તરીકે દેખાઈ છે.
યામી ગૌતમે અભિનય કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનથી કરી છે અને અત્યારે તેની ગણના પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે થાય છે. 28 નવેમ્બર 1988ના હિમાચલ પ્રદેશના વિલાસપુર જિલ્લામાં હિન્દુ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલી યામીના પિતા મુકેશ ગૌતમ એ પંજાબી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક છે.
યામીની નાની બહેન સુરીલીએ પંજાબી ફિલ્મ ‘પાવર કટ’થી અભિનેત્રી તરીકે શરૂઆત કરી છે અને યામીનો નાનો ભાઈ ઔજસ પોતાના બનેવી આદિત્ય ધર સાથે સહાયક દિગ્દર્શક અને એડિટર તરીકે કામ કરી રહ્યો છે. યામીને આઈએએસ અધિકારી બનવું હતું, પણ માત્ર 20 વર્ષની ઉંમરે તેણે અભિનયમાં ઝંપલાવવાનું નક્કી કર્યું પછી 2008માં મુંબઈ આવીને યામીએ પહેલી સિરિયલ ‘ચાંદ કે પાર ચલો’ કરી. તેમાં એક અભિનેત્રી તરીકે તેની નોંધ લેવામાં આવી. 2008માં ‘રાજકુમાર આર્યન’ નામની સિરિયલ તેને મળી, જેમાં તેણે રાજકુમારી ભૈરવીની ભૂમિકા કરી. અહીં અભિનય ઉપરાંત તેની સુંદરતાના પણ વખાણ થયા. ત્યાર પછી 2009 - 2010 સુધી ‘કલર્સ’ પર આવનારી સિરિયલ ‘યે પ્યાર ના હોગા કમ’માં તેને લોકપ્રિયતા મળી.
2010માં તેણે લોકપ્રિય સિરિયલ ‘સીઆઈડીના કેટલાક એપિસોડ કર્યા અને પછી ‘મીઠી છૂરી નંબર-વન’ અને ‘કિચન ચેમ્પિયન’ જેવાં રિયાલિટી શોમાં પણ તે દેખાઈ.
2010નું વર્ષ યામી માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું. 2010માં તેની પહેલી ક્ધનડ ફિલ્મ રજૂ થઈ. આમ ટી.વી.ના ટચૂકડા પડદા પરથી તે રૂપેરી પડદે આવી ગઈ અને શરૂઆત સાઉથની ફિલ્મથી કર્યા પછી તેણે પંજાબી, તમિળ, તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો.
2012માં આયુષમાન ખુરાના સાથેની ફિલ્મ ‘વિકી ડોનર’ આવી. આ ફિલ્મે બોકસ ઓફિસ ગજાવતા યામીને પણ ફાયદો થયો અને હિન્દી ફિલ્મોમાં તેની સારી શરૂઆત થઈ. ‘વિકી ડોનર’ માટે યામીને નવોદિત અભિનેત્રી તરીકેના અનેક એવોર્ડસ પણ મળ્યા. ‘વિકી ડોનર’ પછી યામીની ‘ટોટલ સિયપ્પા’, ‘એકશન જેકશન’ જેવી ફિલ્મો રિલીઝ થઈ, પણ 2015માં આવેલી ‘બદલાપુર’ ફિલ્મે તેને ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે સ્થાપિત કરી દીધી.
એક બાજુ સાઉથની તમિળ, તેલુગુ ફિલ્મો અને બીજી બાજુ બોલિવૂડની હિન્દી ફિલ્મો કરતાં - કરતાં યામી આગળ વધતી ગઈ. 2016માં ‘સનમ રે’, ‘જુનુનિયત’, 2017માં ‘કાબિલ’ અને ‘સરકાર-થ્રી’, 2018માં ‘બત્તી ગુલ મીટર ચાલુ’ જેવી ફિલ્મો આવી. તેમાંથી હ્રતિક સાથેની ‘કાબિલ’માં તેની ખૂબ ભૂમિકા વખણાઈ.
2019માં આદિત્ય ધરની પહેલી ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ આવી. આ ફિલ્મમાં વિકી કૌશલ અને યામીની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મમાં વિકી સાથે તેના ઓછાં પ્રણય દૃશ્યો હતા, પણ પડદા પાછળ એટલે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન યામી અને આદિત્ય ધર વચ્ચે પ્રેમ પાંગર્યો અને 2021માં તો બન્ને પરણી પણ ગયા. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મની સફળતાએ યામીને બોલિવૂડમાં ટોચની અભિનેત્રી બનાવી અને આદિત્ય ધર પહેલી જ ફિલ્મથી બોલિવૂડમાં છવાઈ ગયો.
લગ્ન પછી પણ યામી ગૌતમે પોતાની અભિનય કારકિર્દીને આગળ ધપાવી. 2019માં તે ‘બાલા’, 2020માં ‘ગિની વેડ્સ સન્ની’, 2021માં ‘ભૂત પોલીસ’, 2022માં ‘અ થર્સડે’, ‘દસવી’, 2023માં ‘ચોર નીકલ કે ભાગા’, ‘ઓહ માય ગોડ-ટુ’, 2024માં ‘આર્ટિકલ 370’, 2025માં આપણા ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી સાથે ‘ધૂમધામ’ આવી. ત્યાર બાદ ‘હક’ જેવી ફિલ્મોમાં તેણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરી. આમાંથી ‘આર્ટિકલ-370’ અને ‘ઓહ માય ગોડ’ તેમજ ‘હક’ જેવી ફિલ્મોમાં તેનાં અભિનયના ખૂબ જ વખાણ થયા.
‘આર્ટિકલ 370’માં તો તેણે પહેલી જ વાર એકશન દૃશ્યો પર હાથ અજમાવ્યો હતો. (એ વખતે યામી સગર્ભા હતી!) ‘હક’માં તેણે અભિનયની અમીટ છાપ છોડી છે. તો લો બજેટની કહેવાય એવી અને ઓટીટી પર રિલીઝ થયેલી તેની ‘ધૂમધામ’ અને ‘ચોર નીકલ કે ભાગા’માં પણ તેનાં અભિનયના ખૂબ જ વખાણ થયા.
આદિત્ય ધર સાથે 2021નાં જૂન મહિનામાં પરણેલી યામી ગૌતમે 10 મે - 2024ના પ્રથમ પુત્ર ‘વેદાવિદ’ને જન્મ આપ્યો. યામી ગૌતમે આયુષમાન ખુરાના, પ્રતીક ગાંધી, વિક્રાંત મેસી, વિકી કૌશલ જેવાં કલાકારો ઉપરાંત અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, મનોજ બાજપેયી, શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, હૃતિક રોશન, વરુણ ધવન, નવાઝુદ્દીન સિદ્દીકી, અજય દેવગણ, સોનાક્ષી સિંહા જેવાં કલાકારો સાથે કામ કર્યું છે. ફિલ્મ નાની હોય કે મોટી બધી જ ફિલ્મોમાં યામીનું કામ વખણાયું છે.
આદિત્ય ધરને પરણ્યા પછી તેની ‘ધુરંધર’માં યામી દેખાઈ નહોતી. બોક્સ ઓફિસ પર અનેક વિક્રમ સર્જનારી ‘ધૂરંધર’માં તેને લાયક કોઈ ભૂમિકા નહોતી એટલે તે દેખાઈ નહીં. પણ ‘ધુરંધર-ટુ’માં માત્ર એક દૃશ્ય પૂરતી તે દેખાય છે અને યામી આદિત્ય ધર માટે ‘લકી મેસ્કોટ’ સાબિત થઈ છે. ‘ધુરંધર’ કરતાં પણ ‘ધુરંધર-ટુ’ બોક્સ - ઓફિસ પર અવનવા વિક્રમો સર્જી રહી અને અત્યારે આ ગુરુવારે (26 માર્ચ) આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ કલેકશન રૂપિયા 919 કરોડથી વધુ કમાણીનો રેકોર્ડ સર્જી દીધો છે...!
28 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી શું શું જોવા મળશે આજથી શરૂ થશે આઈપીએલનો જંગ
OTTનું હોટસ્પોટ
આઈપીએલની નવી સિઝનની શરૂઆત શનિવાર, 28 માર્ચથી થઈ રહી છે. ક્રિકેટના આ સૌથી મોટા કાર્નિવલની મેચ ઓટીટી પ્લેટફોર્મ ‘જિયો હોટસ્ટાર’ અને ‘સોની લીવ’ પર જોઈ શકાશે. શનિ/રવિ તો જલસો જ જલસો રહેશે, કેમ કે એ બે દિવસ બે-બે મેચ જોવા મળશે.
આ સિવાય ઓટીટી પર આજે શુક્રવારે ઘણી નવી ફિલ્મ અને સિરીઝનું પ્રસારણ શરૂ થશે. એમાં સૌથી મહત્ત્વની ફિલ્મ ‘મર્દાની થ્રી’ અને ‘ઓ રોમિયો’ છે.
* નેટફિલક્સ: આ ઓટીટી ચેનલ પર આજે રાણી મુખર્જી, જાનકી બોડીવાલા, મલ્લિકા પ્રસાદ અને જિશુ સેનગુપ્તા અભિનિત ‘મર્દાની-થ્રી’ જોવા મળશે. આ ઉપરાંત કોમેડી ફિલ્મ ‘સ્પેનીશ’ અને મિલિટરી સર્વિસ પરની ડોકયુમેન્ટરી ‘બીટીએસ ધ રિટર્ન’ જોવા મળશે.
* એમેઝોન પ્રાઈમ: આ ચેનલ પર આજે વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓ રોમિયો’ જોઈ શકાશે. જેનાં મુખ્ય કલાકારો શાહિદ કપૂર, તૃપ્તિ ડીમરી, નાના પાટેકર, તમન્ના ભાટિયા, દીશા પટણી, વિક્રાંત મેસ્સી અને ફરીદા જલાલ છે.
* જિયો હોટસ્ટાર: વિજય સેતુપતિ, મિલિન્દ સોમણ અભિનિત થ્રીલર ડ્રામા ‘કાટ્ટાન’ આજથી ઓટીટી ચેનલ પર પ્રસારિત થશે.
* એમએક્સ પ્લેયર: આ ઓટીટી ચેનલ પર અત્યારે નાના પાટેકર અભિનિત ‘સંકલ્પ’, શાહિદ કપૂર, ક્રીતી સેનન, જહાન્વી કપૂર, ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા અભિનીત ફિલ્મ ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા ઝિયા’ અને તનિષ્કા ચેટરજી, સાઈ તામ્હણકર, સીમા બિશ્ર્વાસ, સૌરભ શુકલા, વિનીતકુમાર અને રણવીર શૌરીની ‘બિંદિયા કે બાહુબલી’ ધૂમ મચાવી રહી છે.