Fri May 01 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પૂર્વે રાજકીય ધમાસાણ, ભાજપે કહ્યું મમતાને હારનો ડર

2026-05-01 17:02:00
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. તેમજ હવે તમામ લોકોની નજર 4 મેના રોજ જાહેર થનારા પરિણામ પર ટકેલી છે. જોકે, તે પૂર્વે રાજ્યમાં સ્થિતી અત્યંત વિસ્ફોટક બનેલી છે. જેમાં સત્તાધારી પક્ષ ટીએમસી અને મમતા બેનર્જી ઇવીએમને સલામત રાખવા મેદાનમાં ઉતર્યા છે. તેમજ ઇવીએમ સ્ટ્રોંગ રૂમની તપાસ પણ કરી રહ્યા છે. જે અંગે ભાજપે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના નેતાઓએ પ્રહાર  કર્યો  હતો કે મમતા બેનર્જીને હારનો ડર  સતાવી રહ્યો છે. તેથી તે હવે બહાના શોધી રહ્યા છે. 

જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો 

મમતા બેનર્જી પર પ્રહાર કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે ટીએમસીને હારનો  ડર સતાવી  રહ્યો છે.  ગભરાઈ ગઈ છે. જ્યારે મમતા બેનર્જી આ હાર  અને મૂંઝવણની સ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ  જઈ રહ્યા છે. જોકે, જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. ભાજપ સંપૂર્ણ તાકાત સાથે સત્તામાં આવવા માટે તૈયાર છે. 
તેમજ તૃણમૂલ કોંગ્રેસ હારનો દોષ ચૂંટણી પંચ પર ઢોળવા માટે બહાના શોધી રહી છે.

ચૂંટણી પંચનું અપમાન 

આ ઉપરાંત  ટીએમસી પર નિશાન સાધતા  ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે પાર્ટીએ "ટ્રિપલ ડી" રણનીતિ અપનાવી છે.  ડીનાઈલ, ડ્રામા અને ડાયવર્ઝન તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલના નેતાઓ જનતાને ડરાવી રહ્યા છે અને બંધારણીય સંસ્થાઓ, ખાસ કરીને ચૂંટણી પંચનું અપમાન કરી રહ્યા છે. 

મમતા બેનર્જીએ ઇવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી 

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઇવીએમ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. તેમજ ગુરુવારે મોડી રાત્રેદક્ષિણ કોલકાતાના ભવાનીપુર  મતવિસ્તારમાં સખાવત મેમોરિયલ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇ સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં ઇવીએમ સ્ટ્રોંગ રૂમ છે. તેમણે ત્યાં ઇવીએમ સાથે સંભવિત છેડછાડ અંગે આશંકા વ્યક્ત કરી હતી અને મોડી રાત  સુધી કેમ્પસમાં રહ્યા હતા.