કોલકાતા: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામોમાં ભાજપની જીત થઇ છે. તેમજ ટીએમસીની કારમી હાર થઇ છે. જેના પગલે સીએમ મમતા બેનર્જીએ આ હારની સમીક્ષા માટે એક ખાસ ટીમની રચનાની જાહેરાત કરી છે. જેમાં પાર્ટીના 10 નેતા હશે. તેમજ ભાજપને વિપક્ષી એકતાનો સંદેશ આપવા માટે ઇન્ડી ગઠબંધનના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમજ એસપીના નેતા અખિલેશ યાદવ બુધવારે કોલકાતામાં મમતા બેનર્જીને મળવા પણ આવશે.
ભવિષ્ય માટે સંયુક્ત રણનીતિ બનાવશે
આ ઉપરાંત મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમજ વિપક્ષી એકતાનો સંદેશ આપવા
તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. આ ઉપરાંત મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ 6 મેના રોજ કોલકાતાની મુલાકાત લેશે અને ભવિષ્ય માટે એક સંયુક્ત રણનીતિ બનાવશે. ત્યારબાદ ગઠબંધનના અન્ય નેતાઓ પણ રણનીતિ બનાવવા માટે તેમની મુલાકાત લેશે.
લોકશાહી અધિકારો અને ઇવીએમની ખુલ્લી લૂંટ
મમતાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી નથી પરંતુ લોકોના લોકશાહી અધિકારો અને ઇવીએમની ખુલ્લી લૂંટ છે. ટેકનિકલ ગોટાળા પર સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે મતદાન પૂર્ણ થયા પછી પણ ઇવીએમ 90 ટકા ચાર્જ કેવી રીતે રહી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અશક્ય છે. મમતાએ સનસનાટીભર્યા દાવો કર્યો હતો કે ચૂંટણીના બે દિવસ પૂર્વે તેમના પક્ષના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દરોડા પાડવામાં આવ્યા હતા અને ભાજપ દ્વારા પસંદ કરાયેલા વ્યક્તિઓ માટે રસ્તો બનાવવા માટે નિષ્પક્ષ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને દૂર કરવામાં આવ્યા હતા.