વિશેષ પ્લસ - કીર્તિશેખર
ભારત જેવા દેશમાં આજે પણ એવા લોકોની સંખ્યા ઓછી નથી, જેમનું ઔપચારિક શિક્ષણ માત્ર મર્યાદિત જ નથી પણ પ્રોફેશનલ પણ નથી. જોકે તેનો અર્થ એ નથી કે તેમના માટે સફળ બિઝનેસના દરવાજા બંધ થઈ ગયા છે. વર્ષ 2026ના બદલાતા આર્થિક પરિદૃશ્યમાં નાના સ્તરના એવા અનેક ‘માઈક્રો બિઝનેસ’ ઉપલબ્ધ છે, જે રણનીતિ બનાવીને સાવધાની અને ફોકસ સાથે કરવામાં આવે તો સફળ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે એવા કયા-કયા બિઝનેસ હોઈ શકે છે, જે ઓછી મૂડી અને કોઈ પણ ઔપચારિક પ્રોફેશનલ એજ્યુકેશન વગર પણ શરૂ કરી શકાય.
હોમ-મેડ ફૂડ બિઝનેસ
ખોરાકના વ્યવસાય વિશે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં એવું કહેવામાં આવે છે કે, આ બિઝનેસ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી પૃથ્વી પર મનુષ્યો રહેશે. તેથી જે લોકો પાસે મૂડી ઓછી છે અને પ્રોફેશનલ શિક્ષણનો પણ અભાવ છે, તેઓ થોડું ધ્યાન આપીને ફૂડ સ્ટોલ અથવા હોમ-મેડ ફૂડ બિઝનેસમાં ન માત્ર સારી કમાણી કરી શકે છે, પરંતુ ખૂબ જ સરળતાથી સફળતા પણ મેળવી શકે છે.
ફૂડ સ્ટોલ અથવા હોમ-મેડ ફૂડ બિઝનેસ માટે અનેક વિકલ્પો છે: ચા-સમોસા, ભજીયા-વડાપાંવ, વિવિધ પ્રકારના પરોઠા અથવા ટિફિન સર્વિસ. આ બધા એવા કામ છે, જેને 5,000 થી લઈને 30,000 રૂપિયા સુધીની મૂડીમાં સરળતાથી શરૂ કરી શકાય છે.
ફૂડ બિઝનેસમાં દરરોજ રોકડમાં આવક થતી હોવાથી, આ વ્યવસાયમાં પગ જમાવવાની શક્યતા સૌથી વધુ હોય છે અને તે સરળતાથી સફળ પણ થઈ જાય છે. આ માટે તમારે મૂડી ભલે ઓછી રોકવી પડે, પરંતુ મહેનત, જાગૃતિ અને એકાગ્રતા ખૂબ જ રાખવી પડે છે. કારણ કે જો થોડું પણ ધ્યાન ભટકશે, તો સ્વાદમાં ખામી આવી જશે, વ્યવસાયની પ્રવૃત્તિઓ સમયસર થઈ શકશે નહીં અને જે સરળતાથી સફળ થવાની આશા સાથે આ કામ શરૂ કરવામાં આવ્યું હશે, તે એટલી જ સરળતાથી નિષ્ફળ પણ થઈ શકે છે. તેથી, ફૂડ સ્ટોલ શરૂ કરો કે હોમ-મેડ ફૂડ બિઝનેસ, ભલે તમારી મૂડી ઓછી લાગે, પણ તમારે અત્યંત સાવધ અને સજાગ રહેવાની જરૂર હોય છે.
ફળ/શાકભાજીની લારી
ફળ અથવા શાકભાજીની લારી પણ ખૂબ જ ઓછા જોખમવાળો, પરંતુ વધુ મહેનત માગી લેતો રોજબરોજનો બિઝનેસ છે. જો સજાગ રહીને કામ કરવામાં આવે તો તેને ન માત્ર તરત જ સફળ બનાવી શકાય છે, પરંતુ તેને 10,000 થી લઈને 20,000 રૂપિયા સુધીમાં શરૂ પણ કરી શકાય છે. ફૂડ બિઝનેસની જેમ આ બિઝનેસમાં પણ રોજની કમાણી થાય છે, પરંતુ તેમાં સ્માર્ટનેસની ખૂબ જરૂર હોય છે. એ સ્માર્ટનેસ એ કે, ફળ કે શાકભાજી બગડે તે પહેલાં તેને ગમે તે સંજોગોમાં વેચી દેવા જોઈએ, ભલે પછી ધારેલો નફો ન મળે. જોકે, આ બિઝનેસ ફક્ત એ જ વ્યક્તિ શરૂ કરે જે ખરેખર સખત મહેનત કરવા તૈયાર હોય, કારણ કે ફળ કે શાકભાજીની લારી ચલાવવામાં ઘણી શારીરિક મહેનત કરવી પડે છે.
રિ-સેલિંગ અથવા લોકલ ટ્રેડિંગ
આ એક નવા પ્રકારનો વ્યવસાય છે. જોકે છૂટક અને વ્યક્તિગત સંપર્કો દ્વારા વ્યવસાય તો હંમેશાંથી થતા આવ્યા છે, પરંતુ આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં આ બિઝનેસ નવી રીતે સ્થાપિત થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે હવે મોટાભાગના લોકો મોટા બજારો, એટલે કે હોલસેલ બજારો અથવા લોકપ્રિય બજારોમાં ખરીદી કરવાના નામથી ગભરાય છે, કારણ કે ત્યાં હંમેશાં ખૂબ જ ભીડ હોય છે. આ જ કારણ છે કે અનેક સ્થાનિક દુકાનદારો નજીકના જથ્થાબંધ બજારમાંથી માલ ખરીદી લાવે છે અને પછી તેને પોતાની આસપાસ એટલે કે સ્થાનિક સ્તરે ‘રિ-સેલિંગ’ કરે છે. આ નાના બિઝનેસમાં પણ ઘણી સંભાવનાઓ રહેલી છે અને અનેક પ્રકારની વસ્તુઓ વેચીને સફળ વ્યવસાય પણ શરૂ કરી શકાય છે. રિ-સેલિંગના કામમાં કોઈ એક કામ નિશ્ર્ચિત હોતું નથી.
તમે હોલસેલ માર્કેટમાંથી કપડાં લાવીને તેને સીધા જ નિશ્ર્ચિત માર્જિન સાથે વેચીને પૈસા કમાઈ શકો છો. કિચન આઈટમ અને પ્લાસ્ટિકની વસ્તુઓ તમારી સોસાયટી કે આસપાસના વિસ્તારમાં વેચી શકો છો અને સૌથી મોટી વાત એ છે કે આ માટે કોઈ બહુ મોટી મૂડીની જરૂર નથી. માત્ર 7,000 થી લઈને 15,000 રૂપિયા સુધીની મૂડીમાં તમે રિ-સેલિંગ કે લોકલ ટ્રેડિંગનો આ સફળ બિઝનેસ શરૂ કરી શકો છો.
મોબાઇલ રિપેરિંગ
છેલ્લા કેટલાક વર્ષોમાં આ વ્યવસાય પણ ખૂબ જ ઝડપથી ઊભરી આવ્યો છે અને તેમાં સફળતાની ટકાવારી સૌથી વધુ છે. હા, આ માટે કોઈ પણ વ્યક્તિ સીધી દુકાન ખોલીને બેસી શકતી નથી. આ માટે તમારે કાં તો પ્રોફેશનલ ડિગ્રી અથવા સર્ટિફિકેટ કોર્સ કરવો પડશે, અથવા તો કોઈ મોબાઈલ રિપેરિંગ શોપમાં વ્યવહારિક રીતે લાંબા સમય સુધી કામ કરીને રિપેરિંગની તમામ બારીકાઈઓ શીખ્યા પછી જ તમારી મોબાઈલ રિપેરિંગની દુકાન ખોલી શકો છો. આનો મોટો ફાયદો એ છે કે તમે રિપેરિંગનું કામ તો કરો જ છો, સાથે સાથે તમામ મોબાઈલ એક્સેસરીઝ અને ઓછી કિંમતના મોબાઈલ ફોન પણ તમારી દુકાન પરથી નિયમિતપણે વેચીને સારી એવી કમાણી કરી શકો છો.
જો તમારે ફક્ત મોબાઈલ રિપેરિંગનો બિઝનેસ શરૂ કરવો હોય, તો તે માટે બહુ મોટી મૂડીની જરૂર હોતી નથી. આ બિઝનેસ માટે સૌથી મહત્ત્વની વસ્તુ જો કોઈ હોય, તો તે છે તમારું કૌશલ્ય અને જ્ઞાન.
રિપેરિંગની દુકાન ત્યારે જ સારી રીતે ચાલે છે, જ્યારે તમે તે કામ ખૂબ જ કુશળતાપૂર્વક કરો. આ વ્યવસાય 10,000 થી 25,000 રૂપિયામાં શરૂ કરી શકાય છે. પરંતુ હા, આ માટે તમે જે વિશેષ ક્ષેત્રમાં જવા માગતા હોવ, તેની ખાસ તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ માર્ગદર્શન કે તાલીમ વગર આ કામ ખોટનો ધંધો પણ સાબિત થઈ શકે છે. કારણ કે આમાં કામ પૂરું થયા પછી પણ પૈસા માટે રાહ જોવી પડે છે, અને જે રીતે આજે અનેક ક્ષેત્રોમાં માણસોની જરૂરિયાત ઓછી થઈ રહી છે, તે જોતા એવું લાગે છે કે ક્યાંક આ નાના-નાના કારોબારનો યુગ તો નથી ને? જે દુનિયાની ઊથલપાથલને કારણે સૌથી વધુ નિષ્ફળ સાબિત થતા હોય છે.
હોમ સર્વિસીસ
પોતાનો વ્યવસાય કરવા માટે ‘હોમ સર્વિસીસ’ અથવા જીવનજરૂરી સેવાઓનો બિઝનેસ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આમાં રોકાણ માત્ર અંગત સાધનો કે ઓજારો પૂરતું જ મર્યાદિત હોય છે. સામાન્ય રીતે હોમ સર્વિસીસમાં પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન, પેઈન્ટર, સફાઈ કામદારો અને આ પ્રકારના અન્ય ઘણાં કામોનો સમાવેશ થાય છે, જે થોડી તાલીમ મેળવ્યા પછી કરી શકાય છે. આજે આ સેવાઓ આપણી જીવનશૈલીનો એક અભિન્ન ભાગ બની ગઈ છે.
ડેરી અથવા પોલ્ટ્રી ફાર્મ
તમામ નાના વ્યવસાયોમાં આ એક એવો વ્યવસાય છે, જેમાં ઓછામાં ઓછા 25,000 રૂપિયા તો જોઈએ જ અને સફળતાના નિશ્ર્ચિત સ્તર સુધી પહોંચવા માટે ઓછામાં ઓછું 50,000 રૂપિયાનું મૂડી બેકઅપ હોવું પણ જરૂરી છે. ડેરી અથવા પોલ્ટ્રી ફાર્મિંગમાં સૌથી મોટું અને જવાબદારીભર્યું કામ તેમના ઉછેર અને દેખભાળનું છે. આ એક એવો વ્યવસાય છે કે જો તે સફળ થઈ જાય, તો તેમાં ગામના ડઝનબંધ યુવાનોને કામ મળી શકે છે અને તેઓ શહેર-શહેર ભટકવાને બદલે પોતાના ગામમાં જ સુખી અને સમૃદ્ધ જીવન વિતાવી શકે છે. આ જ વાત શહેરોને પણ લાગુ પડે છે.
ઓટો રિક્ષા
ઓટો રિક્ષા પણ એક એવું ક્ષેત્ર છે, જ્યાં તમે શરૂઆતમાં તમારી કુશળતાના આધારે અને પછી થોડા પૈસા ખર્ચ કરીને આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. જો તમે પોતે રિક્ષા ચલાવો છો, તો તમારી સફળતાનો દર 100 થી 150 ટકા જેટલો રહેશે. જોકે, એ ચોક્કસ કહી શકાય નહીં કે વ્યવસાયોની આ શૃંખલામાં ઓટો રિક્ષા ચલાવીને દરરોજ કેટલું કમાઈ શકાય, પરંતુ તે તમારી મહેનત, સમજદારી અને સાતત્ય પર નિર્ભર છે કે તમે તમારા વિસ્તારમાં રિક્ષા ચલાવીને દરરોજ કેટલી કમાણી કરો છો. છતાં, આજે દરરોજ 800 થી 1000 રૂપિયા સુધીની કમાણી ખૂબ જ આરામથી કરી શકાય છે.