Mon Oct 05 2026

Logo

વિરારમાં કૉલેજની વિદ્યાર્થિનીએ ટ્રેન સામે ઝંપલાવ્યું: પ્રેમી વિરુદ્ધ ગુનો...

2026-02-27 16:45:00
Author: Yogesh C. Patel
વિરારમાં કૉલેજની વિદ્યાર્થિનીએ ટ્રેન સામે ઝંપલાવ્યું: પ્રેમી વિરુદ્ધ ગુનો...

પાલઘર: પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતાં કૉલેજની વિદ્યાર્થિનીએ ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની વિરારમાં બનેલી ઘટનામાં પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. લગ્નની લાલચે આરોપીએ શારીરિક સંબંધ બાંધતાં વિદ્યાર્થિની ગર્ભવતી બની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના 29 જાન્યુઆરીએ વિરાર રેલવે સ્ટેશન નજીક બની હતી. ધસમસતી આવેલી લોકલ ટ્રેન સામે કૂદકો મારી 19 વર્ષની વિદ્યાર્થિનીએ કથિત આત્મહત્યા કરી હતી.
આ પ્રકરણે યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે વાશિમમાં રહેતા 20 વર્ષના યુવક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો નોંધ્યો હતો.

ઑનલાઈન ગૅમિંગ પ્લૅટફોર્મ પર ગયા વર્ષે આરોપીની ઓળખાણ યુવતી સાથે થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા થયા પછી પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. બાદમાં લગ્નની ખાતરી આપી આરોપીએ યુવતી સાથે કથિત શારીરિક સંબંધ બાંધ્યો હતો, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

યુવતીની માતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે આરોપી સાથેના સંબંધમાં યુવતી ગર્ભવતી થઈ હતી. પછી આરોપીએ લગ્નનો ઇનકાર કરતાં યુવતી ડિપ્રેશનમાં સરી પડી હતી. આરોપી બીજી યુવતી સાથે સંબંધ ધરાવતો હોવાનું પણ જણાયું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે તબીબી અહેવાલમાં ઘટના સમયે યુવતી ગર્ભવતી હોવાની ખાતરી થઈ હતી. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)