Thu Apr 30 2026

Logo

તું તો કાગળિયાં લખી લખી ન થાકી...

2026-02-15 10:30:00
Author: Mumbaisamachar Team
Article Image

 


હેં... ખરેખર?! - પ્રફુલ શાહ

જ્યુલિયેટ ડ્રુએ, વિક્ટર હ્યુગો

આજકાલ વ્હોટ્સએપ મેસેજ ક્યારે વાંચ્યો અને કેટલી વારમાં જવાબ આપ્યો એના સંબંધો બટકી જાય છે. હેપ્પી વેલેન્ટાઈન્સ ડેની બૂમાબૂમ, લવ યુની કિલકારી અને મિસ યુના રટણ વચ્ચે સાચો ને ટકાઉ પ્રેમ દુર્લભ જણસ બની રહ્યો છે. 

આજની આવી હાલતમાં 50-50 વર્ષ ટકી રહેલી છતાં નિશ્ર્ચિત મંઝિલે ન પહોંચી શકેલી હૃદયવિદારક દાસ્તાન એ મહોબ્બત વિશે જાણીએ. 

આ લવ સ્ટોરીનો શુભારંભ થયો ફ્રાન્સના પાટનગર પેરિસમાં. સમય હતો ઈ. સ. 1833નો. ‘ધ હંચબેક ઑફ નોટ્ર-ડામ’ લખીને ખ્યાતનામ થઈ ચુકેલા વિક્ટર હ્યુગો પોતાના નવા નાટકની તૈયારી માટે થિયેટરમાં જાય છે. હ્યુગોએ નાનકડા રોલ માટે જ્યુલિયેટ ડ્રુએ પર પસંદગી ઉતારી. આ છવીસ વર્ષની અદ્ભુત સૌંદર્યની સ્વામિની અસાધારણ સ્વતંત્ર વિચારોવાળી હતી. નાટકમાં ભલે તેને નાનું પાત્ર મળ્યું હતું,  પણ 16 ફેબ્રુઆરી, 1833થી હ્યુગોના જીવનમાં જ્યુલિયેટે મહત્ત્વપૂર્ણ અને કાયમી સ્થાન મેળવી લીધું. 

 31ના હ્યુગો ને 26ની જ્યુલિયેટની પ્રેમ-કથાની શરૂઆત તો થઈ પણ પાયામાં એક મોટીમસ સમસ્યા એ હતી કે હ્યુગો તો ઓલરેડી પરણેલા હતા.

પરંતું પ્રેમી પરિણીત હોવા બાબતે આંસુ વહાવે, હતાશ થાય કે બ્રેકઅપ કરી લે એ બીજા. જ્યુલિયેટે તો બહુ જલ્દી, કહો કે થોડા મહિનામાં જ માની ન શકાય એવો નિર્ણય લીધો. તેણે પ્રેમ ને પ્રેમી ખાતર સર્વસ્વ ત્યજી દીધું. અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સપનાને અભરાઇ પર ચડાવી દીધું કાયમ માટે. પોતીકી ઓળખ, સ્વતંત્રતા અને આવકને ત્યજી દીધાં. વ્હાલસોયા વિક્ટરને પૂર્ણપણે સમર્પિત થઇ ગઈ. 

આટલું જ નહિ  જ્યુલિયેટ એક નાનકડા ફ્લેટમાં રહેવા જતી રહી. અહીં એનું એક કામ મનના માણીગરની પ્રતીક્ષા કરવાની, રોજેરોજ. ક્યારેક જ્યુલિયેટ કંટાળી જતી એ માનવસહજ ગણાય. એ આવક, નોકરી અને નોકરી સંબંધિત સવાલોને વિક્ટર સમક્ષ વાચા આપે. હ્યુગોએ સલાહ આપી કે તને જે કંઈ થાય છે, લાગે છે ને અનુભવે છે એ બધું લખ, મને લખ. 

ખબર નહિ કેમ પણ જ્યુલિયેટને આ વાત ગમી ગઈ. લખવા માંડી. ક્યારેક દિવસમાં બે-ત્રણ પત્રમાં વ્યક્ત થાય. ક્યારેક તે પત્રો વૃક્ષના પોલાણમાં મૂકી દેતી. પછી નોકરના હાથે હ્યુગોનાં ઘરો વચ્ચે મોકલાવી દેતી. સામે પક્ષે એના પ્રેમીએ માત્ર પત્રો વાંચ્યા જ નહિ, અમૂલ્ય સાચવી રાખ્યા.

હું તો કાગળિયાં લખી લખી થાકી જેવી ફરિયાદ જ્યુલિયેટે ક્યારેય ન કરી. સવાલ થાય કે પત્રોમાં રોજેરોજ શું લખતી હશે? એમાં પ્રેમની લાગણી હોય, એકાંતની વેદના હોય ને ઈર્ષા પણ ડોકાય. એમાંય હ્યુગો અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા ત્યારે જ્યુલિયેટ અત્યંત દુ:ખી થઈ જાય. ને આ રીતે દુ:ખી થવાના મોકા વિક્ટર વારંવાર આપતા રહેતા હતા.  છતાં જ્યુલિયેટ ડ્રુએ ન થાકી, ન કંટાળી કે ન અગાધ પ્રેમ કરવા પર બ્રેક મારી. એ પત્રો લખતી રહી પાંચ-પાંચ દાયકા સુધી. આ અનોખી પ્રેમિકાએ વીસ હજારથી વધુ પત્રો લખ્યાં! 

ફક્ત ને ફક્ત પત્રો ન લખ્યા જ્યુલિયેટે. કોઇ કલ્પના ન કરી શકે કે ખુદ વિક્ટર હ્યુગો અપેક્ષા ન રાખી શકે એટલી મહત્ત્વની અને જોખમી જવાબદારી જ્યુલિયેટ ડ્રુએ બજાવી ઊફ્ સુધ્ધાં કર્યા વગર.       

   (ક્રમશ:)