‘દેશભક્તિ માટે કોઇ દાયરો નથી હોતો કે કોઇના આદેશની રાહ જોવાની નથી હોતી.’
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
રણછોડના હાથમાં ગન જોઈને રાઘવ ડઘાઈ ગયો, પણ રાધાને રાહત થઈ કે રાઘવે છુપાવેલાં શસ્ત્રો રણછોડે અંતે શોધી કાઢ્યાં. રણછોડ ગન તાકતો રાઘવ તરફ જવા લાગ્યો.
‘રણછોડ, ગન મુઝે દે દે...કાનૂન કો અપને હાથોં મેં મત લે,’ રાધા બોલી.
‘રણછોડે ગન રાધા સામે તાકતાં કહ્યું: ‘પહેલે આપ બોલો, આપ કોણ હો...?’
‘મૈં ચિત્રકાર હું... ઔર યે...’ રાધા બોલી.
‘રાધા ઝૂઠ બોલ રહી હૈ... યે ચિત્રકાર નહીં... ટેરરિસ્ટ હૈ. તૂ ગન મુઝે દે...’ રાઘવ બાજી બદલી નાખવા વચ્ચે બોલ્યો.
‘રાઘવ, રણછોડના હાથમાં તૂં ટેરરિસ્ટ હોવાનો પુરાવો છે,’ રાધા બોલી.
‘રણછોડ, તુ ગન મુઝે દે દે... વરના ગોલી ચલ જાયેગી...’ રણછોડ રાઘવની વાતને ધ્યાનમાં લીધા વિના ગન તાકતો રાધા તરફ આગળ વધ્યો...
‘રણછોડ, મૈં કહેતા હું રુક જા...’ રાધાનો શ્ર્વાસ અધ્ધર ચડી ગયો હતો... એક તરફ રાઘવ ગન તાકીને ઊભો હતો ને બીજી બાજુ રણછોડનો ઇરાદો સમજાતો નહતો... એ ગન તાકતો નજીક આવી રહ્યો હતો.
‘મૅડમજી, અસ્સલ મેં આપ કોણ હો...?’ રણછોડ બોલ્યો. રાધાના ધબકારા વધી ગયા. રાઘવને કાંઈ સમજાયું નહીં, એ જોતો રહ્યો. અને અચાનક રણછોડે રાધાની નજીક જઈને એને ગન આપી દીધી. રાધાએ ઝટથી ગન રાઘવની સામે તાકી. હવે રાઘવ અને રાધા એકબીજાની સામે ગન તાકીને ઊભાં હતાં.
‘મૈં બીચ મેં ખડા હું... જો અસલી ટેરરિસ્ટ હોગા વો મુઝે ગોલી મારેગા.’ રણછોડ બંનેની વચ્ચે જઈને સામી છાતીએ ઊભો રહી ગયો. રાધા અને રાઘવ બંને એકબીજાની સામે જોતાં ઊભાં રહ્યાં કે કોણ રણછોડને ગોળી મારે છે... કોઈએ ગોળી નહીં છોડી...
‘દેખ ક્યા રહે હો ચલાવ ગોલી... ત્રાસવાદી ગોલી મારણે સે ડરતા નહીં કભી...’
રાઘવે રિવૉલ્વર નીચે મૂકી દીધી... રાધા એની આંખોમાં જોઈ રહી.
‘રાઘવ, કોણ છે તું...?’ એણે પૂછ્યું.
‘પોતાની અસલિયત છૂપાવીને આવેલો એક દેશભક્ત.’ રાઘવ બોલ્યો.
‘અસલિયત છુપાવીને? દેશભક્ત...? કાંઈ સમજાયુું નહીં,’ રાધાએ કહ્યું.
‘હું હરિસિંગ રાજપૂત... એટીએસ ગુજરાત... અમદાવાદથી,’ રાઘવ બોલ્યો.
‘પણ તુ અહીં... કોના ઑર્ડરથી...? આ કામ એટીએસના દાયરામાં આવતું નથી... અને આઇબીના આદેશ સિવાય તો નહીં જ...’
‘દેશભક્તિ માટે કોઈ દાયરો નથી હોતો કે કોઈના આદેશની રાહ જોવાની નથી હોતી.’ રાધા, આખી વાત સાંભળ. ‘મને મારા પાકિસ્તાનના સોર્સમાંથી ખબર મળ્યા... મેં મારા ચીફને વાત કરી કે હું આ ઑપરેશન કરવા જઈશ. મને ચોખ્ખી ના પાડી કે આ ઑપરેશન આપણા જ્યુરીસ્ડિક્શનમાં આવતું નથી... મારે આઇબીને જાણ કરવી પડે... અને એથી ઉપર નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર છે. મેં બહુ વિનંતી કરી... અંતે આઇબી, રો અને નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરની જાણ બહાર હું અહીં આવ્યો... અને અહીં બાબુજીના આશરે રહ્યો...’
‘પણ તમે જ બાબુજીનું મર્ડર કર્યું છે,’ રણછોડે કહ્યું.
‘ના, એમનું નૅચરલ ડેથ થયું હતું. બાબુજી મારી અસલિયત જાણતા હતા. એ મારા ચીફના સંબંધી હતા અને ચીફે એમની સાથે વાત કરીને મને અહીં મોકલ્યો હતો. અમે ત્રણેયે આખી વાત સીક્રેટ રાખી હતી. હું મને સીક્રેટ ઑપરેશનમાં મદદ કરનારનું, મને આશરો આપનારાનું જ મર્ડર કરું? રાધા, તેં પણ રણછોડ પર ગોળી ન ચલાવી... મતલબ કે તું પણ...’
‘હા, હું મિત્સુ આનંદ ઇન્ટેલિજન્સ બ્યૂરોની એજન્ટ...’
‘આઇએમ સૉરી હું તને ત્રાસવાદી સમજતો રહ્યો. તારા રૂમની તલાશી પણ મેં જ લીધી હતી અને જગદીશને ફોડીને તમારી માહિતી કઢાવવાની પણ કોશિશ કરતો રહ્યો... તારી નજીક આવવાનો પ્રયાસ પણ કર્યો, પણ...’ એટલું કહીને એ અટકી ગયો.
‘હું પણ તને ત્રાસવાદી સમજતી હતી... મારું અનુમાન ખોટું નીકળ્યું...’ રાધા થોડી ક્ષણો અટકીને બોલી : ‘મારે મારા ચીફને તારી અસલિયત અને સાચી ઓળખ આપવી પડશે, કારણ કે મેં એમની સામે તારું ટેરરિસ્ટ તરીકેનું ચિત્ર દોર્યું છે અને તને ખતમ કરવાનો મને આદેશ હતો,’ રાધાએ કહ્યું.
‘તો તું એમને જણાવી દે કે તેં મને ખતમ કર્યો છે. અને હું અહીં જ રહીને તને છૂપી રીતે મદદ કરીશ.’
રાધા વિચારમાં પડી ગઈ... આવા વિચિત્ર કેસમાં હવે શું કરવું. મંદિર પર અજાણ્યો, ભેદી ખતરો ઝળુંબી રહ્યો છે. હું દેવીપ્રસાદજી, પુરોહિત અને જગદીશ જેવી ઍસેટ ઊભી કરી શકી છું, પણ સમય આવ્યે દુશ્મનનો ખાતમો બોલાવવામાં એટીએસનો આ બંદો કામ આવી શકે... શરત માત્ર એટલી જ છે કે વાત સીક્રેટ રાખવી. જે રીતે આઇબી પાસે પુરોહિત, જગદીશ અને દેવીપ્રસાદજીની વાત છુપાવી છે એ જ રીતે હરિસિંગ રાજપૂતની વાત પણ છુપાવી શકાય... રક્તહિન ઑપરેશનમાં આ બંદો ઉપયોગી થશે.
રાધા અને રાઘવ ખાટલા પર બેઠાં હતાં અને રણછોડ એમની સામે જમીન પર બેઠો હતો.
‘ઓકે હું મારા ચીફને કહીશ કે મેં એક ટેરરિસ્ટને ખતમ કર્યો છે, પણ એની પાસેથી કોઈ માહિતી મળી નથી... અને ખાસ વાત... આ વાત આપણી વચ્ચે એકદમ સીક્રેટ રહેશે.’
‘અને તારા ચીફ એ ટેરરિસ્ટની લાશનો ફોટો માગશે તો...?’ રાઘવે તાર્કીક સવાલ કર્યો.
‘નહીં માગે અને માગશે તો જોયું જશે.’ રાધાએ શેક હૅન્ડ કરવા હાથ લંબાવ્યો. રાઘવે હાથ મિલાવ્યો કે તરત જ રણછોડ બોલ્યો: ‘કોઈ મેરે સે તો હાથ મિલાવો...’ રાધા અને રાઘવે હસીને રણછોડ સાથે હાથ મિલાવ્યા.
‘રાઘવ, તને ખબર છે મંદિર પરિસરમાં એ ત્રાસવાદીઓનો શું પ્લાન છે?’ રાધાએ પૂછ્યું.
‘ના, કોઈ માહિતી નથી... એટલી જ જાણ છે કે મંદિર પર મોટો ખતરો છે ને મોટી જાનહાનિ કરવાનું એક મોટું ષડ્યંત્ર રચાયું છે. મેં એટલે જ અહીં શસ્ત્રો રાખ્યાં છે,’ રાઘવે કહ્યું.
‘પણ મને ઉપરથી આદેશ છે કે મંદિર પરિસરમાં કે ગામમાં લોહીનું એક ટીપું પણ વહેવું ન જોઈએ,’ રાધાએ કહ્યું.
‘રાધા, એ પૉસિબલ નથી...એ લોકો શસ્ત્રોથી હુમલો કરશે ત્યારે શું આપણે મંજીરા વગાડવાનાં. આપણી પણ બધી જાતની તૈયારી હોવી જોઈએ,’ રાઘવે કહ્યું.
‘રાઘવ, અહીં મારો ઑર્ડર ચાલશે. રક્તહિન ઑપરેશન. ઇઝ ઇટ ક્લીઅર? ઑપરેશન કઈ રીતે પાર પાડવું એનો વ્યૂહ આપણે રચવો પડશે,’ રાધાએ કમાન્ડિંગ અવાજમાં કહ્યું.
ઝૈનાબે ઑફિસથી આવીને જોયું. રોજની જેમ અજમલ અન્સારી રૂમમાં જ ભરાઈને બેઠો હતો. ઝૈનાબને નવાઈ લાગી. એણે અમ્મીને પૂછ્યુ: ‘અમ્મી, ડૉક્ટર રૂમ સે બાહર ક્યું નીકલતે... પૂરા દિન રૂમ મેં...’
‘બીવી સે ઝઘડા હુઆ હૈ... સદમે મેં હૈ... તલાક દે કર દૂસરી શાદી કર લેગા તો સબ ઠીક હો જાયેગા...’ અમ્મીના મનમાં એ વખતે જે આવ્યું તે બોલી નાખ્યું ને ઝૈનાબ ભડકી: ‘વાહ યે અચ્છા હૈ... એક શાદી નહીં જમી તો તલાક દો ઔર દુસરી કર લો... ઝરૂર ઉસકા ભી કોઈ કસૂર રહા હોગા... ઉસકો બોલો જા કર બીવી સે માફી માંગ લે. દાઢી બઢાયે માયુસ સે બૈઠે રહેતે હૈ. યે ડૉક્ટર મિયાં મુઝે કૂછ અજીબ લગ રહે હૈ...’
પુરોહિત દાનપેટીમાં નાખવા માટેની ચિઠ્ઠી લખીને તૈયાર થવા લાગ્યો. અડધી રાત આવી હતી. એને તૈયાર થતાં જોઈને એની પત્ની ઇરાવતીને શંકા ગઈ. છેલ્લા બે-ચાર દિવસથી એણે પુરોહિતને રાતે બહાર જતાં-આવતાં જોયો હતો. શંકા ઘેરી બનતાં એણે પૂછ્યુ: ‘ઇતની રાત ને જાવે હે, થારો કોઈ ચક્કર તો કો’ની ચાલે...?’
‘મારો માથ્થો મત ખા... કામ સૂ જા રિયૂં હૂં...’ પુરોહિત ભડક્યો.
‘અતણી રાત નૈ કુણ સો કામ હુએ હે...’ ઇરાવતીના અવાજમાં વ્યંગ્ય હતો.
‘તૂ આંઇ બાર ની સમઝે... જબ સમઝ મે આવેગો... તબ મેરે પે અભિમાન હિગા...’ પુરોહિત બોલીને નીકળી ગયો... ઇરાવતી છણકો કરીને સૂવા જતી રહી.
પુરોહિત ગુપ્તાની દુકાનમાં કામ કરતા શંકરનો વિચાર કરતો મધરાતે શંકરના મંદિરે જવા નીકળ્યો. શંકર દુકાનમાં ચૂપચાપ માલ જોખનારો ભોળોભાળો નોકર નથી. દુશ્મન છે, દેશનો દુશ્મન. અજાણ્યા નિર્દોષ શ્રદ્ધાળુઓનો જીવ લેવા આવેલો દુશ્મન. અને આવા દુશ્મનનું રહસ્ય દાનપેટીમાં નાખવું જરૂરી છે. જેથી રાધાની સામે એનો અસલી ચહેરો ખુલ્લો પડી જાય... ને પછી એનો ખેલ ખતમ...
પુરોહિત કાતિલ પવનને વીંઝતો આગળ વધી રહ્યો હતો. માત્ર આંખો સિવાય એનું આખું શરીર ગરમ કપડાંથી ઢાંકેલું હતું. એની આંખો ઠંડા પવનને ઝીલી શક્તિ નહતી... પરાણે આંખો ખૂલી રાખીને માંડ 30ની સ્પીડે સ્કૂટી ચલાવી રહ્યો હતો. શંકરના મંદિર પાસે સ્કૂટી ઊભું રાખીને એણે ચિઠ્ઠી કાઢીને દાનપેટીમાં નાખી ત્યાં પાછળથી અવાજ આવ્યો: ‘અલખ નિરંજન.’ અલખ નિરંજન... બોલતો સાધુ બહાર આવ્યો.
પુરોહિત ભયથી થથરી ઉઠ્યો. આ તો એ જ સાધુ જે ગુપ્તાની દુકાનની સામે જોયેલો. પુરોહિતે દાનપેટી સામે જોયું. એને દાનપેટીમાં ચિઠ્ઠી નાખતાં જોઈ ગયેલા સાધુએ પણ દાનપેટી પર અછડતી નજર કરી લીધી.
‘બચ્ચા, ઇતની ઠંડ મેં, આધી રાત મેં જિસે ભગવાન યાદ આયે વોહી સચ્ચા ભક્ત હૈ... અલખ નિરંજન...’ જરાવાર રહીને બોલ્યો: ‘ચીલમ પીએગા?’
‘ના ના મૈં ચીલમ, સિગારેટ, બીડી કૂછ નહીં પીતા...’ પુરોહિતે કહ્યું.
‘અરે ફિર થોડી દેર અંગિઠી કે સામને બૈઠે કે ઠંડ કો ઉડાઓ... આવો પીછે બૈઠો.’ સાધુનો દમદાર અવાજ નીકળ્યો.
‘નહીં નહીં... દર્શન હો ગયે બસ ચલતા હું...’
‘દર્શન કે બાદ મંદિર મેં કૂછ સમય બૈઠતે હૈ... આઓ બૈઠો.’
પુરોહિત સાધુની પાછળ ગયો. બંને તાપણાની સામે બેસીને ગરમાટો લેવા લાગ્યા. સાધુએ ચીલમનો એક લાંબો કશ ખેંચ્યો. સાધુની લાલાશ પકડી રહેલી આંખ પુરોહિત પર હતી. પુરોહિત દાનપેટીમાંથી ચિઠ્ઠી પાછી કાઢી લેવાનું વિચારતો હતો, જે હવે શક્ય ન હતું. શંકરનું ભાવિ પેટીમાં પુરાઈ ચૂક્યું હતું. દાનપેટીમાંથી ચિઠ્ઠી લેવા આવનારી રાધાનું ભાવિ જોખમમાં હતું...
‘એક મિનિટ આયા...’ અચાનક સાધુ ઊઠીને મંદિરમાં ગયો. પુરોહિતનો શ્ર્વાસ અધ્ધર ચડી ગયો. સાધુએ દાનપેટી ખોલીને ચિઠ્ઠી વાંચી. લાલઘૂમ આંખો સાથે એણે ત્રિશૂલ ઉપાડ્યું...‘અલખ નિરંજન...’
(ક્રમશ:)