અમદાવાદનું એક એનઆરઆઇ વૃદ્ધ દંપતી વિદેશમાં વસતાં સંતાનો પાસેથી અમદાવાદ પાછું આવ્યું હતું. એક દિવસ 74 વર્ષીય વૃદ્ધ પતિને એક કૉલ પર ધમકી અપાઈ કે `તમારી મની લૉન્ડરિંગ કેસમાં સંડોવણી છે. એટલે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. તમે તાત્કાલિક દંડ પેટે પંદર લાખ રૂપિયા ભરી દો નહીં તો તમારી સામે સખત કાનૂની કાર્યવાહી થશે.'
ડરી ગયેલા વૃદ્ધે એક બૅન્કમાંથી એફડી તોડીને પંદર લાખ રૂપિયા ડિજિટલ અરેસ્ટના નામે લૂંટનારા ગઠિયાઓના ખાતામાં જમા કરાવી દીધા. એ પછી ડિજિટલ અરેસ્ટ કરનારા ગુનેગારોએ તેમને કહ્યું હતું કે `તમારી પાસે બાકી જેટલા પણ પૈસા છે તે એક વખત અમે કહીએ એ ખાતામાં જમા કરાવી દો. ચકાસણી કરીને એ રકમ અમે તમને પાછી આપી દઈશું. જો તમે રકમ વેરિફાઈ કરાવી લેશો તો આ ગંભીર કેસમાંથી બચી જશો. નહીં તો જેલમાં જશો.'
સાઇબર ક્રિમિનલ્સની એ ધમકીને કારણે તે વૃદ્ધ બીજી એક બૅન્કમાં એફડી તોડાવા માટે ગયા. એ વખતે બૅન્કના કર્મચારીને શંકા ગઈ, કારણ કે તે વૃદ્ધ હંમેશાં બૅન્કમાં પૈસા જમા કરાવતા રહેતા હતા, પરંતુ આ વખતે તેઓ એફડી તોડાવીને પૈસા ઉપાડવા આવ્યા હતા અને એ પણ ખૂબ મોટી રકમ તેઓ ઉપાડવા ઇચ્છતા હતા. એટલે કર્મચારીએ બૅન્ક મૅનેજરને માહિતી આપી. બૅન્ક મૅનેજરે તેમને પોતાની પાસે બોલાવીને તેમની સાથે વાત કરી હતી. તેમણે કારણ પૂછ્યું ત્યારે વૃદ્ધ સજ્જને કહી દીધું કે આ રીતે મને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો છે અને છૂટવા માટે પૈસાની જરૂર છે. એ જ વખતે બૅન્ક મૅનેજરને મળવા માટે બૅન્કના અન્ય ખાતાધારક એવા એક ઍડ્વોકેટ ત્યાં આવ્યા હતા.
બૅન્ક મૅનેજર અને ઍડ્વોકેટે તે વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ ફ્રૉડ વિશે સમજાવીને પોલીસને ફરિયાદ કરવા કહ્યું.. પોલીસની ટીમ તરત બૅન્કમાં પહોંચી હતી. એને કારણે એનઆરઆઇ વૃદ્ધ દંપતીની બે કરોડ રૂપિયા જેટલી રકમ સાઇબર ક્રિમિનલ્સના હાથમાં જતાં રહી ગઈ.
આ ઘટનામાં વૃદ્ધને મદદરૂપ બનનારા બૅન્ક કૅશિયર, બૅન્ક મૅનેજર, ઍડ્વોકેટ અને વૃદ્ધને મદદ કરવા દોડેલા પોલીસ કર્મચારીઓનાં નામ પણ લોકો સુધી પહોંચ્યાં નથી, કારણ કે અમદાવાદના અખબારમાં આ સમાચાર વાંચ્યા એમાં કોઈનાં નામ નહોતાં-નહીં તો હું અહીં ચોક્કસ તેમનાં નામનો ઉલ્લેખ કરત. અહીં મુદ્દો એ છે કે આપણા સમાજને જેટલો વખોડવામાં રસ પડે છે એટલો વખાણવામાં નથી પડતો.
5 ઑગસ્ટ, 2026ના દિવસે એક 23 વર્ષીય યુવતી પૂજા ડોંબિવલી રેલવે સ્ટેશને લોકલ ટે્રનમાંથી ઊતરતી વખતે ધક્કામુક્કીમાં નીચે પડી ગઈ. પૂજાને ગંભીર ઈજા થઈ. એ વખતે પ્લૅટફૉર્મ નંબર પાંચ પર ફરજ બજાવી રહેલાં મહિલા ટિકિટ ચેકર વૃશાલી જાધવ તરત તેની મદદે દોડી ગયાં હતાં. તેમણે તરત જ સ્ટેશન એનાઉન્સરને કૉલ કરીને લાઇસન્સવાળા હમાલની તરત જ વ્યવસ્થા કરવા કહ્યું, પણ ઈજાગ્રસ્ત યુવતીની હાલત જોઈને તેમણે કોઈની પણ રાહ જોવાને બદલે જાતે જ તે યુવતીને ઊંચકી લીધી અને તેને ઊંચકીને સ્ટેશન માસ્ટરના કાર્યાલયમાં પહોંચી ગયાં. ત્યાંથી તે યુવતીને વધુ સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી.
કોઈ ટિકિટ ચેકરે ઉદ્ધતાઈ કરી હોય અને કોઈ એ વીડિયો સોશ્યલ મીડિયા પર મૂકી દે તો એ વીડિયો ખૂબ જ વાઇરલ થઈ જાય, પણ વૃશાલી જાધવના આ પ્રશંસનીય કામ માટે મીડિયાએ નોંધ લીધી, પણ સોશ્યલ મીડિયા પર એ વીડિયો મોટી સંખ્યામાં વાઇરલ ન થયો.
હવે આ કિસ્સો જુઓ. નાગપુરના એક સરકારી અધિકારીની ટીનેજર દીકરી ઇન્સ્ટાગ્રામ પર એક દુષ્ટના સંપર્કમાં આવી હતી. તે બદમાશે તેને ભોળવીને તેની નગ્ન તસવીરો મગાવી હતી. એ પછી તેણે એ ફોટોગ્રાફ્સ ઓનલાઈન વાઇરલ કરવાની ધમકી આપીને તેને બ્લૅકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે તેને ધમકી આપીને મળવા બોલાવી હતી અને તે તેના પર બળાત્કાર ગુજારતો હતો. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું હતું, પરંતુ બીજી ઑગસ્ટના દિવસે તે છોકરીને તેણે પોતાના ભાડાના રૂમમાં બોલાવી હતી. તેણે તેનો મોબાઈલ છીનવી લીધો હતો. તેના હાથપગ બાંધી અને છરી બતાવીને તેને ધમકાવીને તેનો રેપ કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
બીજી બાજુ દીકરી રાતે ઘરે ન આવી એટલે તેના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તે છોકરીની શોધખોળ શરૂ કરી હતી. મોબાઇલ લોકેશનના આધારે છોકરી દિઘોરી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કર્યું. એ દરમિયાન એક ફૂડ ડિલિવરી બૉયની મદદથી પોલીસ આરોપીના ભાડાના મકાન સુધી પહોંચી હતી. પોલીસે તે છોકરીને તેના સકંજામાંથી છોડાવી હતી અને તે વિકૃત આરોપીની ધરપકડ કરી હતી.
આવી ઘટનાઓ બને ત્યારે જે વ્યક્તિ મદદરૂપ થઈ હોય તેને મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રસિદ્ધિ મળવી જોઈએ. એમની પ્રશંસા પણ કરવી જોઈએ. આપણો સમાજ લોકોને વખોડવામાં બહુ ઉત્સાહ દાખવે છે, પરંતુ વખાણ કરવામાં કંજૂસી બતાવે છે. આવા-બીજાઓને મદદરૂપ થતા માણસોની પ્રસાર માધ્યમોથી માંડીને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ સુધી પ્રશંસા થવી જોઈએ એ જોઈને બીજા લોકોને પણ પ્રેરણા મળે.
આપણા સમાજમાં નકારાત્મક વાતો બહુ ઝડપથી ફેલાઈ જાય છે અને સકારાત્મક વાતોને એટલું બધું મહત્ત્વ મળતું નથી. કોઈ ફિલ્મસ્ટાર અથવા અન્ય કોઈ ક્ષેત્રની જાણીતી વ્યક્તિ કોઈ ચેષ્ટા કે કુચેષ્ટા કરે તો તેના વિશે હજારો પોસ્ટથી સોશ્યલ મીડિયા ઊભરાઈ જાય છે, પરંતુ જાહેરજીવનની કોઈ વ્યક્તિ સારુંં કામ કરે તો તેને વખાણવામાં લોકો એટલો ઉત્સાહ દર્શાવતા નથી હોતા એ કડવી વાસ્તવિકતા છે.
ટૂંકમાં , ખરાબ કામ કરનારા માણસોનેે વખોડવા માટે જેટલો ઉત્સાહ બતાવાય છે એટલો જ ઉત્સાહ સારુંં કામ કરનારા કે કોઈને મદદરૂપ બનનારા માણસોને વખાણવામાં પણ બતાવવો જોઈએ.