Sun Jul 12 2026

Logo

રે ગ્રિસર એટલે શક્યતા ને શંકા વચ્ચે કાયમનો લાપતા આદમી

2026-07-12 08:23:43
Author: Praful Shah
Article Image

હેં... ખરેખર! - પ્રફુલ શાહ

ગતાંકથી શરૂ

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના 59 વર્ષના રહેવાસી રે ગ્રિસર (Ray Gricar)  2005ની 15મી એપ્રિલે એવા ગાયબ થયા કે ન પૂછો વાત. આજકાલ પ્રામાણિકતા, ભાઈચારો, નૈતિકતા, આદર્શવાદ, આંખની શરમ, પારદર્શિતા, તટસ્થતા અદૃશ્ય થઈ ગયાં છે એ રીતે ગ્રિસરનો ન અતોપતો મળ્યો કે ન કોઈ સગડ સુધ્ધાં હાથ લાગ્યા. 

પોલીસ સહિતની એકેએક એજન્સીઓની તપાસ અને પૂછપરછમાં સમ ખાવા પૂરતું કંઈ જ હાથ ન લાગતાં અંતે આ લાપતા આદમીને 2011માં સેન્ટર કાઉન્ટીના અધિકારીઓએ તેમને મૃત જાહેર કર્યા હતા. કલ્પના કરી જુઓ કે અમેરિકા જેવા વિકસિત અને સાધનસંપન્ન દેશમાં છ-છ વર્ષ જરાય માહિતી ન મળે એ કેવું ગજબનાક. જોકે ભારતથી તદ્દન વિપરીત આજે પણ પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એટલું જ નહિ આ મામલામાં કોઈ પણ માહિતી આપનારા માટે પૂરા પાંચ હજાર ડૉલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. 

રે ગ્રિસરના લાપતા થવા અને તેમની ભાળ મેળવવા માટે અપનાવાયેલા તપાસના મુખ્ય સિદ્ધાંતોમાં થોડા ઊંડા ઊતરીએ તો આ કિસ્સો અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાશે. 

કાયદા અમલીકરણ એજન્સીઓએ તેમની ગુમશુદગીની તપાસમાં ત્રણ મુખ્ય સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

પહેલી શક્યતા એ હતી કે ગ્રિસરે  આત્મહત્યા કરી હોય. આમ માનવા પાછળનો એકમાત્ર અને સબળ તર્ક એ સ્વીકારાયો હતો કે 1996ના મે મહિનામાં તેમના મોટા ભાઈ પણ આવી જ રીતે ગાયબ થઈ ગયા હતા. તેમના કમ્પ્યુટરના સર્ચ ઇતિહાસમાં હાર્ડ ડ્રાઇવનો નાશ કરવા અને પાણીથી બચાવવા સંબંધિત માહિતી મળી હતી, જેના કારણે આત્મહત્યાની શંકા વધુ ગાઢ બની. કેવો માની ન શકાય એવો યોગાનુયોગ? પરતું લાશ કેમ ન મળી? અને કૉમ્પ્યુટર હાર્ડ ડિસ્ક ક્યાં? શા માટે ગાયબ કરી? 

ગ્રિસર કેસમાં બીજી શક્યતા દેખાઈ સ્વેચ્છાએ ગાયબ થવાની. કેટલાક લોકોનું માનવું હતું કે તેમણે પોતાની નિવૃત્તિ પહેલાં પોતાની મરજીથી પોતાનું જીવન છોડીને ક્યાંક બીજી જગ્યાએ નવી શરૂઆત કરી. દોસ્તો, ગર્લફ્રેન્ડ અને દીકરી સહિત કાઈને જાણ કરવાની જરૂર કેમ ન લાગી? અને કૉમ્પ્યુટર હાર્ડ ડિસ્કમાં એવું તે શું હતું કે એ ગાયબ કરી દેવી પડી? 

ત્રીજી શક્યતા એ જોવાઈ કે ગ્રિસર કોઈ  ગુનાહિત ષડયંત્રનો ભોગ બન્યા હોય એટલે કે એમનું ખૂન થયું હોય. એક તર્ક પર સધાયેલી સહમતી અનુસાર, એક કડક સરકારી વકીલ તરીકે તેમણે ઘણા ખતરનાક ગુનેગારો અને ગેંગોને સજા અપાવી હતી. આથી કોઈએ વેર વાળવા એમનું ઢીમ ઢાળી દીધાની શક્યતાને સાવ નકારી શકાય નહીં. અહીં ફ્રી લાશ અને કૉમ્પ્યુટર હાર્ડ ડિસ્ક સંબંધી સવાલો અનુત્તર રહી જાય છે. આ સંબંધી એક મહત્ત્વનો પુરાવો રેના કૉમ્પ્યુટરમાંથી પણ મળ્યો હતો.  રેના બ્રાઉઝિંગ ઇતિહાસમાં બહાર આવ્યું હતું કે તેમણે ઘણી વખત  હાર્ડ ડ્રાઇવનો નાશ કેવી રીતે કરવો એ વિશે સર્ચ કર્યું હતું. 

એક વકીલ, એક દીકરીના પિતા અને સારી  સંપત્તિના માલિક રેના ગાયબ થયાના બીજા દિવસે તેમની કાર અને સેલ ફોન તેમના ઘરથી 55 માઇલ દૂર એક નદીના કિનારેથી મળી આવ્યાં હતાં. અને થોડા મહિનાઓ બાદ રેનું લૅપટૉપ તેમજ હાર્ડ ડ્રાઇવ નદીના કિનારે મળી આવ્યાં હતાં. હાર્ડ ડ્રાઇવને ખૂબ જ ખરાબ રીતે નષ્ટ કરી દેવામાં આવી હતી. 

સામાન્ય રીતે પોતાનામાં જ વ્યસ્ત રહેતા આ માણસ પોતાના ગાયબ થયાના દિવસે એક અજાણી સ્ત્રી સાથે જોવા મળ્યા હતા, જે તેમની ગર્લફ્રેન્ડ નહોતી. જ્યાં તેમની કાર મળી આવી હતી ત્યાં સિગારેટની રાખ પણ મળી હતી. જ્યારે આશ્ર્ચર્યજનક વાત એ હતી કે રે સિગારેટ પીતા જ નહોતા.

શું એમના ગાયબ થવામાં ગર્લફ્રેન્ડ, દીકરી, અજાણી મહિલા કે અન્ય કોઈ કારણરૂપ હશે? એક એક કડી જોડતાની ચેષ્ટાથી લાગે કે જાણે રે ગ્રિસર કાઈ સશક્ત સસ્પેન્સ થ્રિલરનું ભેદી પાત્ર ન હોય. 
 
  (સંપૂર્ણ)