Fri Apr 17 2026

Logo

સ્ટેલ્થ બોમ્બરથી લઈને AI સંચાલિત ડ્રોન સુધી: ઈરાન-અમેરિકા યુદ્ધમાં કયા ઘાતક હથિયારોએ મચાવી તબાહી?

tehran   2026-03-10 20:05:00
Author: Tejas rajpara
Article Image

તહેરાન/વોશિંગ્ટનઃ વિશ્વ હાલમાં એક એવા યુદ્ધનું સાક્ષી બની રહ્યું છે જ્યાં પરંપરાગત હથિયારો કરતા આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં એવા એડવાન્સ હથિયારોનો ઉપયોગ થયો છે જે અત્યાર સુધી માત્ર લશ્કરી પ્રદર્શનોમાં જ જોવા મળતા હતા. આ સંઘર્ષે યુદ્ધના મેદાનમાં માનવીય હસ્તક્ષેપ ઘટાડીને મશીની ચોકસાઈ અને ઝડપને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે.

સ્ટેલ્થ બોમ્બર B-2 સ્પિરિટ: રડારને થાપ આપીને ચોકસાઈપૂર્વક હુમલો
આ યુદ્ધમાં સૌથી ચર્ચિત હથિયાર અમેરિકાનું B-2 સ્પિરિટ સ્ટેલ્થ બોમ્બર રહ્યું છે. એક અબજ ડોલરથી વધુની કિંમતનું આ વિમાન રડારની નજરમાં આવ્યા વગર ઈરાનની અંદર આવેલા બેલેસ્ટિક મિસાઈલ ઠેકાણાઓ સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. આ વિમાને લગભગ 907 કિલોગ્રામના ભારે બોમ્બ ફેંક્યા છે, જે મજબૂત કોંક્રિટને ભેદીને અંદર જઈને વિસ્ફોટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં સ્ટેલ્થ બોમ્બર્સનો ઉપયોગ સીધો રણમેદાનમાં થયો છે.

મિલીસેકન્ડમાં ટાર્ગેટ પર એટેક
યુદ્ધ હવે માત્ર જમીન કે આકાશમાં જ નહીં, પણ સર્વર રૂમમાં પણ લડાઈ રહ્યું છે. અમેરિકાએ 'ક્લોડ AI' અને 'મેવેન સ્માર્ટ સિસ્ટમ'નો ઉપયોગ કરીને ડ્રોન ફૂટેજ અને ટેલિકોમ ડેટા દ્વારા સેકન્ડોમાં દુશ્મનના લક્ષ્યો નક્કી કર્યા છે. આ સિસ્ટમને કારણે 'કિલ ચેન' એટલી ટૂંકી થઈ ગઈ છે કે ટાર્ગેટ મળતાની સાથે જ હુમલો થઈ જાય છે. માત્ર 24 કલાકમાં જ 1000 થી વધુ સ્થળો પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા, જે એઆઈ સિસ્ટમની તાકાત દર્શાવે છે.

આત્મઘાતી ડ્રોન અને ક્લસ્ટર બોમ્બનો આતંક
યુદ્ધને ઓછું ખર્ચાળ બનાવવા માટે અમેરિકાએ 'લો-કોસ્ટ અનમેન્ડ કોમ્બેટ એટેક સિસ્ટમ' (LUCAS) ડ્રોન ઉતાર્યા છે, જે ઈરાની શાહેદ ડ્રોનની નકલ છે પરંતુ વધુ આધુનિક છે. બીજી તરફ, ઈરાને પણ 'ખૈબર' અને 'ખોર્રમશહેર-4' જેવી ક્લસ્ટર વોરહેડ ધરાવતી બેલેસ્ટિક મિસાઈલોથી વળતો પ્રહાર કર્યો છે. આ મિસાઈલો હવામાં ખુલીને સેંકડો નાના બોમ્બ વિખેરે છે, જે મોટા વિસ્તારને નિશાન બનાવી શકે છે. જોકે, આ હથિયારોના ઉપયોગથી નાગરિકો માટે મોટું જોખમ ઊભું થયું છે.

સફેદ ફોસ્ફરસ અને ભવિષ્યના ઘાતક હથિયારો
ઈઝરાયલ પર લેબનાન અને ઈરાન સરહદ નજીક 'સફેદ ફોસ્ફરસ' બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ પણ લાગ્યો છે. આ હથિયાર 1500 ડિગ્રી સુધીની ગરમી પેદા કરી શકે છે અને માનવ શરીરને ગંભીર રીતે બાળી નાખે છે. આ ઉપરાંત F-35, F-22 ફાઈટર જેટ્સ, ટોમાહૉક ક્રૂઝ મિસાઈલ અને HIMARS રોકેટ સિસ્ટમ જેવી ટેકનોલોજી આ યુદ્ધને વધુ ઘાતક બનાવી રહી છે. આ લડાઈ માત્ર બે દેશો વચ્ચેનો સંઘર્ષ નથી, પરંતુ આધુનિક સૈન્ય વિજ્ઞાનનું એક ભયાનક પરીક્ષણ બની ગઈ છે.