મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતાઓને પાઠવ્યા અભિનંદન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPCS) દ્વારા વર્ષ 2025નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ 958 ઉમેદવાર વિવિધ સનદી સેવાઓ માટે ક્વોલિફાય થયા છે, જેમાં અમદાવાદ સ્થિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા)ના 34 ઉમેદવારે સફળતા મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
ગુજરાતના દિશાંત અમૃતલાલ નિસારે ઓલ ઈન્ડિયા રેન્ક 19મો પ્રાપ્ત કરીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે અન્ય અનેક ઉમેદવારોએ પણ પ્રથમ 200 રેન્કમાં સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતું.
આ ભવ્ય સફળતા બદલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ 34 સફળ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, "પોતાના જ્ઞાન અને સમર્પણ દ્વારા આ યુવા સાધકો 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત સરકારની સંસ્થા સ્પીપા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપવામાં આવતી ઉત્કૃષ્ટ તાલીમ અને રાજ્યના યુવાનોની સખત મહેનતને કારણે જ આ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.
ગુજરાતમાંથી ઉત્તીર્ણ થયેલા અન્ય તેજસ્વી ઉમેદવારોમાં સૌરભ શર્મા (146), તુષાર હિંમતભાઈ મેંદપરા (195), કીર્તનતુષાર ભટ્ટ (262), અનિકેત કમલેશભાઈ પટેલ (266), જીતેન્દ્ર પ્રજાપતિ (287), સાવનકુમાર સરવૈયા (292) અને કોમલ માવી (314) એ ટોચના ક્રમો મેળવ્યા હતા.
આ ઉપરાંત રાહુલ (379), શ્રેયા દિલીપકુમાર પ્રિયદર્શી (387), રામ કિશનકુમાર લખમણભાઈ (474), સૌરભ (544), હાશમી મોહમ્મદ ઉમર (549), નિશાંત કિરીટકુમાર પ્રિયદર્શી (559), પ્રવીણ ઉત્તમરાવ કોલાપે (584), અંશુલ યાદવ (586), જૈનીશ રાજેન્દ્ર ચૌહાણ (589), જીતકુમાર નામહા (606), આદિત્ય સંજય અમરાણી (609), સત્યમ પાંડે (617), પ્રદીપભાઈ કાલાભાઈ પરમાર (703), મિહિરભાઈ રાજેન્દ્રભાઈ પટેલ (709), અભિષેક મીના (766), હિમાંશુ વર્મા (779), સ્નેહ પટેલ (813), સાગર હૃષીકેશભાઈ જાદવ (829), વિરેન પરમાર (830), નરેન્દ્રભાઈ ઠાકરશીભાઈ રાઠોડ (840), પંથ વિનોદભાઈ રાજપાલ (867), રાહુલકુમાર કિશોરભાઈ રેવર (898) અને ઓમ પટેલ (945) એ યુપીએસસીમાં સફળતા મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.