Tue Aug 18 2026

Logo

સિનેમાઘરોમાં લાગશે મનોરંજનનો મેળો: 7 ઓગસ્ટે એકસાથે રિલીઝ થશે આ 6 શાનદાર ફિલ્મો!

2026-08-03 20:35:00
Author: Devayat Khatana
Article Image

મુંબઈ: વરસાદની સીઝન અને તહેવારોનો મહિનો ઓગષ્ટ ફિલ્મ રસિયાઓ માટે પણ રંગીન બની રહેવાનો છે. કારણ કે 7 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. થિયેટરોમાં એકસાથે ઘણી નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. સાઉથ અને બોલિવૂડથી લઈને પંજાબી સિનેમા સુધી, ચાહકોને અલગ-અલગ ભાષા અને જોનરની (પ્રકારની) ફિલ્મો જોવા મળશે. ચાલો જાણીએ ૭ ઓગસ્ટે રિલીઝ થનારી આ શાનદાર ફિલ્મો વિશે:

જી ડી એન

આ ફિલ્મમાં આર. માધવન 'ભારતના એડિસન' કહેવાતા જી.ડી. નાયડુની ભૂમિકામાં જોવા મળશે. તેમના સિવાય ફિલ્મમાં પ્રિયામણિ, જયરામ અને સત્યરાજ જેવા સ્ટાર્સ પણ મહત્વના રોલમાં છે. કૃષ્ણકુમાર રામકુમાર દ્વારા નિર્દેશિત આ બાયોપિક અગાઉ ૧૭ જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે ૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે.

ડીસી

આ એક તમિલ રોમેન્ટિક એક્શન ફિલ્મ છે, જેમાં લોકેશ કનગરાજ અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. અરુણ મથેસ્વરનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું સંગીત જાણીતા મ્યુઝિક ડિરેક્ટર અનિરુદ્ધે આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વામિકા અગાઉ 'પતિ પત્ની ઔર વો દો' માં આયુષ્માન ખુરાના, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન સાથે જોવા મળી હતી.

ઓહ માય ડોગ

અભિનેતા પંકજ ત્રિપાઠી સ્ટારર આ ફિલ્મની વાર્તા એકદમ અલગ છે, જેમાં એક શ્વાન (ડોગ) પર કેન્દ્રિત કરવામાં આવી છે. અમિત રાય દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ પણ ૭ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.


આર્યભટ્ટ કા ઝીરો

આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. કમલ ચંદ્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હિમાંશ કોહલી, રવિ કિશન, સોનાલી સહેગલ અને શિલ્પા શિંદે જેવા કલાકારો જોવા મળશે. રવિ કિશનને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે.

ધ ગ્રેટ પંજાબ રોબરી

આ ૭ ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી પંજાબી ફિલ્મ છે, જેના દ્વારા શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા મુખ્ય અભિનેતા તરીકે પડદા પર જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે પાયલ રાજપૂત છે. સૌરભ વર્મા દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મનું પ્રમોશન રાજ કુંદ્રા જોરશોરથી કરી રહ્યા છે.

યાર જિગરી કસૂતી ડિગ્રી- ધ ફિલ્મ

આ પણ એક પંજાબી કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન રબ્બી તિવાનાએ કર્યું છે. કોલેજના મિત્રોના રી-યુનિયનની વાર્તા દર્શાવતી આ ફિલ્મમાં પુખરાજ ભલ્લા, અમૃત અંબી, હસનીન ચૌહાણ અને પવન જોહલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.