Sat Sep 05 2026

Logo

ઉન્નાવ રેપ કેસ: પૂર્વ ભાજપ MLA કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો,  હાઈકોર્ટનો આ આદેશ રદ!

2026-05-15 14:18:00
Author: Savan Zalariya
ઉન્નાવ રેપ કેસ: પૂર્વ ભાજપ MLA કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો,  હાઈકોર્ટનો આ આદેશ રદ!

નવી દિલ્હી: 2017 માં ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત ભાજપના પૂર્વ વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોયમલ્યા બાગચીએ કહ્યું, "અમે હાઈકોર્ટના હાઇપર-ટેકનિકલ નિષ્કર્ષ સમર્થન નથી આપતા કે POCSO હેઠળ વિધાનસભ્ય જાહેર સેવક નથી." 

સુપ્રીમ કોર્ટે કેસના મેરીટ અંગે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને બે મહિનામાં મુખ્ય અપીલ અંગે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

કુલદીપ સિંહ સેંગર ઉત્તર પ્રદેશની બાંગરમાઉ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા, ત્યારે તેમના પર એક સગીરા પર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતાં, ચુકાદા સામે અપીલ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતાં, જેને કારણે હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુક્યો હતો હતો, હવે આ આદેશ રદ કરવામાં આવ્યો છે.

હાઈ કોર્ટનો તર્ક:
કુલદીપ સિંહ સેંગરને જામીન આપતા હાઈકોર્ટે તર્ક આપ્યો હતો કે તે સમયે તેમનો દરજ્જો એક વિધાન સભ્યનો હતો, નીચલી અદાલત દ્વારા તેમને 'જાહેર સેવક' ગણવામાં આવ્યા ના હતાં. ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદ અને ન્યાયાધીશ હરીશ વૈદ્યનાથનની બેન્ચે એમ પણ કહ્યું કે આ કેસમાં બાળ જાતીય ગુના વિરોધી કાયદો POCSO લાગુ કરી શકાય નહીં. હાઈ કોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધી તેમણે સાડા સાત વર્ષ જેલમાં પસાર કર્યા છે, જે કાયદા દ્વારા નિર્ધારિત "ન્યૂનતમ સંખ્યા કરતાં વધુ" છે. 

પરિણામે કુલદીપ સેંગરને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો; દિલ્હી હાઈ કોર્ટના આ આદેશની વ્યાપકપણે ટીકા કરવામાં આવી હતી.