હેં... ખરેખર! - પ્રફુલ શાહ
હરિ = વિષ્ણુ
હર = શિવ
ઈશ્વર = પરમેશ્વર.
આ ત્રણેય શબ્દથી બનતા હરિહરેશ્વર જેવું નામ ધરાવતું એક અનોખું, વિશિષ્ટ મંદિર છે મહારાષ્ટ્રના રાયગડમાં. શ્રીવર્ધન તાલુકામાં આવેલું પ્રાચીન હરિહરેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. આ મંદિર કોણે અને ક્યારે બનાવ્યું એની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. હા, મંદિર કેટલું જૂનું છે તેની સ્થાપના-તારીખ નિશ્ચિત નથી. મંદિરની આસપાસનો પ્રદક્ષિણા માર્ગ ચંદ્રરાવ મોરેએ બનાવ્યો હોવાનું પણ જણાવાય છે. પણ મહારાષ્ટ્ર સરકારના રાયગડ જિલ્લા પોર્ટલ મુજબ, આ મંદિરને પેશવા પરિવારના કુલદેવતા માનવામાં આવતું હતું અને તેનો જીર્ણોદ્ધાર 1723માં પેશવાઓએ જ કરાવ્યો હતો.
હરિહરેશ્વર મંદિર નામ કેમ પડ્યું? અહિયા `હરિ' એટલે ભગવાન વિષ્ણુ અને `હર' એટલે ભગવાન શિવ બંને છે. મુખ્ય મંદિર સાથે કાળભૈરવ અને યોગેશ્વરી દેવીનાં મંદિરો પણ છે. હરિહરેશ્વરના દર્શન પહેલાં કાળભૈરવના દર્શન કરવાની પરંપરાગત માન્યતા છે.
હરિહરેશ્વરની સૌથી મોટી વિશેષતા એ છે કે મંદિર અરબી સમુદ્રના કિનારે અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચોવચ છે. અહીંની પરંપરાગત પ્રદક્ષિણા કરવા માટે પર્વત, ખડકો અને દરિયાકિનારા પાસેથી પસાર થવું પડે છે. ઘણાં સ્થળોએ પથ્થરની સીડીઓથી નીચે ઊતરવું પડે છે. આ પ્રદક્ષિણાને સામાન્ય રીતે `કોશી/કોશ પ્રદક્ષિણા' તરીકે ઓળખવામાં આવે છે. જોકે પ્રદક્ષિણા કરતી વખતે દરિયાની સ્થિતિ એટલે કે ભરતી-ઓટને ધ્યાનમાં રાખવી પડે છે.
હરિહરેશ્વર ક્ષેત્રનાં મુખ્ય ધાર્મિક સ્થળોમાં હરિહરેશ્વર મંદિર, કાળભૈરવ મંદિર, યોગેશ્વરી દેવી મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, હનુમાન મંદિર ઉપરાંત સમુદ્ર કિનારાનાં વિવિધ તીર્થસ્થાનો છે.
ભક્તિ અને શ્રદ્ધા સાથે અહીં મન-મસ્તિષ્ક પ્રસન્ન થઈ જાય એવું પ્રકૃતિનું ભારોભાર અદ્ભુત સૌંદર્ય છે. એક રસપ્રદ સંયોજન છે અહીં. ધાર્મિક વાતાવરણ અને દરિયાકાંઠાની ભૌગોલિક રચના એવી છે કે મંદિર, પર્વત અને સમુદ્ર ત્રણેય એક જ યાત્રાનો ભાગ બની જાય છે. તેથી હરિહરેશ્વર માત્ર `મંદિર દર્શન' નહીં, પરંતુ એક સંપૂર્ણ અને અનોખો આધ્યાત્મિક-પ્રાકૃતિક અનુભવ બની રહે છે.
એક બાજુ સાવિત્રી નદીનું મુખ છે તો બીજી તરફ અરબી સમુદ્ર, આસપાસની ટેકરીઓ, નાળિયેર-સોપારીનાં વૃક્ષો અને ખડકાળ દરિયાકિનારો. આ સંગમ તેને ધાર્મિક સાથે પર્યટન સ્થળ બનાવે છે. હરિહરેશ્વર, શ્રીવર્ધન અને દિવેઆગર મળીને લોકપ્રિય કોંકણ પ્રવાસ પટ્ટો બને છે.
આ એકદમ હટકે હરિહરેશ્વર સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ અત્યંત રસપ્રદ છે. (ક્રમશ:)