મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના દિવંગત નેતા વસંત ડાવખરે દ્વારા 2009માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કલ્યાણની કોર્ટે 17 વર્ષ બાદ શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આ કેસમાંથી નિર્દોષ મુક્ત કર્યા છે.
કલ્યાણની કોર્ટે પૂરતા પુરાવાના અભાવે ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે ઉપરાંત ભૂતપૂર્વ સાંસદ આનંદ પરાંજપે અને દિવંગત ભૂતપૂર્વ નગરસેવક રાજેન્દ્ર દેવળેકરને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ 2009ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કથિત સીડી (વીડિયો) જાહેરમાં બતાવવાના મામલાને લઈને હતો.
2009માં કલ્યાણ લોકસભા બેઠક પરથી અવિભાજિત એનસીપી તરફથી વસંત ડાવખરે અને તે સમયની અવિભાજિત શિવસેના તરફથી આનંદ પરાંજપે ચૂંટણી મેદાનમાં હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં ડાવખરે સાથે સંબંધિત કથિત વીડિયો સીડી જાહેરમાં બતાવવામાં આવી હોવાનો આરોપ હતો.
ત્યાર બાદ ડાવખરેએ આ વીડિયોને પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારો ગણાવી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તે સમયે ઉદ્ધવ ઠાકરે અવિભાજિત શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ હતા. આ કેસમાં એકનાથ શિંદે, આનંદ પરાંજપે અને સભાના આયોજક રાજેન્દ્ર દેવળેકરને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં આનંદ પરાંજપે વિજેતા બન્યા હતા.
ડાવખરેનો આરોપ હતો કે તેમના સંબંધિત વીડિયો સીડીમાં કથિત રીતે એડિટિંગ અથવા ફેરફાર કરીને તેમની જાહેર છબીને નુકસાન પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, તે સમયે શિવસેના તરફથી વીડિયોને અસલી ગણાવવામાં આવ્યો હતો અને ડાવખરે વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
લગભગ 17 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 20થી વધુ સાક્ષીના નિવેદન નોંધવામાં આવ્યા હતા, તેમાં રાજકીય કાર્યકરો, પક્ષના હોદ્દેદારો, સભાસ્થળે તૈનાત પોલીસકર્મીઓ, આયોજકો અને તપાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેનાં નિવેદનો પણ કોર્ટમાં નોંધવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા.
બચાવ પક્ષે સીડીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા
સુનાવણી દરમિયાન બચાવ પક્ષે કથિત સીડી, તેના રેકોર્ડિંગ, ફોરેન્સિક રિપોર્ટ તેમ જ તપાસની પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. બચાવ પક્ષનો દાવો હતો કે આરોપીઓને કથિત સીડી સાથે જોડતો કોઈ નક્કર અને સીધો પુરાવો સામે આવ્યો નથી.
કોર્ટે કેસમાં રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું કે આરોપ સાબિત કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. ત્યારબાદ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા
શરદ પવારના નજીકના સાથી હતા વસંત ડાવખરે
વસંત ડાવખરે એનસીપીના દિગ્ગજ નેતા હતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. તેમને એનસીપીના વડા શરદ પવારના નજીકના અને વિશ્વાસુ સાથીદાર માનવામાં આવતા હતા.
જાન્યુઆરી 2018માં મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં 68 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા. તેમના નિધન બાદ પણ આ કેસ કોર્ટમાં વિચારાધીન રહ્યો હતો. હવે 17 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે.