મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકે ચાર્જ સંભાળતાં જ કડક અને ઈમાનદાર છબી ધરાવતા આઈએએસ અધિકારી તુકારામ મુંઢે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. જાહેર આરોગ્ય અને યુવા પેઢીના હિતને ધ્યાનમાં રાખીને તેમણે ગુટખા, પાન મસાલા અને સરોગેટ તમાકુ ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો કરનારા બોલીવૂડ સુપરસ્ટાર્સ અને સેલિબ્રિટીઝ સામે કડક કાનૂની મોરચો ખોલ્યો છે અને તેમણે આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની એ સ્પીચનો સહારો લીધો છે જેમાં તેઓ લોકપ્રિય ફિલ્મ સેલેબ્સને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ઉત્પાદનોનો પ્રચાર નહીં કરવાની અપીલ કરે છે.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરીને તુકારામ મુંઢેએ લખ્યું હતું કે કોઈ પણ વ્યક્તિનો પ્રભાવ તેને કાનુનથી પર નથી બનાવી દેતો. તેમણે એવું પણ જણાવ્યું કે કલાકારોને પણ અન્ય નાગરિકોની જેમ કાયદાનું સન્માન કરવું જોઈએ અને એવા ઉત્પાદનો, વ્યવહારો કે આદતોનો પ્રસાચ કરવાની જવાબદારી સમજવી જોઈએ, જે સામાન્ય નાગરિકોના નિર્ણયો અને પસંદને પ્રભાવિત કરે છે.
મહારાષ્ટ્ર એફડીએ દ્વારા બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન, અજય દેવગણ સહિતના અગ્રણી કલાકારો અને તમાકુ-પાન મસાલા ઉત્પાદક કંપનીઓને ઓફિશિયલ નોટિસ ફટકારીને તેમને કડક ખુલાસો માંગવામાં આવ્યો છે.
પદભાર સંભાળ્યા બાદ તુકારામ મુંઢેએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે પ્રતિબંધિત તમાકુ અને પાન મસાલાના વેચાણ તેમ જ પ્રમોશન સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ સહન કરવામાં આવશે નહીં. ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં કંપનીઓ ઈલાયચી કે માઉથ ફ્રેશનરના નામે સરોગેટ જાહેરાતો ચલાવીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આવી જાહેરાતોમાં મોટો ચહેરો બનીને સામે આવતા સેલેબ્રિટીઓ સામે હવે સીધી કાયદાકીય કાર્યવાહીની હાથ ધરવામાં આવી રહી છે.
શાહરૂખ, અજય દેવગણ સહિતના સેલિબ્રિટીઝને નોટિસ:
એફડીએ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં સેલિબ્રિટીઝને પૂછવામાં આવ્યું છે કે પ્રતિબંધિત અને હાનિકારક ઉત્પાદનો સાથે સંકળાયેલી બ્રાન્ડ્સનું પ્રમોશન કયા નિયમો હેઠળ કરવામાં આવી રહ્યું છે? નિયમોનું ઉલ્લંઘન કરનારા સેલેબ્રિટીઝ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) તેમ જ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ દંડ અને કાનૂની કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહારાષ્ટ્રભરમાં ગેરકાયદે ગુટખા માફિયાઓ સામે દરોડા:
અત્રે ઉલ્લેખનીય છે કે તુકારામ મુંઢેના આદેશ બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટખા અને પાન મસાલાનું નેટવર્ક ચલાવતા વ્યાપારીઓ અને ગોડાઉનો પર એફડીએ ટીમો દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો પ્રતિબંધિત માલ જપ્ત કરીને ફેક્ટરીઓ સીલ કરવામાં આવી રહી છે, જેનાથી તમાકુ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.