અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વહેલી સવારે એક ચોંકાવનારી જાહેરાત કરીને વિશ્વભરના રાજદ્વારીઓને વિચારતા કરી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ગ્રીનલેન્ડમાં એક અત્યાધુનિક 'હોસ્પિટલ શિપ' મોકલી રહ્યું છે. વ્હાઈટ હાઉસમાં રિપબ્લિકન ગવર્નરો માટે યોજાયેલા ડિનર પહેલા ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. આ પગલાને ગ્રીનલેન્ડ સાથેના સંબંધો સુધારવા અથવા તો ત્યાં પોતાની હાજરી મજબૂત કરવાના અમેરિકી પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે, “લુઈસિયાનાના શાનદાર ગવર્નર જેફ લેન્ડ્રીના સહયોગથી અમે ગ્રીનલેન્ડમાં એક ભવ્ય હોસ્પિટલ શિપ મોકલી રહ્યા છીએ. આ જહાજ ત્યાના એવા બીમાર લોકોની સારવાર કરશે જેમની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી રહી નથી. તે રવાના થઈ ચૂક્યું છે!" જોકે, આ જાહેરાત બાદ હજુ સુધી વ્હાઈટ હાઉસ કે લુઇસિયાનાના ગવર્નર કાર્યાલય દ્વારા કોઈ વિસ્તૃત સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જેને કારણે આ મિશનના હેતુ અંગે અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.
ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે ડેનમાર્ક અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ગયા અઠવાડિયે જ ડેનમાર્કના કિંગ ફ્રેડરિકે ગ્રીનલેન્ડની મુલાકાત લીધી હતી, જેને ટ્રમ્પના 'ગ્રીનલેન્ડ ખરીદવાના' નિવેદન સામે ડેનમાર્કની એકજૂથતાના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં અમેરિકાનું હોસ્પિટલ શિપ ત્યાં મોકલવું એ બંને દેશોના સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે.
અમેરિકા પાસે અત્યારે બે વિશાળ હોસ્પિટલ જહાજો છે - USNS મેર્સી અને USNS કમ્ફર્ટ. જોકે, આ બંનેમાંથી કોઈ પણ હાલમાં લુઇસિયાનામાં તૈનાત નથી, જે ટ્રમ્પની જાહેરાત પર વધુ સવાલો ઉભા કરે છે. બીજી તરફ, ડેનમાર્કના જોઈન્ટ આર્કટિક કમાન્ડે તાજેતરમાં જ ગ્રીનલેન્ડની રાજધાની નૂક પાસે એક અમેરિકી સબમરીનના ક્રૂ મેમ્બરને ઈમરજન્સી સારવાર માટે બહાર કાઢ્યો હતો. ટ્રમ્પની આ જાહેરાત આ ઘટના સાથે જોડાયેલી છે કે તે કોઈ મોટું વ્યૂહાત્મક પગલું છે, તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.