Mon Oct 05 2026

Logo

મોબાઈલ યુઝર્સ માટે ખુશખબર! TRAI ના નવા નિયમથી રિચાર્જ થશે સસ્તા, જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતા નહીં કે...

2026-09-28 17:13:41
Author: Darshana Visaria
મોબાઈલ યુઝર્સ માટે ખુશખબર! TRAI ના નવા નિયમથી રિચાર્જ થશે સસ્તા, જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતા નહીં કે...

દેશભરના કરોડો મોબાઈલ યુઝર્સ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા અત્યંત રાહતજનક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાઈએ પ્રીપેડ ગ્રાહકો માટે રિચાર્જ પ્લાનના નવા નિયમો જાહેર કર્યા છે, જેનો સીધો ફાયદો એવા ગ્રાહકોને મળશે જેમને મોબાઈલ ડેટા (ઇન્ટરનેટ)ની જરૂર હોતી નથી અથવા ખૂબ ઓછી હોય છે. 

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના આ નવા નિયમોને કારણે રિલાયન્સ જિઓ, એરટેલઅને વોડાફોન આઈડિયા (Vi) જેવી તમામ મોટી ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોમાં મોટા ફેરફારો કરવા પડશે. હવે યુઝર્સે બિનજરૂરી ડેટા માટે વધારાના પૈસા ચૂકવવાની ફરજ નહીં પડે, સાથે જ દર મહિને એક જ તારીખે રિચાર્જ રિન્યુ કરવાની સુવિધા પણ મળશે.

હવે વોઈસ અને એસએમએસ ઓનલી સસ્તા પ્લાન આપવા ફરજિયાત:

જો કોઈ ટેલિકોમ કંપની 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટીવાળો એવો પ્લાન આપે છે જેમાં કોલિંગ, SMS અને ડેટા ત્રણેય સામેલ હોય, તો તેમણે તેટલા જ સમયગાળા માટે ફક્ત વોઈસ અને એસએમએસ ઓનલી પ્લાન પણ આપવો પડશે. આ પ્લાનમાં મોબાઈલ ડેટા સામેલ નહીં હોય, જેથી તેની કિંમત રેગ્યુલર બંડલ પ્લાન કરતાં સ્પષ્ટપણે ઓછી રાખવી પડશે. જે લોકો માત્ર વાતચીત કરવા કે સાદો ફોન વાપરવા માટે સિમકાર્ડ એક્ટિવ રાખે છે, તેમને હવે મોંઘા ડેટા પ્લાન લેવાની જરૂર નહીં પડે.

દર મહિને એક જ તારીખે રિચાર્જ રિન્યુ થશે:

ટેલિકોમ કંપનીઓએ ઓછામાં ઓછો એક એવો વોઈસ અને એસએમએસ ઓનલી પ્લાન આપવો પડશે જે દર મહિને નિર્ધારિત તારીખે જ રિન્યુ થાય. જો કોઈ મહિનામાં તે તારીખ ન આવતી હોય (જેમ કે ફેબ્રુઆરી કે 31 તારીખ), તો તે પ્લાન મહિનાના છેલ્લા દિવસે આપોઆપ રિન્યુ ગણાશે.

28 દિવસના ચક્કરમાંથી મુક્તિ અને 30 દિવસની વેલિડિટી:

સામાન્ય રીતે ટેલિકોમ કંપનીઓ 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન આપે છે, જેના કારણે ગ્રાહકોએ વર્ષના 12 મહિનામાં 13 વખત રિચાર્જ કરાવવું પડતું હતું. નવા નિયમો હેઠળ 30 દિવસની ચોક્કસ વેલિડિટી ધરાવતા રિચાર્જ પ્લાનને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી ગ્રાહકો માટે હિસાબ સરળ બનશે.

લાંબી વેલિડિટી વાળા Voice-SMS પ્લાન પણ મળશે:

TRAI એ માત્ર માસિક જ નહીં, પરંતુ લાંબી વેલિડિટી (જેમ કે 84 દિવસ કે વાર્ષિક) ધરાવતા ડેટા પ્લાનની સામે સમકક્ષ લાંબી અવધિવાળા Voice અને SMS-only પ્લાન પણ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે. માર્કેટમાં આવા લિમિટેડ ઓપ્શન્સ હોવાને કારણે ઓછા બજેટવાળા ગ્રાહકોના હિતમાં આ માળખું ફરજિયાત કરવામાં આવ્યું છે.

Jio, Airtel અને Vi યુઝર્સે શું કરવું પડશે?

ગ્રાહકોએ હાલમાં કોઈ વધારાની પ્રોસેસ કરવાની જરૂર નથી. ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં પોતાની એપ અને ઓફિશિયલ વેબસાઇટ પર આ નવા સસ્તા Voice-SMS અને 30-દિવસીય પ્લાન્સ લિસ્ટ કરશે. રિચાર્જ કરાવતા પહેલાં યુઝર્સે પોતાના વપરાશ મુજબ યોગ્ય પ્લાનની વિગતો ચકાસીને પસંદગી કરવી સલાહભર્યું રહેશે.