ઉત્તરાખંડમાં ચારધામની પવિત્ર યાત્રાએ ગયેલા માધાપરના ભાનુશાલી પરિવાર પર કુદરત રૂઠી હોય તેવી અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. કેદારનાથ માર્ગ પર અચાનક સર્જાયેલા ભારે ભૂસ્ખલન દરમિયાન ભેખડ ધસી પડતાં માધાપરના ૨૯ વર્ષીય આશાસ્પદ યુવાન રાજેશ રમેશભાઈ ગજરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અણધારી આફતથી સમગ્ર ભાનુશાલી સમાજ સહિત પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પરિવાર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, માધાપર નવાવાસ ગોકુલધામ-૧ પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મૂળ ધુણઈ ગામના વતની રમેશભાઈ નરશીભાઈ ગજરા પોતાના પત્ની, પુત્ર રાજેશ, પુત્રી અને પુત્રવધૂ સહિતના પરિવારજનો સાથે ઉત્તરાખંડની ચારધામ યાત્રાએ ગયા હતા. બે દિવસ પૂર્વે કેદારનાથ નજીકથી પસાર થતી વેળાએ પહાડ પરથી ભેખડ અચાનક ધસી પડી હતી. જેમાં ૨૯ વર્ષીય યુવાન પુત્ર રાજેશ દબાઈ જતાં તેનું મોત થયું હતું. પરિવારની નજર સામે જ જુવાનજોધ પુત્ર છીનવાઈ જતાં સ્વજનો પર આભ તૂટી પડ્યું હતું.
દુર્ઘટના બાદ ઉત્તરાખંડના શ્રીનગર ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ કરુણ બનાવ અંગે કચ્છમાં રહેતા પરિજનોને જાણ થતાં ભારે અરેરાટી પ્રસરી હતી. પરિજનો, મિત્રવર્તુળ તેમજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના સંકલન અને પ્રયાસોથી રાજેશના પાર્થિવ દેહને વતન માધાપર લાવવામાં આવ્યો હતો. રાત્રિના સુમારે માધાપર ખાતેથી તેની અંતિમયાત્રા નીકળી હતી જેમાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયાં હતાં.
બીજી તરફ, અબડાસા તાલુકાના મોટી વમોટી ગામની સીમમાં આવેલી વાડીમાં ૨૭ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૂળ નખત્રાણા તાલુકાના નાના કાદિયાના વતની અને હાલ મોટી વમોટીમાં પરેશભાઈ વેલજીભાઈ ભાનુશાલીની વાડીમાં રહીને ખેતમજૂરી કરતા વસંતકુમાર લખુભાઈ પારાધીના પત્ની રમીલાબેન (ઉં.વ. ૨૭)એ ગત તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સુમારે ઘરની બહાર પડેલી મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા કોઈ અગમ્ય કારણોસર પી લીધી હતી. ઝેરી અસર થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. બનાવ સંદર્ભે મૃતકના પતિ વસંતકુમારે નલિયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી પરિણીતાના આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)