Sun Aug 23 2026

Logo

ટોચની 10 કંપનીઓ પૈકી નવના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 2.51 લાખ કરોડનો ઉછાળો

2026-08-02 19:56:01
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત સપ્તાહ દરમિયાન સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સપ્તાહના અંતે દેશની ટોચની 10 કંપનીઓ પૈકી નવ કંપનીઓનાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 2.51 લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો, જેમાં બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 2.67 ટકા અથવા તો 2034.87 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 2.59 ટકાનો અથવા તો 616.15 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો. 

એકંદરે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાવાની સાથે વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નવેસરથી લેવાલી નીકળતાં સ્થાનિક ક્ક્વિટી માર્કેટમાં મજબૂત રિબાઉન્ડ જોવા મળ્યું હોવાનું રેલિગેર બ્રોકિંગ લિ.નાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું. 

સપ્તાહ દરમિયાન મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો અને લાઈફ ઈન્સ્ટોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનાં માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટકેપ)માં વધારો થયો હતો, જ્યારે એકમાત્ર હિન્દુસ્તાન યુનીલિવરના માર્કેટકેપમાં ઘટાડો થયો હતો. 

સપ્તાહનાં અંતે ટોચની 10 કંપનીઓ પૈકી બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ સૌથી વધુ રૂ. 80,345.97 કરોડ વધીને રૂ. 7,10,817.51 કરોડની સપાટીએ રહ્યું હતું. નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી) બજાજ ફાઈનાન્સે જાહેર કરેલાં પરિણામોમાં કંપનીનો પહેલા ત્રિમાસિકગાળાનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 28 ટકા વધીને આવ્યો હોવાના અહેવાલે ગત શુક્રવારે કંપનીનાં શૅરના ભાવમાં આઠ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. 

વધુમાં સપ્તાહના અંતે ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 44,959.5 કરોડ વધીને રૂ. 12,30,005.63 કરોડની સપાટીએ, ટીસીએસનું માર્કેટકેપ રૂ. 40,414.03 કરોડ વધીને રૂ. 8,55,894.78 કરોડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 39,447.35 કરોડ, લાર્સન ઍન્ડ ટૂબ્રોનું માર્કેટકેપ રૂ. 21,096.8 કરોડ વધીને રૂ. 5,41,844.69 કરોડ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 10,845.97 કરોડ વધીને રૂ. 9,47,799.81 કરોડ, એચડીએફસી બૅન્કનું માર્કેટકેપ રૂ. 8164.73 કરોડ વધીને રૂ. 11,52,150.63 કરોડ, એલઆઈસીનું માર્કેટકેપ રૂ. 4427.49 કરોડ વધીને રૂ. 5,37,435.05 કરોડ અને આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. 1660.37 કરોડ વધીને રૂ. 10,29,878.30 કરોડની સપાટીએ રહ્યું હતું. 

જોકે, સપ્તાહ દરમિયાન હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટકેપ રૂ. 10,326.46 કરોડ ઘટીને રૂ. 4,93,602.13 કરોડની સપાટીએ રહ્યું હતું. તેમ જ સપ્તાહના અંતે માર્કેટ વૅલ્યૂએશનની દૃષ્ટિએ ટોચનું વૅલ્યૂએશન ધરાવતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રહી હતી. ત્યાર બાદ અનુક્રમે ભારતી એરટેલ લિ., એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, એલઆઈસી અને હિન્દુસ્તાન યુનીલિવર રહી હતી.