શ્રીલેખા યાજ્ઞિક
ટીંડોળાના સ્વાસ્થ્યવર્ધક ગુણ
ડાયાબિટીસની સમસ્યામાં લાભકારી
ટીંડોળામાં ડાયેટરી ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જેથી લોહીમાં શર્કરાની માત્રા ઝડપથી વધી જતી નથી. નિયમિત સપ્તાહમાં 2-3 વખત ટીંડોળાનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની વ્યાધિથી ધીમેધીમે પરંતુ નિશ્ર્ચિત સમયમાં રાહત મેળવી શકાય છે.
ટીંડોળાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાને કારણે લોહીમાં શર્કરાની માત્રા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. વળી શરીરમાં પૂર્ણ દિવસ શક્તિ જળવાઈ રહેતી હોય છે.
પાચન તંત્ર મજબૂત બનાવવામાં મદદ કરે છે
નિયમિત રૂપે ટિંડોળાનું સેવન કરવાથી કબજિયાતની તકલીફથી રાહત મેળવી શકાય છે. અનેક વ્યક્તિ એવી જોવા મળે છે, જેમને સપ્રમાણ માત્રામાં ભોજન ર્ક્યા બાદપણ અપચો, આફરો ચડવો, ખાટા ઓડકાર આવવાં જેવી સમસ્યા રહેતી હોય છે.
રેસાવાળાં આહારનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. શરીરમાંથી વિષાણુયુક્ત પદાર્થ મળ વાટે તેમજ મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. પેટ સંબંધિત તકલીફથી રાહત મેળવી શકાય છે.
હાડકાંને મજબૂત બનાવે છે
ઘીલોડામાં સારી માત્રામાં કૅલ્શ્યિમ, આયર્ન તેમજ વિટામિન સીનું પ્રમાણ હોય છે. જે હાંડકાં તેમજ દાંતની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. વધતી વય સાથે હાડકાં પોલા બનતાં જાય છે. થોડું વાગ્યું કે અચાનક પડી જવાથી હાડકાંને વધુ નુકસાન થાય છે. જો તેનાથી બચવું હોય તો ટીંડોળાનું સેવન આહારમાં અવશ્ય કરવું જોઈએ.
શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ
વારંવાર જો તીખું-તળેલું કે બહારનું મસાલેદાર ભોજન આરોગવામાં આવે તો પેટમાં ગંદકી જમા થવા લાગે છે. પેટમાં ભરાયેલી ગંદકીને કારણે વ્યક્તિ સતત માનસિક તાણ અનુભવે છે. ટિંડોળાનું સેવન કરવાથી પેટમાં રહેલી ગંદકી મળ-મૂત્ર દ્વારા બહાર ફેંકાઈ જાય છે.
કિડની તેમજ લીવરની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી ગણાય છે. કેમ કે ટિંડોળાનું સેવન નિયમિત માત્રામાં કરવાથી શરીર સ્વચ્છ રહે છે. વ્યક્તિને તાજગી આપે છે. તેમજ શરીર સ્ફૂર્તિલું બનાવે છે.
લીલાછમ શાકભાજી ખાવાની એક આગવી મજા હોય છે. તાજા શાકભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. કેમ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબરની સાથે વિવિધ પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો હોય છે. લીલા-લીલા...તાજા તાજા ટીંડોળા એક એવું સ્વાદિષ્ટ શાક છે જેનો ઉપયોગ લગ્ન-સમારંભ હોય કે કથા વાંચન વખતે યોજવામાં આવતો ભંડારો હોય, તેમાં અચૂક વિવિધ રીતે પીરસવામાં આવે છે.
ટીંડોળાને ભારતની વિવિધ ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં બિમ્બી, તુણ્ડી, કટુતુડ્કિા. હિન્દીમાં કન્દૂરી કે કન્દૂરુ, આસામીમાં કુન્ડુલી, કોંકણીમાં તેન્દુલેમ, તમિળમાં કોવક્ક્ઈ કે કોવાડ, ગુજરાતીમાં ટીંડોળા કે ઘીલોડા, બંગાળીમાં તેલકૂચા, પંજાબીમાં ઘોલ કે ક્ધદૂરી, મરાઠીમાં તોંડલી કે ટિંડલી, કે આઈવી લૌકી, તેલુગુમાં ડોન્ડાકાયા મલયાલીમાં કવેલ કે કોવા તરીકે જાણીતાં છે.
ટીંડોળા વેલમાં ઊગતું શાક ગણાય છે. તેની વેલ કોઈપણ વૃક્ષ-ઝાડી ઉપર ઝડપથી ફેલાઈ જતી હોય છે. થાઈલૅન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયામાં તે અતિલોકપ્રિય શાક છે. ભારત-પાકિસ્તાનમાં પણ તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તેથી જ તેની ખેતી મોટા પ્રમાણમાં ભારતમાં થતી જોવા મળે છે.
આયુર્વેદમાં ટિંડોળાના અઢળક ગુણો દર્શાવવામાં આવ્યા છે . જેમ કે કફ-પિત્ત નાશક હોવાની સાથે ત્વચા રોગમાં ગુણકારી ગણાય છે. જીભ ઉપર છાલા પડી જતાં હોય તેમને માટે ટીંડોળાનું સેવન લાભકારક ગણાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ટીંડોળા અત્યંત ફાયદાકારક ગણાય છે.
ટીંડોળાનું મહારાષ્ટ્રીયન શાક :
સામગ્રી : 500 ગ્રામ ટીંડોળા, 2 નંગ ઝીણાં સમારેલાં કાંદા, 2 નંગ ઝીણા સમારેલાં ટમેટા, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી હળદર પાઉડર, 2 નાની ચમચી ધાણાજીરું પાઉડર, ચપટી હીંગ઼, 1 નાની ચમચી વરિયાળી પાઉડર,1 નાની ચમચી આદુ-મરચાં ની પેસ્ટ, 2 નાની ચમચી સિંગદાણાનો પાઉડર, 1 નાની ચમચી કોપરાનું છીણ 1 નાની ચમચી તલ, 1 નાની ચમચી આખા ધાણા, ચપટી હિંગ, 1 ચમચી ખાંડ, અડધી ચમચી આમચૂર પાઉડર, 1 ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ
બનાવવાની રીત:
સૌ પ્રથમ ટીંડોળાને એક સમાન આકારમાં કાપી લેવાં. 2 ચમચી તેલ મૂકીને જીરાનો વધાર કરવો. તેમાં અડદની દાળ. ચણાની દાળ ધીમે તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ ચપટી હિંગ ભેળવવી. કાંદા સાંતળવા. ટમેટાને ભેળવીને 2 મિનિટ હલાવવું. ત્યારબાદ ટીંડોળાં ભેળવવાં. ટીંડોળા થોડા બફાઈ જાય ત્યારબાદ તેમાં વરિયાળી,આદુ-મરચાંની પેસ્ટ, સિંગદાણાનો પાઉડર ભેળવવો. કોપરૂ તેમજ તલ ભેળવીને બરાબર હલાવી લેવું. આખા ધાણા તેમજ ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું ભેળવીને શાક પકાવવું. શાક બરાબર પાકી જાય ત્યારબાદ તેમાં ગરમ મસાલો તેમજ કોથમીરથી સજાવીને રોટલી કે ગરમાગરમ પરાઠા સાથે પીરસવું.
વજન ઘટાડવામાં ગુણકારી
ટીંડોળામાં કૅલરીની માત્રા ઓછી હોય છે. જેથી તેનું સેવન કરવાથી વજન વધી જવાની ચિંતા રહેતી નથી. ટિંડોળાને વિવિધ રીતે બનાવીને ખાઈ શકાય છે. જેમ કે તેનું કચુંબર બનાવી શકાય છે. તેનો સંભારો બનાવી શકાય છે.તેને થોડા કચરીને લસણ સાથે મરી -મીઠું ભેળવીને બનાવવાથી સ્વાદિષ્ટ લાગે છે. ભરેલાં ટીંડોળા બની શકે છે.
મર્યાદિત માત્રામાં ટીંડોળાનું સેવન કરવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે. તેમજ પોષણ માટે આવશ્યક પોષક તત્ત્વો મળી રહે છે. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં સમાયેલું ડાયેટરી ફાઈબર ભૂખને લાંબા સમય સુધી નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ટીંડોળા એક એવી લીલોતરી છે જેનો આહારમાં ઉપયોગ ર્ક્યા બાદ શરીરને આવશ્યક પોષક તત્ત્વો મળી રહે છે. તેના સેવન બાદ આફરો ચડવો કે છાતીમાં બળતરાની તકલીફ જોવા મળતી નથી. લાંબા ગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે.