Mon Aug 17 2026

Logo

ઈરાનના હુમલાનો હતો ખતરો, ટ્રમ્પને તુર્કીયેમાંથી બહાર લઈ જવા ચલાવાયું સિક્રેટ મિશન

Washington dc   2026-08-11 22:33:42
Author: Mumbai Samachar Team
Article Image

REUTERS/Elizabeth Frantz


વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા અંગે એક ચોંકાવનારી જાણકારી પ્રકાશમાં આવી છે. રિપોર્ટ અનુસાર, ઈરાન તરફથી કથિત ધમકી બાદ ગયા મહિને ટ્રમ્પની મુસાફરી યોજનાઓ ગુપ્ત રીતે બદલવામાં આવી હતી. તેમને તુર્કીયેના અંકારા એરપોર્ટ પર એક કેટરિંગ ટ્રકમાં છૂપાવીને અમેરિકન સૈન્યના એક નાના પ્લેન સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ બ્રિટન જવા રવાના થયા હતા.

ઈરાનની ધમકીને કારણે આ સિક્રેટ મિશન પાર પાડવામાં આવ્યું 

સોમવારે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં સોમવારે છપાયેલા એક રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગયા મહિને તુર્કીયેના અંકારા ખાતે યોજાયેલા નાટો સમિટમાંથી ગુપ્ત રીતે વૈકલ્પિક લશ્કરી વિમાનમાં ઉડાન ભરીને રવાના થયા હતા.  જ્યારે વ્હાઇટ હાઉસે એવું દર્શાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ‘એર ફોર્સ વન’માં યાત્રા ભરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પની હત્યાની ઈરાનની ધમકીને કારણે આ સિક્રેટ મિશન પાર પાડવામાં આવ્યું હતું. પત્રકારો અને વ્હાઇટ હાઉસના કેટલાક સ્ટાફ સભ્યો એવું માનતા હતા કે તેઓ રાષ્ટ્રપતિ સાથે જ વિમાનમાં છે.
 
આ રિપોર્ટની સ્વતંત્ર રીતે પુષ્ટી નથી થઇ 

ઓપરેશનની જાણકારી ધરાવતા એક અમેરિકન અધિકારી અને રાષ્ટ્રપતિની યાત્રા અંગેની જાણકારી ધરાવતા અન્ય એક વ્યક્તિને ટાંકીને આ જાણકારી આપી હતી. ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસે આ રિપોર્ટની સ્વતંત્ર રીતે પુષ્ટી કરી નથી.
 
નવા જેટથી તુર્કીયે પહોંચ્યા હતા

ટ્રમ્પ સમિટ માટે કતાર તરફથી ભેટમાં મળેલા નવા જેટથી તુર્કીયે પહોંચ્યા હતા. પરંતુ તુર્કીયેથી રવાના થતા અગાઉ તેમણે કહ્યું હતું કે તેઓ એર ફોર્સ વનમાં પરત ફરશે. અંકારામાં ટ્રમ્પ બ્રિટનના રોયલ એરફોર્સ મિલ્ડેનહોલ માટે ઉડાણ ભરતા અગાઉ જૂના એરફોર્સ વનમાં સવાર થતા કેમેરામાં કેદ થયા હતા.

એરપોર્ટ કેટરિંગ ટ્રક મારફતે લઈ જવામાં આવ્યા હતા

જોકે, રિપોર્ટ અનુસાર, એરફોર્સ વન જેટમાં સવાર થયા પછી તેમને ગુપ્ત રીતે નાના વિમાન એરફોર્સ સી-32એમાં એરપોર્ટ કેટરિંગ ટ્રક મારફતે લઈ જવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે આ મિશન અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.