અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તા ધોવાતા મસમોટા ખાડા પડી જતા હોય છે. ચોમાસું પૂરું થયા બાદ તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે છે. જોકે ઘણી વખત રોડનું પેચવર્ક કરતી વખતે રોડ બંધ રાખવો પડતો હોય છે. આ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીઓપોલિમર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટેક્નોલોજી આવનારા સમયમાં શહેરી રોડ રિપેરિંગનું ભવિષ્ય સાબિત થશે. જેમાં માત્ર બે કલાકમાં જ ખાડા પુરી રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો મૂકાશે.
કેવી રીતે કામ કરશે જીઓપોલિમર ટેક્નોલોજી
જીઓપોલિમર ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં ક્લિંકરમુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ અને વિશેષ મિનરલ-આધારિત બાઇન્ડર્સને એક્ટિવેટ કરીને આ અત્યંત મજબૂત મટિરિયલ તૈયાર કરાય છે, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ મટિરિયલમાં માત્ર યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરીને ખાડામાં ભરવામાં આવે છે. સામાન્ય કોંક્રિટ રોડને જે 24 MPa મજબૂતી મેળવવામાં દિવસો લાગે છે, તે મજબૂતી આ ટેક્નોલોજીના પરીક્ષણ મુજબ માત્ર 2 જ કલાકમાં પ્રાપ્ત થઈ જાય છે, જેથી 2 કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો કરી શકાય છે.
શું છે સૌથી મોટી ખાસિયત
સામાન્ય રીતે સિમેન્ટ કોંક્રિટ રોડ પર ખાડા પૂરવા માટે કોલ્ડ મિક્સ કે હોટ મિક્સનો ઉપયોગ થતો હોય છે, પરંતુ તે કામચલાઉ ઉપાય રહે છે અને સમય જતાં ઘસાઈને ફરી ખાડા પડી જાય છે. જ્યારે જીઓપોલિમર ટેક્નોલોજી મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું કાયમી સમારકામ પૂરું પાડે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોંક્રિટ રોડમાં ખાડો પડે ત્યારે આખી પેનલ તોડીને દૂર કરવાની જરૂર રહેતી નથી, માત્ર તૂટેલા કે ક્ષતિગ્રસ્ત ભાગનું જ ચોક્કસ સમારકામ કરી શકાય છે.
આ ટેક્નોલોજી અપનાવવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થવા ઉપરાંત અનેક પર્યાવરણીય અને આર્થિક ફાયદા પણ થશે. જેમાં સમારકામ બાદ માત્ર 2 જ કલાકમાં વાહનવ્યવહાર શરૂ થઈ શકતો હોવાથી રસ્તાઓ લાંબો સમય બંધ રાખવા પડશે નહીં. પરંપરાગત કોંક્રિટિંગ બાદ દિવસો સુધી પાણી છાંટીને ક્યોરિંગ કરવું પડે છે. જીઓપોલિમર ટેક્નોલોજીમાં ક્યોરિંગ માટે પાણીની બિલકુલ જરૂર પડતી નથી, જેથી લાખો લીટર પાણી, મજૂરી અને દેખરેખનો ખર્ચ બચશે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સહિત દેશના અન્ય મોટા શહેરોમાં પણ જીઓપોલિમર ટેક્નોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં પણ સિસ્ટમના ઉપયોગથી રસ્તા પર થતાં ખાડાઓનું તાત્કાલીક સમારકામ કરી રસ્તો લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં મદદ મળશે.