સુરતઃ ભારતમાં એવા અનેક સુંદર ટ્રેન રૂટ છે જ્યાં મુસાફરો ટ્રેનમાં બેસીને અદભૂત નજારાઓની મજા માણી શકે છે. આવો જ એક મનોહર રૂટ ગુજરાતમાં બિલીમોરા અને વઘઈ વચ્ચે આવેલો છે. હવે આ રૂટ તરફ લોકોનું વધુ ધ્યાન ખેંચવા માટે તેને બોલિવૂડ ટ્વિસ્ટ મળી શકે છે. વેસ્ટર્ન રેલવે વધારાની આવક મેળવવા માટે આ હેરિટેજ લાઇનને ફિલ્મ શૂટિંગ માટે ખોલવાની યોજના બનાવી રહ્યું છે.

બિલીમોરા-વઘઈ લાઇન પર ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થઈ શકે છે
સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં 63 કિમી લાંબી બિલીમોરા-વઘઈ નેરોગેજ લાઇન અત્યંત સુંદર લેન્ડસ્કેપ ધરાવે છે, પરંતુ તેનો વ્યાપારિક ઉપયોગ ઓછો થાય છે. એક રિપોર્ટ મુજબ, આ સુંદર રૂટને પ્રમોટ કરવા માટે વેસ્ટર્ન રેલવેએ અહીં ફિલ્મો, વેબ સિરીઝ અને જાહેરાતોના શૂટિંગની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી મુસાફરોને ખલેલ પહોંચાડ્યા વગર રેલવેને વધારાની આવક થશે.
આ સુંદર રૂટ નવસારી અને ડાંગ જિલ્લામાંથી પસાર થઈને બિલીમોરાને વઘઈ સાથે જોડે છે. મુસાફરોને મુસાફરી દરમિયાન જંગલો, નદીઓ અને હરિયાળી ટેકરીઓના દ્રશ્યો જોવા મળે છે. આ કુદરતી સૌંદર્યને કારણે રેલવે માને છે કે મુંબઈના ફિલ્મ નિર્માતાઓ આ સ્થળ તરફ આકર્ષિત થઈ શકે છે. હાલમાં આ રૂટ પર માત્ર ચાર પેસેન્જર ટ્રેનો ચાલે છે. જોકે, તેમ છતાં તે પ્રવાસીઓ અને રેલવે પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ચોમાસા અને શિયાળા દરમિયાન આ ટોય ટ્રેન વિશેષ લોકપ્રિય બને છે.
રેલવે તેની ટિકિટ સિવાયની આવકમાં વધારો કરવા માંગે છે. વેસ્ટર્ન રેલવેએ વર્ષ 2025-26માં ફિલ્મ શૂટિંગ દ્વારા રૂ. 1.72 કરોડની કમાણી કરી છે, જે અગાઉના વર્ષ કરતા 25% વધુ છે અને દેશમાં સૌથી વધુ કમાણી પૈકીની એક છે. આ ટ્રેન ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. તેની શરૂઆત 1900ના દાયકાની શરૂઆતમાં ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે હેઠળ થઈ હતી.