થાણે: થાણે જિલ્લામાં નળમાંથી પાણી ભરવાને મુદ્દે થયેલા વિવાદમાં પડોશીએ માથામાં લોખંડનો સળિયો ફટકારીને 34 વર્ષના યુવકની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ડોંબિવલીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 માર્ચે રાતે અગિયાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
ઉમેશ વાઘે નામના યુવકનો તેના પડોશમાં રહેનારા આરોપી અક્ષય જાધવ સાથે સ્થાનિક નળમાંથી પાણી ભરવાને મુદ્દે અગાઉ વિવાદ થયો હતો. મંગળવારે રાતે આ જ બાબતને લઇ ફરી તેમની વચ્ચે ઝઘડો થતાં રોષે ભરાયેલા જાધવે ઉમેશના માથામાં લોખંડનો સળિયો ફટકારી દીધો હતો, જેમાં ગંભીર ઇજાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ઉમેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયા બાદ વિષ્ણુનગર પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને અક્ષયની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)