Sat Sep 12 2026

Logo

ટીસીએસ કેસની આરોપી નિદા ખાનને આશ્રય: એઆઈએમઆઈએમના નગરસેવકની ધરપકડ

2026-08-07 17:46:18
Author: Yogesh C. Patel
ટીસીએસ કેસની આરોપી નિદા ખાનને આશ્રય: એઆઈએમઆઈએમના નગરસેવકની ધરપકડ

નાશિક: ટીસીએસની નાશિક બ્રાન્ચમાં ‘જાતીય સતામણી અને ધર્માંતર’ના કેસની આરોપી નિદા ખાનને કથિત મદદ અને આશ્રય પૂરા પાડનારા એઆઈએમઆઈએમના નગરસેવકની છત્રપતિ સંભાજીનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નિદા ખાનને મરાઠવાડા શહેરમાંથી પકડી પાડવામાં આવ્યાના મહિનાઓ બાદ ગુરુવારે નગરસેવક મતીન પટેલને કસ્ટડીમાં લેવાયો હતો. નિદા જે ઘરમાંથી પકડાઈ હતી તેની સગવડ પટેલે કરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર પટેલને પૂછપરછ માટે હાજર થવાનું કહેવાયું હતું, પરંતુ તે પોલીસ સમક્ષ હાજર થયો નહોતો. નાશિક સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક સ્પેશિયલ ટીમ છત્રપતિ સંભાજીનગર પહોંચી હતી અને પટેલને તાબામાં લીધો હતો.

આ કેસમાં ધરપકડ કરાયેલી નિદા ખાનને બાદમાં કોર્ટે જામીન પર છોડી હતી. નિદાની પૂછપરછમાં મતીન પટેલની ભૂમિકા સામે આવતાં તેની અને ઘરના માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની નાશિક બ્રાન્ચમાં કર્મચારીઓનું ધર્માંતર, જાતીય શોષણ, વિનયભંગ કરાતું હોવાની ફરિયાદને પગલે નવ ગુના નોંધવામાં આવ્યા હતા. આ મામલો માર્ચમાં સામે આવ્યા પછી ખાસ્સી ચકચાર ફેલાઈ હતી.

તપાસ અનુસાર નિદા ખાન કર્મચારીઓને બુરખો અને ધાર્મિક સાહિત્ય આપીને તેમનું બ્રેનવૉશ કરતી હતી. મહિલા કર્મચારીઓના મોબાઈલ ફોનમાં ઈસ્લામ સંબંધી ઍપ્લિકેશન્સ ઈન્સ્ટોલ કરવાનો, નમાઝ કઈ રીતે અદા કરવી જોઈએ તે શીખવવા માટે તેમના ઘરે જવું અને હિજાબ કઈ રીતે પહેરવો તે બતાવવાનો નિદા પર આરોપ છે. (પીટીઆઈ)