Tue Oct 06 2026

Logo

એસી લોકલની ગજબ કહાનીઃ રુ. 675  દંડને લઈ ટીસીએ સગીરાને પનવેલથી વડાલા સુધી ફેરવી, પેરન્ટસના રેલવેના પર ગંભીર આક્ષેપ

2026-09-13 17:00:49
Author: Mumbai Samachar Team
એસી લોકલની ગજબ કહાનીઃ રુ. 675  દંડને લઈ ટીસીએ સગીરાને પનવેલથી વડાલા સુધી ફેરવી, પેરન્ટસના રેલવેના પર ગંભીર આક્ષેપ

મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં એસી લોકલને કારણે વીઆઈપી પ્રવાસીઓને મુસાફરી કરવામાં રાહત થઈ છે, પરંતુ આમ આદમીની મુશ્કેલીઓ વધી છે, પરંતુ તાજેતરમાં મધ્ય રેલવેમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. એક સગીર વયની છોકરી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં દંડ લેવા માટે તેને પનવેલથી વડાલા સુધીના સ્ટેશન પર ફેરવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

એસી લોકલના ભાડા અંગેના વિવાદમાં 17 વર્ષની એક વિદ્યાર્થિનીને રેલવે કર્મચારીઓએ એકથી વધુ સ્ટેશને લઈ જઈ અંતે વડાલા રોડ પર ઉતારી દીધી હોવાનો આક્ષેપ તેના માતા-પિતાએ કર્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની 11 સપ્ટેમ્બરે એકલી સિવુડ્સ સ્ટેશનથી માનસરોવર જવા માટે ટ્રેન (ક્રમાંક 98119 એસી લોકલ)માં સવાર થઈ હતી. ઘટના અંગે માતા-પિતાએ સેન્ટ્રલ રેલવેમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, રેલવેની તપાસમાં તેને જાણી જોઈને અનેક સ્ટેશનો પર ફેરવવામા આવી હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.

સગીરાના માતા-પિતાએ આપેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થિની પાસે માન્ય ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, પરંતુ એસી લોકલમાં મુસાફરી માટે અલગ ટ્રાવેલ ઓથોરિટી જરૂરી હોવાની તેને જાણ નહોતી. ટિકિટ ચેકરે તેની પાસેથી રૂ. 675ની રકમ માગી હતી, પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી તેણે ઈન્ટરનેટ વિનાના મોબાઇલ ફોનથી પિતાને ફોન કર્યો હતો. પિતાએ રેલવેની યોગ્ય બાકી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી અને અધિકારી સાથે વાત કરવાની વિનંતી કરી હતી.

માતા-પિતાનો આક્ષેપ છે કે ટિકિટ ચેકરે પિતા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. માનસરોવર સ્ટેશન નજીક માતા પોતાની પુત્રીને લેવા પહોંચી રહી હોવાની રેલવે કર્મચારીઓને જાણ કરાઈ હોવા છતાં વિદ્યાર્થિનીને આગળ પનવેલ લઈ જવામાં આવી હતી. પનવેલ ખાતે મહિલા આરપીએફ અધિકારી પણ ઘટનામાં જોડાઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ, તેને પહેલાં બેલાપુર લઈ જવાની વાત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં વિદ્યાર્થિનીને વડાલા રોડ લઈ જવાઈ હતી.

પરિવારનો વધુ આક્ષેપ છે કે વડાલા રોડ પર વિદ્યાર્થિનીને દંડ વસૂલ્યા વિના અને તેની માતા કે અન્ય જવાબદાર પરિવારજનોને સોંપ્યા વિના ઉતારી દેવામાં આવી હતી. ઘટનાથી ગભરાયેલી વિદ્યાર્થિનીનું બાદમાં કાઉન્સેલિંગ પણ કરાવવામાં આવ્યું હતું. પિતાએ રેલવે કર્મચારીઓના વર્તન સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે માન્ય ફર્સ્ટ ક્લાસ ટિકિટ ધરાવતી સગીર સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ, મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે ટિકિટ ચેકિંગ સ્ટાફ અધિકૃત ફરજ પર હતો અને વિદ્યાર્થિની જરૂરી એસી ટ્રાવેલ ઓથોરિટી વિના એસી લોકલમાં મુસાફરી કરી રહી હતી. રેલવે મુજબ, રૂ.675ની બાકી રકમ નિર્ધારિત એચએચટી ક્યુઆર પેમેન્ટ સિસ્ટમ મારફતે વસૂલવાનો પ્રયાસ થયો હતો, પરંતુ માન્ય સમયગાળામાં ચુકવણી પૂર્ણ થઈ શકી નહોતી. પનવેલ ખાતે આરપીએફ અને અધિકારીઓના ધ્યાન પર મામલો આવ્યા બાદ વિદ્યાર્થિની સગીર હોવાનું સ્પષ્ટ થતાં તેને સુરક્ષિત રીતે વડાલા રોડ પર સોંપવાની સૂચના અપાઈ હતી.

રેલવેના જણાવ્યા અનુસાર, વડાલા રોડ પર વિદ્યાર્થિનીને આરપીએફ અને અન્ય કર્મચારીઓની હાજરીમાં એક ટ્રેન મેનેજરને સોંપવામાં આવી હતી, જેણે  સગીરાના પરિવારને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. 
જોકે, આ સમગ્ર ઘટનાએ સગીર મુસાફરો સાથે ભાડા કે ટિકિટના વિવાદ દરમિયાન રેલવે કર્મચારીઓએ કેટલી સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ તે અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. 

મધ્ય રેલવેએ સંબંધિત કર્મચારીઓને સગીર મુસાફરોના આવા કિસ્સામાં વધુ કાળજી રાખવા, શક્ય હોય ત્યાં સુધી માતા-પિતા કે વાલીઓ સાથે વાતચીત કરવા અને તેમના યોગ્ય પાલકને ચકાસ્યા બાદ જ સોંપવાની સૂચના આપી છે.