Sat May 02 2026

Logo

ચિંતનઃ તત્ત્વમસિ - તું તે બ્રહ્મ છું...

2026-03-09 11:45:00
Author: Mumbaisamachar Team
Article Image

 

હેમુ ભીખુ

આ મહા વિધાન સામવેદના એક ભાગ છાંદોગ્ય ઉપનિષદનું છે. તત્વમસિ ‘ (તત્-ત્વમ-અસિ) નો અર્થ થાય છે કે ‘તું તે છે’ અથવા ‘તું જ બ્રહ્મ છે’. વેદાંત દર્શનના અદ્વૈત સિદ્ધાંતનો આ એક આધાર છે. જેમ હું બ્રહ્મ છું - અહમ્ બ્રહ્માસ્મિ કહેવામાં આવે છે તેમ તું પણ બ્રહ્મ છું તે અહીં કહેવાય છે. હું જે છું તે જ તું છું, અને આપણે બંને જે છીએ તે જ બ્રહ્મ છે. અહીં બધું બ્રહ્મમય છે. આ સૃષ્ટિમાં બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી.

‘તત્ત્વમસિ’ વિધાન દ્વારા વ્યક્તિ અને સર્વવ્યાપી સત્ય-બ્રહ્મ વચ્ચેના શાશ્વત અને સ્થાપિત અદ્વૈત સંબંધની વાત કરવામાં આવી છે. વાસ્તવમાં આ વાત આ સંબંધની પણ નથી, ખરેખર આ વાત તો બંને વચ્ચેના ઐક્યની છે. અહીં એ બાબતનો નિર્દેશ કરાયો છે કે પ્રત્યેક જીવાત્મા અને પરમાત્મા એક જ છે.

અહીં તત્ શબ્દ નિત્ય, અખંડ, અનંત, અનાદિ બ્રહ્મનું નિર્દેશન કરે છે. ત્વમ શબ્દ બીજા પુરુષ એક વચન માટે તું સમાન છે. આ તું એટલે તે વ્યક્તિ કે તે જીવાત્મા. અસિ શબ્દ દ્વારા બ્રહ્મ અને જીવાત્મા વચ્ચેનું સમીકરણ સ્થાપિત થાય છે. થોડું આગળ વિચારતાં સમજાશે કે, અદ્વૈત સિદ્ધાંતનું આ મહા વિધાન મનુષ્યને સ્વજ્ઞાન અને આત્મા-પરમાત્માની એકતાના અનુભવ માટે માર્ગદર્શિત કરે છે. જીવ અને શિવના મિલન માટે જીવ અને શિવના એકત્વનો ભાવ સ્થાપિત થાય તે જરૂરી છે.

સનાતની સંસ્કૃતિમાં જે છ દર્શન વેદ આધારિત છે એમાં વેદાંત એક મહત્ત્વનું દર્શન છે. આ વેદાંતમાં અદ્વૈત વિચારધારાને આધારિત સત્ય, સૃષ્ટિ અને સૃષ્ટિકર્તાને સમજવાનો પ્રયત્ન કરાય છે. અદ્વૈતનો અર્થ છે અ-દ્વૈત અર્થાત અ-ભિન્નતા. અહીં જુદાપણું નથી. અહીં કોઈપણ પ્રકારનો, કોઈપણ સ્તરનો, કોઈપણ માત્રાનો, કોઈપણ પરિસ્થિતિમાં ભેદ નથી. સાદી ભાષામાં કહીએ તો આ ‘બિન-દ્વિતીય’ સિદ્ધાંત છે. 

આ સિદ્ધાંતનો આધાર ઉપનિષદોની વૈચારિક પરંપરા છે. ‘હું બ્રહ્મ છું અને તમે પણ બ્રહ્મ છો’ એ વાત વ્યક્તિને એ યાદ કરાવે છે કે અંતે તો બધું એકનું એક છે. જે કંઈ દ્વન્દ્વ કે દ્વૈત ભાવ ઊભો થાય છે તે અજ્ઞાન, અવિદ્યા અને માયાના પ્રપંચનું પરિણામ છે. એ સમજવાનું મહત્ત્વનું છે કે નિર્મળ એવા બ્રહ્મ સાથેની એકતા સત્ય છે. આ જ્ઞાનની અનુભૂતિ દૈનિક જીવનમાં પણ શાંતિ અને આત્માનંદ લાવે છે.

આ જગતમાં બ્રહ્મનું જ અસ્તિત્વ છે કારણ કે બ્રહ્મ જ અવિનાશી સત્ય છે. બ્રહ્મ અદ્વિતીય છે અર્થાત તેનાં સમાન અન્ય કોઈ અસ્તિત્વ જ નથી, તો પછી તેના કરતાં વધુ સારાં અસ્તિત્વની તો કલ્પના પણ ન થઈ શકે. બ્રહ્મ અચલ સત્તા સમાન છે. તેની અપેક્ષાએ જગત મિથ્યા છે, ભ્રમ છે, અવાસ્તવિક છે, કપટ છે, પ્રપંચ છે, અનુભૂતિ કરાતું હોય તેમ લાગવા છતાં અનુભૂતિની શક્યતાથી પર છે. જે કંઈ હોવાની પ્રતીતિ થાય છે તે જીવ અને બ્રહ્મના ઐક્યની અવિભક્ત સ્વરૂપની એક છાયા માત્ર છે. 

આદિ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતના મુખ્ય પ્રચારક માનવામાં આવે છે. તેમણે આ સિદ્ધાંતને સમજાવવા ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રનાં ભાષ્યની રચના કરી હતી. તે સાથે અહીં વિવેક-ચુડામણી ઉલ્લેખ પણ જરૂરી છે. તત્વમસિને સમજવા માટે આ બધાનો અભ્યાસ મદદરૂપ થઈ શકે.

આની માટે વ્યવહારુ તર્ક કંઈ આ પ્રમાણેનો છે. જેમ સમુદ્રના તમામ તરંગ, સમુદ્રના પાણીમાં ઉદ્ભવતું ફીણ, સમુદ્રના પાણીનું પ્રત્યેક ટીપું, સમુદ્રનું પ્રત્યેક મોજું પણ સમુદ્ર જ છે; એવી રીતે ચારે બાજુ પ્રસરેલ સૃષ્ટિ બ્રહ્મનું જ સ્વરૂપ છે. અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત સમજવા માટે ઘણીવાર સાપ અને દોરડાંનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. અંધારામાં દોરડાંને સાપ માની લેવામાં આવે છે, જે ભ્રમ છે. જ્યારે પ્રકાશ થાય છે, ત્યારે સાપનો ભ્રમ દૂર થાય છે અને દોરડું દોરડાં તરીકે જ દેખાય છે. તે જ રીતે, બ્રહ્મ વિશે જ્ઞાન થાય ત્યારે માયાના ભ્રમથી પ્રતીત થતાં જગતથી મુક્તિ મળે.

આત્મા અને બ્રહ્મનો અદ્વૈત સંબંધ જ્યારે જાણવામાં આવે, જ્યારે પ્રતીત થાય ત્યારે બધી જ ભ્રમણા દૂર થઈ જાય. જ્યારે એ જાણમાં આવે, જ્યારે એ અનુભવાય કે જે તત્ત્વ વ્યક્તિની અંદર છે તે જ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે, ત્યાર પછી અન્ય કોઈ પ્રકારનો લગાવ, અન્ય કોઈ પરિસ્થિતિ માટે કે અન્ય કોઈ હંગામી હેતુ માટે પણ ન સ્થપાઈ શકે. અહીં વચ્ચેનો ભેદ પણ નાશ પામે. બ્રહ્મ અને જીવાત્માના ઐક્યને અભ્યાસ પૂર્વક વારંવાર યાદ કરવાથી તે પ્રકારની માનસિકતા દ્રઢ થતી જાય અને તેથી આ મહાવિધાન તત્ત્વમસિનું મહત્ત્વ છે. તે પરમ સત્તા સાથેની એકતાની અનુભૂતિ એટલે જ સાચું, સંપૂર્ણ, સાત્ત્વિક, પવિત્ર, શાશ્વત જ્ઞાન.

જ્યારે પણ ભેદ વર્તાય ત્યારે હું-તું અને મારું-તારુંનો ભાવ સ્થાપિત થાય. પછી તે મુજબનો વ્યવહાર આગળ વધે. તેને આધારિત કાર્ય અમલમાં આવે. આ કાર્યનું જે કંઈ પરિણામ આવે તેને આધારે તારા-મારાનો ભાવ વધુ દ્રઢ બને. પછી આ ચક્ર ચાલ્યા જ કરે. આમાંથી બહાર નીકળવા માટે ભેદની પ્રતીતિ બંધ થવી જોઈએ. 

ઉપનિષદોમાં આ માટે જે જ્ઞાન અપાયું છે તેના નિચોડ તરીકે ચાર મહાવિધાન નિર્ધારિત કરાયાં છે. તે બધા પાછળનો મૂળ હેતુ તો એક જ છે અને તે એ કે, માયાના પ્રપંચને કારણે ઉદ્ભવેલી ભેદની પ્રતીતિ નાશ પામે. જો તત્ત્વમસિ - તું તે બ્રહ્મ છું જેવા વિધાનનું વારંવાર રટણ કરવામાં આવે, વારંવાર ચિંતન કરવામાં આવે વારંવાર તે પ્રમાણેનો વ્યવહાર કરવામાં આવે તો અંતિમ પરમ-લક્ષ્ય દૂર નથી.