Mon Oct 05 2026

Logo

મિજાજ મસ્તી: એક દર્દ દીવાની: સળગતાં સિલ્ક જેવી સિલ્વિયા

2026-09-20 08:37:00
Author: Sanjay Chhel
મિજાજ મસ્તી: એક દર્દ દીવાની: સળગતાં સિલ્ક જેવી સિલ્વિયા

 

 

 

- સંજય છેલ

 

ટાઇટલ્સ: 

કવિ મરે છે, કવિતા જીવે છે. (છેલવાણી) 

------------------

 

`મેં જીવનને એવી તાકાતથી ચૂમી છે

કે મૃત્યુ મને ઓળખે છે હવે ને હું મૃત્યુને'

---------------------------- 

 

`મરણ એક કળા છે ને દર્દની લાંબી તાલીમ પછી

હું એમાં પારંગત થતાં શીખી ગઈ છું.'

----------------------------

 

`મારો પ્રેમ કોમળ નથી, આગ જેવો છે,

જેને સ્પર્શે છે, એને દઝાડ્યા વિના નથી છોડતો.' 

-------------------------

 

      આ એ સુંદર ને સંવેદનશીલ સ્ત્રીનાં  કાવ્યોની એક ઝલક છે, જેણે જીવવા માટે લખ્યું ને લખવા માટે જીવ્યું.

 

એ છે: `સિલ્વિયા પ્લાથ', જેના માટે કવિતા, ફકત સોળ વરસની આળસ મરડતી કમનીય ક્નયાનો શૃંગાર નહોતો, ઊના શ્વાસ જેવો આક્રોશ હતો. 1932માં અમેરિકાના બોસ્ટનમાં જન્મેલ અદ્ભુત આઇ.ક્યૂ.વાળી સિલ્વિયાએ 11 વરસે ડાયરી લખવી શરૂ કરેલી, કારણ કે ભીતર જે જે ચાલતું એ શબ્દોમાં બયાં થાય એવું સરળ નહોતું. પિતા જુવાનીમાં જ ગુજરી ગયા ત્યારથી ટીનએજ સિલ્વિયાની અંદર એક ખાલીપો ખડખડતો, જે આજીવન પૂરાયો જ નહીં.

તેજતર્રાર સિલ્વિયાને સ્મિથ યુનિવર્સિટીમાં સ્કોલરશિપ, પ્રશંસા, સફળતા બધું જ મળ્યું પણ કશુંક ખૂટતું હતું. કોમળ કવિની અંદર ને અંદર, અશબ્દ અતૃપ્તિ અથડાતી રહેતી. સ્વપ્નિલ સિલ્વિયાને લાઇફમાં બધું જ જોઈતું હતું ને `એ બધું એકસાથે નહીં મળે તો?'- એને એ જ આશંકાનું કળતર કોરતું, સતત.

 

ન્યૂ યોર્કમાં `મેડમોઝેલ' મેગેઝિનની નોકરીમાં સિલ્વિયાનો અજંપો વધ્યો. દિવસભર ગ્લેમરની ચમકતી દુનિયા ને પછી રાત્રે ભાડાની એક ખોલીમાં એકલી સિલ્વિયા બસ, ત્યારથી સંવેદનાવાળી સિલ્વિયાનું તૂટવું શરૂ થયું. માનસિક સારવાર પછી સિલ્વિયા પાછી તો આવી, પણ એની ભીતરી ભાવનાઓ ભાંગી ચુકેલીને પછી ત્યારે શબ્દો જ સિલ્વિયાનો આધાર બન્યા.

 

1960માં પહેલો કાવ્યસંગ્રહ `કોલોસસ' આવ્યો. જોકે હજીયે એની લાગણીઓની મુઠ્ઠી એમાં અકબંધ હતી, એક ચીસ જે ગળામાં અટવાયેલી હતી.

 

અમેરિકન કવિ રોબર્ટ લોવેલે કહેલું: `સિલ્વિયાની કંટ્રોલ્ડ કવિતા, વિલંબિત વિસ્ફોટ જેવી છે.'

 

ને પછી સિલ્વિયાની સનસનીખેજ લવસ્ટોરી. કેમ્બ્રિજની એક પાર્ટીમાં એક ઊંચા, અણઘડ, આંખોમાં આદિમ અજંપાવાળા ટેડ હ્યુઝને સાથે એ ટકરાઇ ગઇ. ટેડ ત્યારે એની ગર્લફ્રેન્ડ સાથે હતો.

 

સિલ્વિયા એની ફ્રેંડ સાથે પરંતુ નજરો મળી એ ક્ષણે બધું જાણે ઓગળીને અદૃશ્ય થઇ ગયું. સિલ્વિયા અને ટેડનો કોઈ પરિચય નહોતો તોય એ ટેડ પાસે ગઇ ને બેધડક એના ગાલ પર ચૂમીને દાંતથી હળવું બચકું ભર્યું. ટેડના ગાલમાંથી લોહી નીકળ્યું. ટેડ મલક્યો, એ મલકાટમાં મલકભરનો સ્વીકાર હતો. બેઉ સમજી ગયા કે આ સંબંધ બેઉની જિંદગીને ઉથલાવી નાંખશે. સિલ્વિયા માટે ટેડ માત્ર પ્રેમી નહોતો. એ પણ કવિ હતો, પણ એક અણઘડ પ્રતિભા.  સિલ્વિયાની તેજસ્વિતાથી ટેડ આકર્ષાતો પણ ને અકળાતો પણ તો પછી.. પછી શું?

 

ઇન્ટરવલ:

મોતનીયે બાદ તારી ઝંખના કરતો રહ્યો

કે તું જન્નતમાં મળે, એવી દુઆ કરતો રહ્યો     (બેફામ)

 

 કમનસીબે બેઉનાં શુભઅશુભ લગ્ન થયા. શરૂઆતમાં બધું મસ્ત હતું. બેતહાશા પ્રેમ, સરસ સેક્સલાઇફ, દિનરાત એકમેકની કવિતાઓ બધું એકસાથે ચાલ્યું. ધીમે ધીમે અલગાવ આરંભાયો.

 

સિલ્વિયા પોતાની જાતને સંપૂર્ણ રીતે પ્રેમમાં લૂંટાવી દેતી પણ ટેડ સ્હેજ અંતર જાળવતો.

 

સિલ્વિયા લખે છે:

 

`હું તને ઘર બનાવી બેઠી,

તું ઘરમાં મહેમાન બનીને રહ્યો.'

 

ઇંગ્લેન્ડમાં જીવન કારમું હતું. ઓછા પૈસા, ઘર નાનું, બબ્બે નાના બાળકો. સિલ્વિયાને માતૃત્વનો ઉત્સાહ પણ હતો ને બંધન પણ લાગતું. દિવસે ઘર સંભાળતી, રાત્રે લખતી. ટેડ, બહાર ભટકતો રહેતો. આવારગીમાં આઝાદી શોધતો. સિલ્વિયા ધીમે ધીમે ચાર દીવાલોમાં એકલી પડતી ગઈને પછી ટેડના અફેરની વાત પકડાઇ.

 

સિલ્વિયા તરફથી કોઈ ઝઘડો નહીં. કોઈ નૌંટકી નહીં. ફક્ત સ્વીકારી લીધેલું સંબંધોનું સત્ય. ત્યારે સિલ્વિયાને લાગ્યું કે એ પ્રેમમાં નહીં, પરંતુ પોતાના પુરુષને ઓળખવામાં હારી ગઈ છે, જેના વિશે

એક કાવ્યમાં લખ્યું:

 

`હું તારી પત્ની નહોતી, હું તારો આધાર હતી,

ને આધાર તૂટી જાય, ત્યારે બધું ધરાશાયી થાય'

 

છૂટાછેડા પછી સિલ્વિયા એકલી હતી ને નહોતી પણ. સાથે બે નાના બાળકો. શિયાળાની ઠંડી ને અંદર ઉકળતું દુ:ખ, પરંતુ આ જ દુ:ખે એની કવિતાને ધારદાર બનાવી. `એરિયલ' કાવ્ય-સંગ્રહની કવિતા હવે મદ્ધમ સૂરમાં નહોતી. એ કવિતાઓ ચીસ પાડતી હતી, મોતની આંખમાં આંખ પરોવીને નીરખતી હતી. સિલ્વિયાનાં સુષુપ્ત મનમાં પિતા ને પતિ બેઉ એકસરખા, એક તાનાશાહના પ્રતીક બની ગયા. એ રોજ રોજ ઇન્સ્ટોલમેન્ટમાં મરતી રહી. બ્રિટિશ કવિ એલ અલ્વારેઝે કહેલું:

 

 `સિલ્વિયા મૃત્યુ વિશે લખતી નહોતી- તે મૃત્યુની અંદર રહીને લખતી હતી!'

 

સિલ્વિયા રોજ લખતી. ડાયરી, પત્રો, કવિતાઓ. શબ્દો વડે ખુદને બચાવવા મથતી રહેતી, પણ આખરે શબ્દો પણ થાકી ગયા. મોતના થોડા દિવસો પહેલાં સિલ્વિયાએ ઘરને સજાવ્યું. બાળકો માટે દૂધ તૈયાર કરીને મૂક્યું. પાડોશીઓને ફૂલો આપ્યાં. એના વિરક્ત વર્તનમાં કોઈ ઉતાવળ નહોતી. લાંબી થકાનની ખામોશી હતી. કદાચ એટલે જ ડાયરીમાં સિલ્વિયાએ લખેલું:

 

 `હું જીવનને ખૂબ ચાહતી હતી એટલો પ્રેમ કરતી કે જીવન પણ એને સહન ના કરી શક્યું!'

 

એક દિવસ કિચનના ઓવનમાં માથું મૂકીને ગેસમાં ગુંગળાઇને સિલ્વિયા ને એના દિમાગમાં દબાયેલા શબ્દો બધું જ ખતમ. આમ છતાં આજેય `સિલ્વિયા પ્લાથ' ગઈકાલની કવિયત્રી નથી લાગતી, આજની અત્યારની ધબકતી ધૂંધવાતી સ્ત્રી લાગે છે, કારણ કે માણસ મરે છે, એની પીડા તો સદાયે પદ્ય કે પોએટ્રીનાં પ્રેત બનીને ભટકે છે.

 

એન્ડ ટાઇટલ્સ:

આદમ: નવી કવિતા સંભળાવું?

ઇવ: આ વાળી નહીં, બીજી કોઇ.