Tue Oct 06 2026

Logo

બંગાળના CM શુભેન્દુના PAની હત્યા ભાજપના જ બે કાર્યકરે કરાવી હતી, કોણ છે બંને ?

2026-08-10 12:43:00
Author: Vimal Prajapati
બંગાળના CM શુભેન્દુના PAની હત્યા ભાજપના જ બે કાર્યકરે કરાવી હતી, કોણ છે બંને ?

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના સહયોગી અને PA ચંદ્રનાથ રથની સનસનાટીભરી હત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ચાર્જશીટમાં રથની ઓફિસમાં જ કામ કરતા બે ભાજપ કાર્યકરો સાગર સોનકર અને તેના ભાઈ સાહિબ સોનકરના નામ પ્રકાશમાં આવ્યાં છે. ભાજપ નેતાના પીએની હત્યામાં ભાજપના કાર્યકર સામે હોવાથી આ ઘટના વધારે ચર્ચાસ્પદ બની છે.

ઉત્તર પ્રદેશના શૂટર્સને અપાઈ હતી સોપારી

CBIની તપાસમાં ખુલાસો થયો છે કે, સાગર સોનકરે જ સમગ્ર હત્યાનું પ્લાનિંગ કર્યું હતું અને ફંડિંગની વ્યવસ્થા કરી હતી. તેણે ઉત્તર પ્રદેશના પ્રોફેશનલ શૂટર્સને બોલાવીને રથની હત્યા માટે સોપારી આપી હતી. ચંદ્રનાથ રથની હત્યા 6 મેના રોજ મધ્યમગ્રામમાં ગોળી મારીને કરવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને માત્ર બે દિવસ જ થયા હતા. મૃતક ચંદ્રનાથ રથ ભવાનીપુર બેઠક પરથી શુભેન્દુ અધિકારીના ચૂંટણી પ્રચારનું તમામ કામકાજ સંભાળતા હતા. 

2025થી જ ઘડવામાં આવી રહ્યું હતું હત્યાનું ષડયંત્ર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ હત્યાનું ષડયંત્ર ડિસેમ્બર 2025થી જ ઘડવામાં આવી રહ્યું હતું, પરંતુ કોઈને કોઈ કારણે હત્યાની તારીખ વારંવાર લંબાઈ રહી હતી. CBIને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સાગર સોનકર વર્ષ 2020 સુધી એક વિપક્ષી પાર્ટીના ધારાસભ્ય સાથે કામ કરતો હતો અને ત્યારબાદ તે ભાજપમાં જોડાયો હતો. આથી, તપાસ એજન્સી હવે રાજ્યના એક વિરોધી રાજકીય પક્ષના પ્રમુખ પદાધિકારીની ભૂમિકાની પણ સઘન તપાસ કરી રહી છે.

કેસમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી? 

આ કેસમાં અત્યાર સુધીમાં 6 શૂટર્સ અને બિચોલિયાઓની ધરપકડ કરવામાં આવી છે. મોનુ સિંહ, રાજ સિંહ, ગોલુ સિંહ, મયંક રાજ મિશ્રા, વિક્કી મોર્યા અને નવીન કુમાર સિંહની ધરપકડ કરવામાં આવી તેની સાથે સોપારી લેનાર બિચોલિયા વિનય રાય અને સંજય રાય સાથે વિકાસ મિશ્રાની પણ સોપારી લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે આ સમગ્ર કેસમાં સાગર સોનકરે જ આ હત્યા માટે રૂપિયા અને સોપારી આપી હતી. જ્યારે તેના ભાઈ સાહિબે હત્યાનું ષડયંત્ર ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં આરોપી હજુ પણ ફરાર છે જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

ચૂંટણી પરિણામોના તુરંત બાદ થયેલી આ સનસનાટીભરી હત્યાને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. રાજ્ય સરકારની વિનંતી બાદ આ કેસની તપાસ પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી CBIને સોંપવામાં આવી હતી, જેમાં હવે 11 આરોપીઓ સામે નક્કર પુરાવા સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.