સુરત: મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા TTE અને મુસાફર પરિવાર વચ્ચે રવિવારે થયેલી છૂટા હાથની મારામારીની ઘટના બાદ આજે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર એક મુસાફર સાથે કથિત મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રેલવે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક GRPનો સબ-ઈન્સ્પેક્ટર પ્લેટફોર્મ પર એક મુસાફરના વાળ પકડીને તેને ઢસડી રહ્યો છે, જમીન પર પછાડી રહ્યો છે અને તેને માર મારી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો પર લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પીડિત મુસાફર પોતાના ગામ જવા માટે સ્ટેશન આવ્યો હતો અને કોઈ પણ ઉશ્કેરણી વગર તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આસપાસ હાજર અન્ય મુસાફરો આ દ્રશ્ય જોઈને ડરના માર્યા પાછળ હટી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ અનેક યુઝર્સે રેલવે પોલીસના અમાનવીય વર્તન અને મુસાફરોની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા છે.
GRP દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સવારે લગભગ 8:30 વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે ઉધના સ્ટેશન પર જયનગર જવા માટેની એક સ્પેશિયલ ટ્રેન આવી હતી અને પોલીસકર્મીઓ મુસાફરોની ભીડને અને લાઇનને વ્યવસ્થિત કરવામાં લાગેલા હતા. અધિકારીઓનું કહેવું છે કે સંબંધિત મુસાફરે કથિત રીતે લાઇન તોડીને સીધા જ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વિવાદ વકર્યો હતો.
આ ઘટનામાં આરોપી અધિકારીની ઓળખ ઉધના સ્ટેશન પર તૈનાત GRP સબ-ઇન્સ્પેક્ટર આર. એમ. રાઠોડ તરીકે થઈ છે. વીડિયો સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા અને તેની તાત્કાલિક અસરથી વડોદરા GRP હેડ ઓફિસ ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મામલાની ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.