સુરતઃ ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે પ્રચાર ચાલી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પ્રચાર કરવા નીકળેલા નેતાઓને જનતા જાકારો આપી રહી હોય તેવું ઘણા મતવિસ્તારોમાં બની રહ્યું છે. બીજી બાજુ નેતાઓ બોલવામાં તો બેલગામ છે, પરંતુ અમુક કિસ્સાઓમાં હાથાપાઈ સુધી વાત પહોંચી જાય છે. સુરતમાં તો ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ ભાજપના નેતાઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે થયેલા ઘર્ષણની સ્થિતિ એટલી વણસી હતી કે એક નહીં બે પોલીસ સ્ટેશનના સ્ટાફે દોડી આવવું પડ્યું હતું.
આ ઘટના અહીંના ગોરાટ વિસ્તારમાં બની હતી. અહીં અશાંતધારાનો અમલ થયો નથી અને હનુમાન મંદિરનો વિવાદ ઘણા સમયથી છે. ભાજપના સ્થાનિક ઉમેદવાર હર્ષ મહેતા સહિતના મોટા નેતાઓ અહીં મંદિરે દર્શન કર્યા બાદ સોસાયટીમાં પ્રચાર માટે આવ્યા ત્યારે મહિલાઓએ તેમને રોક્યા હતા અને નેતાઓ અને મહિલાઓ વચ્ચે ધક્કામુક્કી અને બોલા ચાલી થઈ હતી.
મહિલાઓ ગૉ બેકના નારા સાથે તેમનો વિરોધ કરી રહી હતી. દરમિયાન ભાજપના નેતાએ એક મહિલાને ધક્કો માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ દરમિયાન પક્ષના પુરુષ નેતાઓએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યાનો અને નખ માર્યા હોવાના આક્ષેપો પણ થયા હતા. મામલો ગરમાતા પોલીસ દોડી આવી હતી અને શાંતિ સ્થાપવાની કોશિશ કરી હતી. જોકે સ્થાનિકોના રોષ સામે નેતાઓ ઠંડા પડી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ મામલે મળતી વિગતો અનુસાર મહિલાઓએ કલેક્ટર કચેરી અને જૉઈન્ટ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત પણ કરી હતી. બીજી બાજુ નેતાઓનું કહેવાનું હતું કે તેમની સાથે પણ ધક્કામુક્કી થઈ હતી અને અમને પણ ઈજા થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયે પક્ષના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, માજી મેયર હેમાલી બોઘાવાલા તેમજ પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા પણ ઉપસ્થિત હતા.