Tue Oct 06 2026

Logo

સુપ્રીમ કોર્ટે બદલ્યો વર્ષો જૂનો નિયમ; હવે અત્યંત તાકીદના કેસોનું લિસ્ટિંગ માત્ર CJI જ કરશે

2026-04-08 08:28:00
Author: Devayat Khatana
સુપ્રીમ કોર્ટે બદલ્યો વર્ષો જૂનો નિયમ; હવે અત્યંત તાકીદના કેસોનું લિસ્ટિંગ માત્ર CJI જ કરશે

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) દ્વારા તાકીદના કેસોની સુનાવણીને લઈને એક મહત્વપૂર્ણ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતના તાજેતરના નિર્દેશ અનુસાર, હવેથી અત્યંત આવશ્યક બાબતો કે જેમાં લિસ્ટિંગની પ્રક્રિયાની રાહ જોઈ શકાય તેમ ન હોય, તેનું મેન્શનિંગ માત્ર દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સમક્ષ જ કરી શકાશે. આ નિયમ હેઠળ, મુખ્ય ન્યાયાધીશ ભલે કોઈ બંધારણીય બેંચની અધ્યક્ષતામાં વ્યસ્ત હોય, તેમ છતાં આવા તાકીદના કેસો માટે તેમની સમક્ષ જ રજૂઆત કરવાની રહેશે.

આ અગાઉની વ્યવસ્થા મુજબ, જો મુખ્ય ન્યાયાધીશ ઉપલબ્ધ ન હોય અથવા બંધારણીય બેંચમાં વ્યસ્ત હોય, તો તાકીદની સુનાવણી માટેના કેસોનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ સમક્ષ કરવાની પરંપરા હતી. જોકે 6 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર દ્વારા આ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા કેસોનો ઉલ્લેખ અન્ય કોઈ પણ બેંચ સમક્ષ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

આ નવા નિયમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં એકરૂપતા લાવવાનો છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર 29 નવેમ્બર, 2025ના અગાઉના નિર્દેશો મુજબ જે કેસોમાં લિસ્ટિંગની રાહ જોવી શક્ય નથી, તેની પરવાનગી માત્ર કોર્ટ નંબર 1 એટલે કે CJIની કોર્ટમાં જ મેળવી શકાશે. આ વ્યવસ્થાથી તાકીદના કેસોના સંચાલનમાં મુખ્ય ન્યાયાધીશની કેન્દ્રીય ભૂમિકા વધુ મજબૂત બની છે, જે વહીવટી સરળતા માટે લેવાયેલું પગલું માનવામાં આવે છે.