Tue Oct 06 2026

Logo

ભારતીયો પર તોળાઈ રહ્યું છે સંકટ! ઓગસ્ટ મહિનાએ તોડ્યા ગરમીના રેકોર્ડ્સ; જાણો કેમ 2026-27નો શિયાળો ગરમ અને ઉનાળો વધુ દાહક બનશે?

2026-09-22 21:04:00
Author: Darshana Visaria
ભારતીયો પર તોળાઈ રહ્યું છે સંકટ! ઓગસ્ટ મહિનાએ તોડ્યા ગરમીના રેકોર્ડ્સ; જાણો કેમ 2026-27નો શિયાળો ગરમ અને ઉનાળો વધુ દાહક બનશે?

Chat GPT Generated Image


ભારતીય ઉપમહાદ્વીપ અને વૈશ્વિક આબોહવા પર આગામી મહિનાઓમાં એક અત્યંત વિનાશક કુદરતી આપત્તિના ભણકારા વાગી રહ્યા છે. દેશના 188 ટોચના પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકોએ સંયુક્ત અપીલ જાહેર કરીને ચેતવણી આપી છે કે ભારત પર 'સુપર' અલ નીનો ('Super' El Niño)નું જોખમ મંડરાઈ રહ્યું છે. આ સંકટના સંભવિત વિનાશક પરિણામો સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, નીતિ નિર્માતાઓ તેમજ વૈજ્ઞાનિક સંસ્થાઓએ તાત્કાલિક ધોરણે આગોતરું આયોજન કરવું પડશે.

અલ નીનોની આકરી અસર માત્ર ચોમાસા કે વરસાદ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભીષણ ગરમી, અતિશય દુષ્કાળ, જંગલોમાં દાવાનળ અને દરિયાઈ જીવસૃષ્ટિના વિનાશ જેવી ગંભીર પર્યાવરણીય કટોકટી સર્જી શકે છે.

પ્રશાંત મહાસાગરમાં તાપમાન ભયજનક સ્તરે પહોંચ્યું:

પ્રશાંત મહાસાગર (Pacific Ocean) જ્યાં અલ નીનો સર્જાય છે, ત્યાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય નિર્ધારિત મર્યાદા (0.5°C) કરતાં અનેકગણું વધી ગયું છે. ઓગસ્ટ, 2026માં આ તાપમાન 2.6°C નોંધાયું હતું, જે આગામી સમયમાં 4°C સુધી વધી જવાની દહેશત છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, પશ્ચિમ ઘાટના વિશાળ વૃક્ષો પહેલેથી જ અતિશય ગરમી સહન કરવાની તેમની આખરી મર્યાદા પર પહોંચી ચૂક્યા છે. ગરમી અને દુષ્કાળ વધતાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બેકાબૂ બની શકે છે. શહેરી વિસ્તારોમાં કોંક્રીટના જંગલોને લીધે સર્જાતા 'અર્બન હીટ આઇલેન્ડ' પ્રભાવથી વૃક્ષો-વનસ્પતિઓ પર ભારે તણાવ સર્જાશે, જ્યારે દુષ્કાળથી ખેડૂતો, માછીમારો અને માલધારીઓની આજીવિકા પર સીધો ફટકો પડશે.

ઇતિહાસનો સૌથી ગરમ ઓગસ્ટ 2026:

વૈશ્વિક હવામાન સંસ્થા (WMO) અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના ડેટા મુજબ, સમગ્ર પૃથ્વીના ઇતિહાસમાં ઓગસ્ટ 2026 મહિનો 'સૌથી ગરમ ઓગસ્ટ' સાબિત થયો છે. આ દરમિયાન ઉત્તરી ગોળાર્ધે સર્વાધિક આકરો ઉનાળો સહન કર્યો, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ પણ રેકોર્ડબ્રેક ગરમ નોંધાઈ હતી.

વર્ષ 2026-27નો શિયાળો કેમ રહેશે ગરમ અને સૂકો?

ઠંડી ગાયબ રહેશે: 


વર્ષ 2026-27 દરમિયાન 'સુપર અલ નીનો' ના પ્રભાવ હેઠળ સામાન્ય રીતે અનુભવાતી કડકડતી ઠંડી ગાયબ રહેશે. આ શિયાળો અસામાન્ય રીતે વધુ ગરમ, અત્યંત સૂકો અને ઓછી ઠંડીવાળો રહેવાની પ્રબળ શક્યતા છે.

નવેમ્બરથી જમીનમાં ભેજનો અભાવ: 

નવેમ્બર, 2026થી દેશના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સામાન્ય કરતાં વધુ સૂકું અને ગરમ રહેશે. વરસાદની અનિયમિતતાને લીધે જમીનમાં ભેજનું પ્રમાણ તળિયે બેસી ગયું છે.

ભૂગર્ભ જળસ્તર ઘટશે, ઉનાળો બનશે ભીષણ: 

જમીનમાં ભેજ ન રહેવાથી અને વરસાદની અછતથી ગ્રાઉન્ડ વોટર લેવલ (ભૂગર્ભ જળ) ખૂબ ઝડપથી ઘટી જશે, જેના કારણે વર્ષ 2027નો ઉનાળો ઇતિહાસનો સૌથી દાહક અને જીવલેણ રહેવાની આશંકા છે.