- સંજય છેલ
અદ્ભુત અદાકાર માર્લોન બ્રાન્ડો
મને વાસ્તવિકતા નથી જોતી... મને જાદુ જોઈએ છે! હા, જાદુ! હું લોકોને એવી જ ચીજો બતાવું છું
જે તે લોકો જોવા માગે છે...
સારા નસીબ પર ક્યારેય ભરોસો ન રાખતા, એ તો સાવ આંધળું છે
મૃત્યુ એ જીવનનો દુશ્મન નથી, મૃત્યુ તો જન્મનો દુશ્મન છે... અને સાચો વિરોધી તો પ્રેમ અને જીવન છે.
- ટેનેસી વિલિયમ્સ
આજે જ્યારે દેશમાં તરુણ તેજપાલ જેવા ‘તહેલકા’ મેગેઝિનના કોઈ હાઇ-પ્રોફાઇલ ને શક્તિશાળી તંત્રી પર ‘સત્તાના દુરુપયોગ અને રેપ’ના ગંભીર આરોપો લાગે છે ત્યારે મોટો સવાલ ઊભો થાય છે કે બૌદ્ધિક વર્તુળોમાં પ્રભાવશાળી દેખાતા આવા ચહેરાઓ પોતાના પ્રભાવ પાછળ કઈ રીતે સ્વચ્છ ઇમાનદાર હોવાનો દંભ રચી શકે છે? અદાલતી તપાસ કે કઠોર સત્ય સામે આવે છે ત્યારે આવા પાવરફૂલ લોકોની ભ્રમની દુનિયા કઈ રીતે ધૂળધાણી થઈ જાય છે?
બરાબર આ જ પ્રકારના સવાલ પરનો પડદો ટેનેસી વિલિયમ્સનું ક્લાસિક નાટક ‘એ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ ખોલે છે.
અમેરિકામાં મિસિસિપી નદીના કિનારે વસેલ, ન્યુ ઓર્લિયન્સ શહેરની ગલીઓમાં નાટકની વાર્તા જન્મે છે. મિસિસ બ્લાન્શ ડુબોઇસ મોટી ઉંમરની ભૂતપૂર્વ અંગ્રેજી શિક્ષિકા છે, જેનું અમીર પરિવાર કરજાને કારણે લગભગ વેચાઈ ચૂક્યું છે. સાવ કંગાળ ને માનસિક રીતે તૂટેલી હાલતમાં પોતાની નાની બહેન સ્ટેલાને મળવા પહોંચે છે. સ્ટેલાના પતિ સ્ટેન્લી સાથે તેનું ઘર્ષણ પહેલાં જ દિવસથી શરૂ થઈ જાય છે. સ્ટેન્લી એક સામાન્ય મિડલક્લાસનો પુરુષ છે, જે પત્ની પર પૂરેપૂરો કાબૂ રાખવા માંગે છે. સ્ટેન્લી ગમેતેમ શોધી કાઢે છે કે બ્લાન્શનું કૅરેક્ટર સારું નહોતું ને ખરાબ વર્તનને કારણે તેને નોકરીમાંથી પણ કાઢી મૂકી હતી.
વાર્તામાં મોટો ટર્ન ત્યારે આવે છે જ્યારે સ્ટેન્લીનો મિત્ર મિચ બ્લાન્શના પ્રેમમાં પડે છે, પણ સ્ટેન્લી બ્લાન્શની બધી સચ્ચાઈ મિચને કહી દે છે. હવે મિચ લગ્ન કરવાની ના પાડી દે છે ને છેલ્લે સ્ટેનલી પત્નીની સગી મોટી બહેન બ્લાન્શ સાથે બળજબરી કરે છે જેેનાથી બ્લાન્શનું મગજ હંમેશ માટે હચમચી જાય છે ને નાટકના અંતે બ્લાન્શને પાગલખાને લઈ જવામાં આવે છે.
આ નાટકની વાર્તા માત્ર એક સ્ત્રીના પતનની કથા નથી, પણ તે માનવમનના એવા પડળો ખોલે છે, જ્યાં સત્ય ને ભ્રમ વચ્ચે જંગ ચાલે છે. કેટલીકવાર જે માણસ સૌથી વધુ ભ્રમમાં જીવતો દેખાય છે, તે હકીકતમાં એવો જ હોય છે જે વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી હોતો જેને માટે હવે એ જીવવી સાવ અસહ્ય બની ગઈ હોય.
બ્લાન્શ આ નાટકમાં પોતાની એક એવી ઇમેજ લઈને આવે છે, જેને આસપાસની દુનિયા હવે સ્વીકારવા તૈયાર નથી. તે શિષ્ટ ને ભદ્ર લોકો જેવી ભાષા બોલે છે, જ્યારે સામે પક્ષે સ્ટેન્લી એક એવો કઠોર માણસ છે જે માત્ર પોતાની તાકાત, પૈસા અને પ્રેક્ટિકાલિટી પર જીવે છે. ટૂંકમાં, બ્લાન્શ પોતાની જાત સાથે જૂઠું બોલે છે ને સ્ટેન્લી દુનિયાને જેવી છે તેવી જુએ છે. બ્લાન્શ પોતાના ભ્રમને લીધે પોતાનો ભૂતકાળ છુપાવે છે ને કાલ્પનિક દુનિયા બનાવીને વાસ્તવિકતા બદલવાનાં ફાંફા મારે છે.
જોકે આ નાટક આપણને સીધા સરળ જવાબો નથી આપતું. સ્ટેન્લી જે રીતે બ્લાન્શની પોલ ખોલે છે તેની પાછળ કોઈ સત્યવાદીતા કે ઇમાનદારી નથી હોતી. એમાં સ્ટેનલીની પોતાના ઘરમાં પોતાનું જ રાજ ચલાવવાની જીદ હોય છે એટલે બ્લાન્શનો વિનાશ એ એક પ્રકારની ક્રૂર તાકાતની નબળાઈ સામે થયેલી જીત છે. બ્લાન્શ પોતાની આબરૂ બચાવવાનો અસહાય પ્રયાસ કરે છે, જ્યાં તેને સાથ આપનાર કોઈ સામાજિક વ્યવસ્થા બચી નથી. દયા કે માફી નથી. જ્યારે કાઈ નાનકડું છૂપાવેલું સત્ય કોઈના જીવનના છેલ્લા સહારાને પણ ઘા કરે, ત્યારે શું સાચું બોલવું એ સારું કહેવાય કે પછી દયા ખાઈને અમુક ભ્રમને જીવતા રાખવા જરૂરી છે , જે માણસને કમસેકમ જીવવા માટે શ્વાસ લેવામાં મદદ કરતા હોય?
આજના સોશ્યલ મીડિયાના યુગમાં પણ, જ્યાં દરેક જણ ફિલ્ટર લગાડેલી જિંદગી જીવે છે અને પોતાનું એક ખોટું રૂપ પેશ કરે છે ત્યાં બ્લાન્શ આપણી આસપાસ જ કશેક ફરે છે. સોશ્યલ મીડિયાની એ બનાવટી ચમક એ બ્લાન્શનો એ જ ‘જાદુ’ છે, જે અસલી દુનિયાની કઠોરતાથી બચવા માટે ઊભો કરવામાં આવે છે. જ્યારે કોઈ અલ્ગોરિધમ કે પબ્લિક ટ્રાયલ એ બનાવટી પડદો ફાડી નાખે છે અને સાચી હાલત બહાર લાવે છે ત્યારે માનસિક રીતે ભાંગી જતા લોકોની હાલત બ્લાન્શ જેવી જ થઈ જાય છે. બીજી બાજુ, સ્ટેન્લી જેવો સમાજ આજે પણ એટલો જ અસંવેદનશીલ છે. એ નબળાઈ સ્વીકારવા તૈયાર નથી હોતો, તેને માત્ર તાકાત અને પાવર જોઈએ છે.
આ નાટક લખનાર ટેનેસી વિલિયમ્સની જિંદગી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નહોતી. એમનું બાળપણ પારિવારિક ઝઘડાઓ ને માનસિક રીતે અસ્થિર બહેન રોઝની છાયામાં વીત્યું હતું, જેની મગજની સર્જરીએ તેમને આજીવન ડંખતા રાખ્યા. આ પીડામાંથી બ્લાન્શનું પાત્ર જન્મ્યું. જ્યારે આ નાટક 1951માં હોલિવૂના પડદે આવ્યું ત્યારે મહાન અમેરિકન ડિરેક્ટર એલિયા કઝાને યુવાન અભિનેતા માર્લોન બ્રાન્ડોને સ્ટેન્લીના રોલ માટે લીધા. બ્રાન્ડોનું સિલેક્શન પણ એક મજેદાર કિસ્સો છે; એ જ્યારે ટેનેસી વિલિયમ્સના ઘરે પહોંચ્યા ત્યારે વિલિયમ્સ ઘરનો ફ્યુઝ રિપેર કરી રહ્યા હતા. બ્રાન્ડોએ કીધા વગર જ તરત ફ્યુઝ જાતે ઠીક કરી દીધો અને પોતાના આ જ રફ-ટફ અંદાજથી વિલિયમ્સને એવા પ્રભાવિત કર્યા કે એમને તરત જ સ્ટેન્લી માટે ફાઇનલ કરી દેવામાં આવ્યા.
ફિલ્મ ને નાટકની સૌથી મોટી જાન બ્લાન્શ અને સ્ટેન્લી વચ્ચેનું ગજબનું શારીરિક આકર્ષણ હતું. સ્ટેન્લીનો પરસેવાથી તરબોળ, પશુ જેવો રફટફ દેખાવ ને બ્લાન્શનો નખરાળો તથા ડરથી ધ્રૂજતો સ્પર્શ દર્શકોના શ્વાસ રોકી દેતો. બ્રાન્ડોએ સ્ટેન્લીના પાત્રમાં એવી કાચી તાકાત અને ગુસ્સો ભર્યો કે સિનેમામાં ઇતિહાસ બની ગયો. એનું ટાઈટ ટી-શર્ટ અને ફાટેલા અવાજે ‘સ્ટેલા...! ઓ સ્ટેલા...!’ બૂમો પાડવી નાટકના સ્ટેજ પર કે પડદા પર એટલી ગાજી ગઈ કે એણે હીરોની વ્યાખ્યા જ બદલી નાખી. આ ફિલ્મે વિવિયન લી અને માર્લોન બ્રાન્ડો બન્નેને વૈશ્વિક સ્ટાર બનાવી દીધા. તે જમાનામાં પડદા પર આવી કોઈ દંભ વગરની ને કાચીસાચી માનવીય વાતો ક્યારેય નહોતી આવી.
આ નાટક યાદ કરાવે છે કે આજે ભલે સમય બદલાઈ ગયો હોય, પણ પાવરની માનસિકતા ને એકબીજા પર હુકમ ચલાવવાની ભૂખ, માનસિક-શારીરિક રીતે આજે પણ જરાય બદલાઈ નથી. જેન-ઝીમાં પણ નહીં ને 70 વરસના લોકોની પેઢીમાં પણ નહીં!
માટે જ આજે પણ ‘એ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ એટલું જ જીવંત છે.