પંઢરપુર: એસએસસી બોર્ડની પરીક્ષાના પ્રશ્ર્નપત્રો પંઢરપુરના સાંગોલામાં જે શાળામાં રાખવામાં આવ્યા હતા ત્યાંના સ્ટ્રોન્ગ રૂમનું તાળું તોડી ચોર પેપર ચોરી ગયો હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પરીક્ષા પહેલાં ભૂગોળનું પેપર ફૂટતાં આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર શહેરની સાંગોલા વિદ્યામંદિર શાળામાં બોર્ડની પરીક્ષાના બધા પ્રશ્ર્નપત્રો રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શુક્રવારની રાતે અજાણ્યા શખસે શાળાના સ્ટ્રોન્ગ રૂમનું તાળું તોડ્યું હતું. પછી કબાટમાંથી ભૂગોળના 50 પ્રશ્ર્નપત્રનું બંડલ ચોરી શખસ ફરાર થઈ ગયો હતો.
શનિવારની સવારે શિક્ષણ વિભાગ અને કસ્ટોડિયન પાછલા દિવસના બચેલા પેપર બોર્ડને પોસ્ટથી મોકલવા માટે સ્ટ્રોન્ગ રૂમ પાસે પહોંચ્યા ત્યારે ઘટના સામે આવી હતી. દરવાજાનું તાળું તૂટેલું દેખાતાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને પછી પોલીસને જાણ કરાઈ હતી.
આ ચોરીને કારણે અનેક ગંભીર પ્રશ્ર્નો ઉપસ્થિત થયા હતા. જે સ્ટ્રોન્ગ રૂમ સામે ચોવીસ કલાક કડક સુરક્ષા અપેક્ષિત હતી ત્યાં ચોરી કઈ રીતે થઈ? ચોંકાવનારી બાબત એટલે ચોરીની ઘટના સામે આવ્યા પછી હાથ ધરાયેલી તપાસમાં સ્ટ્રોન્ગ રૂમ સામેના સીસીટીવી કૅમેરા બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરે યોજનાબદ્ધ રીતે આ કામ પાર પાડ્યું હોવાનું પ્રથમદર્શી જણાય છે. વળી, ડ્યૂટી પરનો કર્મચારી ચોરી થઈ ત્યારે ક્યાં ગયો હતો, એવો સવાલ પણ થઈ રહ્યો છે.
Artificial Intelligence (AI) generated image